ભારત સાથે વેપાર વાટાઘાટો ફરી શરુ કરવાની જગ્યાએ નિજ્જરની હત્યાની તપાસ વધારે મહત્વનીઃ કેનેડાના વરિષ્ઠ મંત્રીનો સંકેત
Image Source: Twitter
ઓટાવા,તા.17.નવેમ્બર.2023 શુક્રવાર
ખાલિસ્તાની આતંકવાદી હરદીપસિંહ નિજજરની હત્યાને લઈને કેનેડા અને ભારતના સબંધો વચ્ચે આવી ગયેલો તણાવ ઓછો થવાનુ નામ નથી લઈ રહ્યો છે.
હવે કેનેડાની ટ્રુડો સરકારના એક સિનિયર મંત્રીએ એવો સંકેત આપ્યો છે કે, કેનેડા સરકાર ભારત સાથે વેપારની વાટાઘાટો ફરી શરુ કરવાની જગ્યાએ ખાલિસ્તાની નેતા હરદીપ સિંહ નિજજરની હત્યાના મામલાની તપાસ માટે ભારતનો સહયોગ મેળવવા પર ધ્યાન કેન્દ્રીત કરી રહી છે.
અમેરિકામાં એશિયા પેસિફિક ઈકોનોમીક કો ઓપરેશનની બેઠક ટાણે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કેનેડાના ઈન્ટરનેશનલ ટ્રેડ તેમજ ઈકોનોમિક ડેવલપમેન્ટ મિનિસ્ટર મેરી એનજીએ કહ્યુ હતુ કે, અત્યારે કેનેડાની પ્રાથમિકતા નિજ્જરની તપાસ આગળ વધારવા પર છે.
એનજીના નેતૃત્વમાં ઓક્ટોબરમાં કેનેડાનુ એક પ્રતિનિધિમંડળ વેપાર વાટાઘાટો કરવા માટે ભારત આવવાનુ હતુ પણ આ મુલાકાત પણ રદ કરી દેવામાં આવી હતી.એનજીને પૂછવામાં આવ્યુ હતુ કે, શું ભારત સાથે વેપાર માટેની વાટાઘાટો આગળ વધી શકશે ....ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે, કેનેડાની ધરપતી પર કેનેડાના એક નાગરિકની ખુલ્લેઆમ હતા કરી દેવામાં આવતી હોય ત્યારે આ મામલાની તપાસ વધારે મહત્વપૂર્ણ છે .
વેપાર માટેની વાટાઘાટોને જોકે તેમણે સીધી રીતે આ હત્યા સાથે જોડી નહોતી પણ કહ્યુ હતુ કે, અમારુ ધ્યાન નિશ્ચિત પણે નિજ્જરની હત્યાની તપાસ પર છે.
નિજ્જરની હત્યામાં ભારતનો હાથ હોવાનો આરોપ થોડા સમય પહેલા કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ લગાવ્યો હતો અને ત્યારથી બંને દેશો વચ્ચેના સબંધો વણસવાની શરુઆત થઈ હતી.ભારતે આ મામલામાં પોતાનો કોઈ રોલ હોવાનો ઈનકાર કરીને ટ્રુડોના નિવેદને રાજકારણથી પ્રેરીત ગણાવ્યુ હતુ.