મને સત્તા પરથી હટાવવા આંતરરાષ્ટ્રીય કાવતરુ રચાયુ છે, નામ લીધા વગર શેખ હસીના અમેરિકા પર ભડકયા
Image Source: Twitter
ઢાકા, તા. 31 ડિસેમ્બર. 2023
બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાએ નામ લીધા વગર અમેરિકા સામે સ્ફોટક આક્ષેપ કરતા કહ્યુ છે કે, મને સત્તા પરથી હટાવવા માટે આંતરરાષ્ટ્રીય ષડયંત્ર રચવામાં આવી રહ્યુ છે અને સાત જાન્યુઆરીએ યોજાનારી ચૂંટણીમાં દેશના લોકો આ ષડયંત્રકારીઓને આકરો જવાબ આપશે.
બાંગ્લાદેશમાં સત્તાધારી આવામી લીગ પાર્ટીના અધ્યક્ષ શેખ હસીનાએ કહ્યુ હતુ કે, અમે ઈચ્છી રહ્યા છે કે, દેશમાં 12મી સંસદીય ચૂંટણી શાંતિપૂર્ણ રીતે સંપન્ન થાય. અમે અમારી પાર્ટીના ચૂંટણી ચિન્હ નાવ સાથે ચૂંટણીમાં ભાગ લેવાના છે. દેશના લોકો મતદાન કરે અને દુનિયાને બતાવી દે કે, બાંગ્લાદેશમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ચૂંટણીઓ થઈ શકે છે.
શેખ હસીનાએ ચૂંટણી સભાને સંબોધિત કરતા કહ્યુ હતુ કે, ચૂંટણીને નિષ્ફળ બનાવવા માટે આંતરરાષ્ટ્રીય કાવતરુ ઘડવામાં આવ્યુ છે. જેમાં સામેલ લોકો બાંગ્લાદેશમાં ત્રીજી પાર્ટીને સત્તા પર લાવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેનો જવાબ અમે ચૂંટણીના માધ્યમથી આપીશું. બધાને ખબર છે કે, આ ત્રીજી પાર્ટીએ 2007માં સત્તા પર આવ્યા પછી શુ કર્યુ હતુ...
બાંગ્લાદેશમાં રાજકીય માહોલ ગરમાયેલો છે.કારણકે પૂર્વ પીએમ ખાલિદા ઝિયાની પાર્ટી બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીએ ચૂંટણીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે.
બીજી તરફ અમેરિકાએ બાંગ્લાદેશના રાજકારણમાં ચંચૂપાત કરીને કહ્યુ હતુ કે, દેશમાં વિશ્વસનીય રીતે ચૂંટણી થવી જોઈએ અને બંને રાજકીય પક્ષોએ એક બીજા સાથે વાતચીત કરવી જોઈએ.
દરમિયાન શેખ હસીનાએ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીને આતંકવાદી પાર્ટી અને જમાત એ ઈસ્લામીને યુધ્ધના ગુનેગારોની પાર્ટી ગણાવીને કહ્યુ હતુ કે, આ બંને પક્ષો પાસે દેશને આગળ લઈ જવાની કોઈ ક્ષમતા નથી. જો મારી પાર્ટી ફરી સત્તામાં આવી તો દેશમાંથી ગુનાખોરીનો અંત આવશે. જેની પાછળ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટી અને જમાત એ ઈસ્લામીના ગુનેગારો જવાબદાર છે.