પાયલોટની ભૂલના કારણે 72 લોકોના જીવ ગયા! નેપાળ વિમાન દુર્ઘટનાને લઈને ચોંકાવનારો રિપોર્ટ
નેપાળ વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ જાહેર કર્યો
Nepal Plane Crash Enquiry Report: નેપાળમાં વર્ષ 2023ના જાન્યુઆરી મહિનામાં થયેલા ભયાનક વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં આ દુર્ઘટનાનું કારણ જણાવતા અનેક ખુલાસા થયા છે. પાયલોટે ખોટું લીવર ખેંચી લીધું હતું, તેના કારણે વિમના ક્રેશ થયું અને 72 લોકોના મૃત્યુ પામ્યા હતા.
પ્રાથમિક રિપોર્ટમાં શું સામે આવ્યું?
અહેવાલ અનુસાર, વિમાન દુર્ઘટનાની તપાસ કરી રહેલી સમિતિએ પોતાના પ્રાથમિક રિપોર્ટમાં જણાવ્યું કે,ક્લાઈટ ડેટા રેકોર્ડર (FDR)થી ઘણા ખુલાસા થયા છે. રેકોર્ડિંગ અનુસાર, તમામ એન્જિંન યોગ્ય રીતે કામ કરી રહ્યા હતા. એર ટ્રાફિક કંટ્રોલર (ATC)એ 10:57:07 વાગ્યે વિમાન લેન્ડ કરવાની મંજૂરી આપી હતી. પાયલોટ ફ્લાઈંગ (PF) બે વાર કહ્યું કે, એન્જિનમાં પાવર નથી. દુર્ઘટના સમયે વિઝિબિલિટી 6 કિલોમીટર જેટલી હતી અને આકાશ ચોખ્ખું હતું. આવી સ્થિતિમાં પાયલોટે ભૂલથી કન્ડિશન લીવર ખેંચી લીધું હશે, જેના કારણે એન્જિન બંધ થઈ ગયું હતું. દુર્ઘટના સ્થળે તપાસ કરતા પણ કન્ડિશન લીવર ખેંચાયેલું જોવા મળ્યું હતું. જેના કારણે આ ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.
સખત તાલીમ આપવા છતાં, પાયલોટ યોગ્ય રીતે કામ કરી શક્યો નહીં: ICAO
ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન (ICAO) અનુસાર,પાયલોટને સખત તાલીમ આપ્યા બાદ ટેસ્ટ લઈને જ તેને લાઈસન્સ આપવામાં આવે છે. છતા પાયલોટ આટલી મોટી ભૂલ કેવી રીતે કરી કે તે સાચા લીવરને ઓળખી શક્યો નહીં? શું વિમાન ઉડાવતી વખતે પાયલોટની માનસિક સ્થિતિ યોગ્ય ન હતી કે, તેણે અજાણતા આ ભૂલ કરી હતી? આના માટે કોને દોષી ઠેરવવો? તપાસમાં એ પણ સામે આવ્યું છે કે, પાયલોટે કોકપિટ (વિમાનના આગળના ભાગનો વિસ્તાર) પરથી એકાગ્રતા ગુમાવી દીધી હતી. પાયલોટની આ પહેલી ફ્લાઇટ હતી અને તેની એક ભૂલને કારણે અકસ્માત થયો હતો અને 72 લોકોએ જીવ ગુમાવ્યો.
રિપોર્ટ અનુસાર, દુર્ઘટના પહેલા વિમાનનું એન્જિન ફેલ થયાના કોઈ પુરાવા મળ્યા નથી. દુર્ઘટના સમયે બંને એન્જિન નિષ્ક્રિય સ્થિતિમાં ચાલી રહ્યા હતા. તેથી એન્જિન ફેલ થવાની શક્યતા નકારી કાઢવામાં આવે છે, અન્ય કોઈ ટેક્નિકલ સિસ્ટમમાં ખામી આવી હોય તેવા કોઈ પુરાવા મળ્યા નથી.
ઉલ્લેખનીય છે કે, 15 જાન્યુઆરી, 2023ના રોજ નેપાળના પોખરા એરપોર્ટ પર લેન્ડ કરતી વખતે યતિ એરલાઈન્સનું વિમાન સેતી નદીના ખાઈમાં ખાબક્યું હતું. આ વિમાનમાં 68 મુસાફરો અને 4 ક્રૂ મેમ્બર હતા.