લેબેનોનમાં વિસ્ફોટો મામલે ઈઝરાયલ પર ભડક્યા આ દેશો, ચેતવણી બાદ UNSCએ બોલાવી ઈમરજન્સી બેઠક
International Reaction on Lebanon Serial Blasts: લેબેનોનમાં મંગળવારે પેજર સીરિયલ બ્લાસ્ટ અને બુધવારે અનેક સ્થળે મોબાઈલ, લેપટોપ, વોકી-ટોકીઝ સહિતના વાયરલેસ ડિવાઇસમાં અચાનક બ્લાસ્ટ થતા લેબેનોન સહિત સાઉદી અરેબિયા, ઈરાન સહિતના દેશો ઈઝરાયલ પર ગુસ્સે ભરાયા છે, જ્યારે યુનાઈટેડ નેશન્સે પણ ચેતવણી આપી છે. આ ઉપરાંત UNSC દ્વારા ઇમરજન્સી બેઠક પણ બોલાવવામાં આવી છે. દરમિયાન ગઈકાલે થયેલા અનેક બ્લાસ્ટમાં 4000થી વધુ લોકોને ઈજા અને 12 લોકોના મોત થયા છે, જ્યારે આજે અનેક ડિવાઈસમાં થયેલા ધડાકામાં અત્યાર સુધીમાં 300થી વધુ લોકોને ઈજા અને 9 લોકોના મોત થયા છે. મૃતકોનો આંકડો હજુ વધવાની સંભાવના છે.
પેલેસ્ટાઇન ક્ષેત્રથી હટે ઈઝરાયલઃ યુએનની ચેતવણી
યુનાઈટેડ નેશન્સે ઈઝરાયલને ચેતવણી આપી છે અને મહાસભામાં એક બિલ રજૂ કર્યું છે, જેમાં ઈઝરાયલને 12 મહિનાની અંદર પેલેસ્ટાઇનના કબજે કરેલા ક્ષેત્રોમાંથી પોતાની હાજરી દૂર કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. આ બિલમાં ઈઝરાયલને કબજે કરાયેલા વેસ્ટ બેંક અને પૂર્વ જેરૂસલમમાં તેની ઉપસ્થિતિ સમાપ્ત કરવા આંતરરાષ્ટ્રીય કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું પાલન કરવા ઉપરાંત ઈઝરાયલ પર હથિયાર પ્રતિબંધ લગાવવાની પણ માંગ કરવામાં આવી છે.
યુએનએસસીએ ઇમરજન્સી બેઠક બોલાવી
અલ્જેરિયાની માંગ પર સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) એ લેબેનોનમાં પેજર અને વોકી ટોકી બ્લાસ્ટને લઈને સભ્ય દેશોની ઇમરજન્સી બેઠક બોલાવી છે. યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસે આ દરમિયાન લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી વસ્તુઓને નિશાન બનાવવાનું ટાળવા કહ્યું હતું અને લશ્કરી કાર્યવાહી પહેલા વિસ્ફોટોને એક વ્યૂહરચનાનું ભાગ ગણાવ્યું હતું.
આ પણ વાંચોઃ VIDEO: લેબેનોનમાં વાયરલેસ ડિવાઈસથી ફરી અનેક વિસ્ફોટ, હિઝબુલ્લાહે ઈઝરાયલ પર ઝીંકી મિસાઇલો
સાઉદી અરેબિયાની મોટી જાહેરાત
લેબેનોનમાં થઇ રહેલા વિસ્ફોટો વચ્ચે, સાઉદી ક્રાઉન પ્રિન્સે ઈઝરાયલને લઈને મોટી જાહેરાત કરી. સાઉદી ક્રાઉન પ્રિન્સે કહ્યું છે કે, 'જ્યાં સુધી પેલેસ્ટાઈનને રાજ્ય તરીકે માન્યતા આપવામાં ન આવે ત્યાં સુધી સાઉદી ઈઝરાયલને માન્યતા નહીં આપે.' તેમણે પેલેસ્ટાઇન ઈઝરાયલના કબજાની નિંદા કરી હતી. ક્રાઉન પ્રિન્સ એમ્બેસીએ કહ્યું કે, 'જ્યાં સુધી પેલેસ્ટાઈનની સ્થાપનાના માર્ગમાં અવરોધ હશે ત્યાં સુધી તેઓ ઈઝરાયલ સાથે કોઇ રાજદ્વારી સંબંધો સ્થાપિત કરશે નહીં.'
ઈરાન ગુસ્સે ભરાયું
લેબેનોનમાં હિઝબુલ્લાહને નિશાન બનાવવા બદલ ઈરાન ઈઝરાયલ સામે ગુસ્સે થયું છે. આ હુમલામાં ઈરાનના રાજદૂતે એક આંખ ગુમાવી છે જ્યારે બીજી આંખને ખરાબ રીતે નુકસાન થયું છે. મોસાદ અને ઈઝરાયલની સેનાના આ ભયંકર અને અણધાર્યા હુમલાએ ઈરાનથી લઈને હિઝબુલ્લાહ સુધી બધાને હચમચાવી દીધા છે. ઈરાને આ અંગે ઈઝરાયલ પર નરસંહાર કરવાનો આરોપ લગાવી તેની આકરી ટીકા કરી છે. દરમિયાન હિઝબુલ્લાહ અને ઈરાન દ્વારા વળતા હુમલાના ડરથી ઈઝરાયલ ભયમાં છે અને તેણે પોતાની સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરી છે.
ઈઝરાયલ-ઈરાનમાં અનેક એરલાઇન્સે સેવાઓ બંધ કરી
જર્મનીની લુફ્થાંસા એરલાઈન્સ અને ફ્રાન્સની એર ફ્રાંસે ઈઝરાયલ, ઈરાન અને લેબેનોનની તમામ ફ્લાઈટો ગુરુવાર સુધી રદ કરી દીધી છે. લુફ્થાંસાએ આ અંગે કહ્યું કે, મુસાફરોની સુરક્ષાના કારણોસર આ નિર્ણય લેવામાં આવ્યો છે. એર ફ્રાન્સે આ અંગે જણાવ્યું કે, હાલ તમામ સેવાઓ રદ કરવામાં આવી છે, સ્થિતિનું આકલન કર્યા બાદ ફ્લાઈટ્સ ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
લેબેનોન સરકારે જાહેર કરી એડવાઇઝરી
લેબેનોનમાં થઇ રહેલા સિરિયલ બ્લાસ્ટની ઘટનાઓ વચ્ચે સરકારે તેના નાગરિકોની સુરક્ષા માટે એડવાઇઝરી બહાર પાડી છે. સરકારે લોકોને ઈલેક્ટ્રોનિક ઉપકરણોથી દૂર રહેવાની અપીલ કરી છે અને કહ્યું છે કે, 'જો કોઈ વ્યક્તિ પાસે પેજર, રેડિયો અથવા અન્ય ઇલેક્ટ્રોનિક ઉપકરણો હોય તો તરત તેમને પોતાનાથી દૂર કરી તાત્કાલિક સરકારને જાણ કરવી.' જણાવી દઈએ કે, બુધવારે બ્લાસ્ટ થયેલા તમામ ડિવાઇસ 5 મહિના પહેલાં ખરીદાયા હતા.
હિઝબુલ્લાહનો પલટવાર, 20 મિસાઇલો છોડી
લેબેનોનમાં સિરિયલ બ્લાસ્ટ બાદ હિઝબુલ્લાહે ઈઝરાયલ પર પલટવાર શરુ કર્યો છે. મીડિયા અહેવાલ અનુસાર, હિઝબુલ્લાહે ઈઝરાયલના કિરયાત શિમોન પર 20 મિસાઇલો છોડી હતી. જો કે, ઈઝરાયલી સેનાએ કેટલીક મિસાઇલોને નિષ્ક્રિય કરી દીધી હતી, જ્યારે કેટલીક મિસાઇલો ટાર્ગેટ પર પહોંચી બ્લાસ્ટ થઇ હતી. જો કે, હજુ સુધી આ હુમલાના કારણે કોઇના ઘાયલ થવાની જાણકારી સામે આવી નથી.