ઈઝરાયલના હુમલામાં હસન નસરલ્લાહના જમાઈનું મોત, 83 કરોડનો ઈનામી આતંકવાદી હતો હસન જાફર કાસિર
Israeli Airstrike: ઈરાન અને ઈઝરાયલ વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. બંને દેશ હવે આમને-સામને છે. ઈરાનના મિસાઈલ હુમલા બાદ ઈઝરાયલે જવાબી કાર્યવાહી કરવાની ધમકી આપી દીધી છે. ઈઝરાયલની એર સ્ટ્રાઈકે ઈરાન સહિત લેબનોનની ઊંઘ ઉડાડી દીધી છે. ઈઝરાયલની સેનાએ પહેલા જ હિઝબુલ્લાના ચીફ હસન નસરલ્લાહને ઠાર કરી દીધો છે. ત્યારબાદ હવે તેણે કથિત રીતે હસન નસરલ્લાહના જમાઈ હસન જાફર કાસિરને પણ ઠાર કરી દીધો છે. એક અહેવાલ પ્રમાણે ઈઝરાયલની સેનાએ સીરિયાના દમાસ્કસ શહેરની નજીક હવાઈ હુમલો કર્યો હતો જેમાં હસન જાફર કાસિરનું મૃત્યુ થઈ ગયુ છે. અમેરિકાએ તેને 2018માં વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો અને તેના પર 10 મિલિયન ડોલર (83 કરોડ)નું ઈનામ રાખવામાં આવ્યું હતું.
હસન જાફર કાસિરના ભાઈને પણ ઠાર કરી દીધો હતો
તાજેતરમાં જ ઈઝરાયલે હસન જાફર કાસિરના ભાઈ મોહમ્મદ જાફર કાસિરને પણ બેરુતમાં હવાઈ હુમલામાં ઠાર કરી દીધો હતો. ત્યારબાદ હવે સતત બીજા મોતથી હિઝબુલ્લાહની છાવણીમાં ખળભળાટ મચાવી દીધો છે. હસન જાફર ભાઈઓનો પણ ઈતિહાસ ઘણો જૂનો રહ્યો છે. બંને ભાઈઓએ 1982માં લેબનોન યુદ્ધ બાદ આતંકવાદની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ અહમદ કાસિર વિસ્ફોટકોથી ભરેલી કાર લઈને ઈઝરાયેલના બેઝમાં ઘૂસી ગયા હતા ત્યાર બાદ જોરદાર બોમ્બ બ્લાસ્ટ થયો હતો. લેબનોનના ઈતિહાસમાં આ પહેલીવાર બન્યું હતું જ્યારે ક્યાંય બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. તે સમયે હિઝબુલ્લાહના સ્થાપકોમાંથી એક ઈમાદ મુગનિયા દ્વારા અહમદ કાસિરને બ્લાસ્ટનો ઓર્ડર આપ્યો હતો. ત્યારબાદ વર્ષ 2008માં ઈમાદ મુગનિયાનું સીરિયામાં મોત થઈ ગયુ હતું.
હસન અને મોહમમ્દ જાફર કુખ્યાત આતંકવાદી
એક અહેવાલ પ્રમાણે હસન જાફર કાસીરે નસરલ્લાહની દીકરી સાથે નિકાહ કર્યા હતા, જેના કારણે ઈરાન અને હિઝબુલ્લા વચ્ચેના સંબંધોમાં વધારો થયો. આ સાથે જ તે હિઝબુલ્લાહની રેંકમાં પણ ઉભરી આવ્યો, જ્યારે બીજી તરફ તેનો ભાઈ સીરિયાથી ઈરાની હથિયારોની ડિલિવરીનું કામ કરતો હતો. હસન અને મોહમ્મદ જાફર કાસીરને ખૂબ જ કુખ્યાત આતંકવાદીઓ ગણવામાં આવતા હતા. જો કે, આ બંનેની હત્યા કરીને ઈઝરાયલે હિઝબુલ્લાહની ચિંતા વધારી દીધી છે જે પહેલેથી જ હસન નસરલ્લાહના મૃત્યુના આઘાતમાંથી બહાર નથી નીકળી શક્યું.