ટ્રમ્પના 62 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા ‘મહેલ’માં 58 બેડરૂમ અને 38 બાથરૂમમાં સોનાના નળ, અહીં પ્રોપર્ટીના ભાવ આસમાને
What the Mar-a-Lago estate looks like : આજે 20 જાન્યુઆરી, 2025ના રોજ ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના નવા પ્રમુખ તરીકે સત્તા સંભાળવા જઈ રહ્યા છે. ટ્રમ્પ અબજોપતિ બિઝનેસમેન છે, અનેક પ્રકારના વ્યવસાયમાંથી તેઓ અબજો ડોલર કમાય છે. તેઓ ઘણી સ્થાવર મિલકતના માલિક છે, પણ એક મિલકત એવી છે, જેના વિશે જાણીને સૌ ચોંકી જાય છે. આપણે પણ આજે એ મહેલનુમા મિલકતમાં એક આંટો મારીએ.
ફ્લોરિડામાં વસેલું છે ટ્રમ્પનું વૈભવશાળી ઘર
ફ્લોરિડા રાજ્યના પામ બીચ શહેરમાં ‘માર-એ-લાગો’ નામનો લક્ઝુરિયસ રિસોર્ટ છે, જે ડોનાલ્ડ ટ્રમ્પની માલિકીનો છે. 1927 માં નિર્માણ પામેલા આ રિસોર્ટને ડોનાલ્ડ ટ્રમ્પે 1985માં ખરીદ્યો હતો. 17 એકર જમીનમાં ફેલાયેલી આ પ્રોપર્ટીમાં 62,500 ચોરસ ફૂટનું ભવ્યાતિભવ્ય મકાન બનેલું છે, જેમાં 58 બેડરૂમ અને 38 બાથરૂમ છે. બાથરૂમના નળ સહિતના ફિટિંગ્સ પર નકરા સોનાનો ઢોળ ચઢાવવામાં આવેલો છે.
અતિશય મોંઘી છે આ પ્રોપર્ટી
ટ્રમ્પે માર-એ-લાગોને 10 મિલિયન ડોલરમાં ખરીદ્યો હતો. આજે તેની કિંમત વધીને લગભગ 342 મિલિયન ડોલર થઈ ગઈ છે. ટ્રમ્પની માલિકીની આ સૌથી મોંઘી રિયલ એસ્ટેટ પ્રોપર્ટી છે. ટ્રમ્પ આ રિસોર્ટને બ્રહ્માંડનું કેન્દ્ર કહે છે. આ રિસોર્ટને વિન્ટર વ્હાઈટ હાઉસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
‘પામ બીચ’ અબજોપતિઓનું શહેર છે
પામ બીચ વિશ્વના સૌથી વધુ ધનવાન લોકોનું ઘર છે. શહેરમાં કુલ 2500 મકાનો છે અને વસ્તી 9200 જેટલી છે. અહીં પ્રોપર્ટીની સરેરાશ કિંમત દર વર્ષે 38 ટકાના દરે વધી રહી છે. શહેરના જે વિસ્તારમાં ટ્રમ્પ રહે છે ત્યાં બીજા 50 અબજપતિઓ રહે છે. તેમની સંયુક્ત સંપત્તિ 500 બિલિયન ડોલર જેટલી થવા જાય છે.
ટ્રમ્પના પડોશી કોણ કોણ છે?
ટ્રમ્પના પડોશમાં વિખ્યાત હસ્તીઓ રહે છે. ચાલો એક નજર નાંખીએ અમેરિકન પ્રમુખના પડોશીઓ પર.
- ફેશન જગતના જાણીતા ડિઝાઈનર ટોમી હિલફિગર ટ્રમ્પની પડોશમાં રહે છે. તેમનું કોરલ હાઉસ 21,000 ચોરસ ફૂટમાં ફેલાયેલું છે, જેની અંદાજિત કિંમત 96 મિલિયન ડોલર છે.
- ઓસ્ટ્રેલિયાના સૌથી ધનિક વ્યક્તિ એવા જીના રાઈનહાર્ટનું ઘર પણ ટ્રમ્પના પડોશમાં છે. માઈનિંગ મેગ્નેટ જીના રાઈનહાર્ટે 2022 માં અહીં 66 મિલિયન ડોલરના ખર્ચે ઘર ખરીદ્યું હતું.
- વિખ્યાત અભિનેતા સિલ્વેસ્ટર સ્ટેલોને 2020માં 35 મિલિયન ડોલરમાં અહીં 11000 ચોરસ ફૂટનું ઘર ખરીદ્યું હતું, જેની અંદાજિત કિંમત હવે 48 મિલિયન ડોલર છે.
- રોક સ્ટાર રોડ સ્ટુઅર્ટે ડોનાલ્ડ ટ્રમ્પના રિસોર્ટની નજીક એક ભવ્ય મકાન ખરીદ્યું હતું, જેની અંદાજિત કિંમત 66 મિલિયન ડોલર છે.
- ઈન્વેસ્ટમેન્ટ કંપની ‘હેજ ફંડ’ના માલિક કેન ગ્રિફીન પણ ડોનાલ્ડ ટ્રમ્પના પાડોશી છે. તેઓ માર-એ-લાગોની નજીક 28 એકરની વિશાળ મિલકત ધરાવે છે. અહીં તેઓ તેમની માતા માટે આલીશાન ઘર બનાવી રહ્યા છે. મિલકતની અંદાજિત કિંમત 768 મિલિયન ડોલર છે.
- ટ્રમ્પ દ્વારા ટ્રેઝરી સેક્રેટરીના ઉમેદવાર તરીકે જ્હોન પોલસનને રજૂ કરવામાં આવ્યા હતા. જોકે, બાદમાં તેઓ એ માટેની સ્પર્ધામાંથી ખસી ગયા હતા. પોલસને ટ્રમ્પની મિલકતની બાજુમાં 112 મિલિયન ડોલરની વૈભવી મિલકત ખરીદી છે.
- 2024ની ચૂંટણીમાં ટ્રમ્પને સમર્થન ન આપનાર રિયલ એસ્ટેટ બિઝનેસમેન અને રોકાણકાર જેફ ગ્રીન પણ ટ્રમ્પના પાડોશી છે. તેમની પાસે અહીં 100 મિલિયન ડોલરની પ્રોપર્ટી છે.
- કેસિનો અબજોપતિ સ્ટીવ વિને અહીં 13 મિલિયન ડોલરની પ્રોપર્ટી ખરીદી છે. તેમનું ઘર અડધા એકરમાં ફેલાયેલું છે.
- અબજોપતિ રોકાણકાર નેલ્સન પેલ્ટ્ઝ આ વિસ્તારમાં 372 મિલિયન ડોલરની કિંમતની મિલકત ધરાવે છે.
- ઉદ્યોગપતિ થોમસ પીટરફી પણ માર-એ-લાગોને અડીને આવેલી છ એકર જમીનની માલિકી ધરાવે છે. તેમાં 11000 સ્ક્વેર ફૂટમાં ઘર પણ બનાવવામાં આવ્યું છે. 2011 માં થોમસે આ પ્રોપર્ટી 23 મિલિયન ડોલરમાં ખરીદી હતી. વર્તમાનમાં તેની અંદાજિત કિંમત 96 મિલિયન ડોલર છે.
- વોલ સ્ટ્રીટના પીઢ અબજોપતિ શ્વાર્ઝમેન ટ્રમ્પના પડોશમાં 15000 ચોરસ ફૂટનું ઘર ધરાવે છે. તેની અંદાજિત કિંમત 78 મિલિયન ડોલર છે. 2017 માં ટ્રમ્પે તેમને તેમની ટૂંકા ગાળાની વેપાર સલાહકાર પરિષદના અધ્યક્ષ બનાવ્યા. શ્વાર્ઝમેન પામ બીચ સિવિક એસોસિએશન બોર્ડમાં પણ સેવા આપે છે.
આ કારણસર પાડોશીઓ ટ્રમ્પના વિરોધમાં છે
ટ્રમ્પ જ્યારે જ્યારે પામ બીચ આવે છે અને શહેરમાં ફરે છે ત્યારે તેમની સુરક્ષાના કારણોસર શહેરના રસ્તા બ્લોક કરી દેવામાં આવે છે, જેને લીધે શહેરના રહેવાસીઓને તકલીફ વેઠવાની થાય છે. આ કારણસર શહેરના લોકો ટ્રમ્પના વિરોધમાં છે. આ અંગે સ્થાનિકોએ અનેક વખત ફરિયાદો પણ કરી છે. ટ્રમ્પ 2021માં ચૂંટણી હારી ગયા હતા, એ પછી અહીંના લોકોએ ટ્રમ્પને ફરીથી માર-એ-લાગો આવતા રોકવાનો નિષ્ફળ પ્રયાસ પણ કર્યો હતો. એ સમયથી ટ્રમ્પે આ રિસોર્ટને જ પોતાનું ઘર બનાવી લીધું છે.
Photo Source : maralagoclub/photo-gallery