ઈઝરાયલના હુમલામાં નુકસાનની વાત ઈરાને કબૂલી, કહ્યું- ત્રણ શહેરોમાં સૈન્ય મથકો નષ્ટ થઈ ગયા
Image Source: Twitter
Isreal Attack On Iran: ઈઝરાયલે શનિવારે વહેલી સવારે ઈરાનના સૈન્ય મથકો અને રાજધાની તેહરાન તથા તેની નજીકના શહેરો પર હુમલો કર્યો હતો. ઈરાનનું કહેવું છે કે, ઈઝરાયલના હુમલાએ ઈલમ, ખુઝેસ્તાન અને તેહરાનમાં સૈન્ય મથકોને નિશાન બનાવ્યા હતા, જેનાથી 'મર્યાદિત નુકસાન' થયું છે.
એક અહેવાલ પ્રમાણે વિસ્ફોટોની જાણકારી હજુ સુધી નથી મળી. અમેરિકાના એક વરિષ્ઠ સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, અમેરિકા ઈરાનમાં થયેલા વિસ્ફોટોથી વાકેફ છે અને સ્થિતિ પર ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યું છે.
ઈરાક, સીરિયા અને લેબનોનમાં પણ બ્લાસ્ટ
ઈરાન ઉપરાંત ઈરાક અને સીરિયામાં પણ અનેક બ્લાસ્ટ થયા હોવાની સૂચના મળી છે, જેના કારણે સીરિયન સેનાને પોતાની હવાઈ સુરક્ષાને સક્રિય કરવી પડી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે સીરિયાની રાજધાની દમાસ્કસમાં વિસ્ફોટની સૂચના મળી છે. દિયાલા અને સલાહ અલ-દિન ગવર્નરેટ્સની બહારના વિસ્તારમાં પણ વિસ્ફોટોની સૂચના મળી છે.
આ પણ વાંચો: બદલો પૂરો...! ઈરાન પર હુમલા બાદ ઈઝરાયલનું પહેલું નિવેદન, ઈરાને પણ કાર્યવાહી શરૂ કરી
ઈરાને હુમલાનો કર્યો સ્વીકાર
ઈરાને તેહરાન, ખુઝેસ્તાન અને ઈલામ પ્રાંતમાં લશ્કરી કેન્દ્રો પર હુમલાની વાત સ્વીકારી છે. ઈઝરાયલી મીડિયાના જણાવ્યા પ્રમાણે ઈરાન વિરુદ્ધ ત્રણ તબક્કામાં હુમલા કરવામાં આવ્યા છે. અમેરિકા અને ઈઝરાયલના અધિકારીઓનો હવાલો આપતા અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, 'પ્રથમ તબક્કાનો હુમલો ઈરાની એર ડિફેન્સ પર કેન્દ્રિત હતો જ્યારે બીજા અને ત્રીજા તબક્કામાં મિસાઈલ અને ડ્રોન બેઝ અને પ્રોડક્શન સાઇટ્સને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા.
ઈરાનને અમેરિકાની ચેતવણી
ઈઝરાયલી મીડિયાના જણાવ્યા પ્રમાણે વ્હાઈટ હાઉસના વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, અમે ઈરાનને એક સંદેશ મોકલ્યો છે, જો તે જવાબ આપશે તો અમે ઈઝરાયલની રક્ષા કરીશું. બાઈડન સરકારના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સીધી ગોળીબારનો અંત થવો જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે અમેરિકા પાસે ઈરાન સાથે વાતચીતના ઘણા પ્રત્યક્ષ અને પરોક્ષ માધ્યમો છે જ્યાં તેમણે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી છે. ઈઝરાયલી સેનાના હુમલાની જાણકારી આપતા ઈરાનને ચેતવણી આપી અને કહ્યું કે, અમે 'હુમલા અને બચાવ બંને માટે તૈયાર છીએ.'
ઈરાનમાં સૈન્ય મથકો પર શનિવારના હુમલામાં 100થી વધુ ઈઝરાયેલી વિમાનોએ ભાગ લીધો હતો. 2000 કિમી દૂરથી કરવામાં આવેલા આ હુમલામાં F-35 ફાઈટર જેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એક અમેરિકન અધિકારીએ જણાવ્યું કે ઈરાનમાં સૈન્ય મથકો પર હુમલા પહેલા અમેરિકાને તેની જાણ કરી દેવામાં આવી હતી પરંતુ તે ઓપરેશનમાં સામેલ નથી.