ચીન તરફી મુઈજ્જુના તમામ કાવાદાવા નિષ્ફળ, હજારો ભારતીય સહેલાણીઓનો થયો મોહભંગ
Mohammed Muizzu: જ્યારથી માલદીવમાં ચીનનો પક્ષ ખેંચનાર મોહમ્મદ મુઈજ્જુની સરકાર બની છે ત્યારથી આ દેશના ભારત સાથેના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે. એવામાં માલદીવે અનેક વાર ભારતનો બહિષ્કાર પણ કર્યો છે. ત્યારબાદથી તેના ભારત સાથેના સંબંધ વધુ ખરાબ થયા છે. આ કારણે જ હવે ભારતીય પ્રવાસીઓ માલદીવના પ્રવાસે જવાનું ટાળે છે. જેના કારણે માલદીવના પ્રવાસન ઉદ્યોગને ફટકો પણ પડ્યો છે.
માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી
માહિતી અનુસાર, 24 સપ્ટેમ્બર 2023 સુધી માત્ર 88,202 ભારતીય પ્રવાસીઓ જ માલદીવ ગયા હતા. જ્યારે ગયા વર્ષના સમાન સમયગાળામાં આ સંખ્યા 1,46,057 હતી. આ ઘટાડાને કારણે માલદીવના પ્રવાસન ઉદ્યોગને અસર થઈ છે કારણ કે આ વર્ષે 57,855 ભારતીય પ્રવાસીઓની સંખ્યા ઘટી છે.
ભારતીય પ્રવાસીઓ માલદીવથી શા માટે મોં ફેરવ્યું?
થોડા સમય પહેલા માલદીવના ત્રણ નાયબ મંત્રીઓએ પીએમ મોદી વિષે સોશિયલ મીડિયા પર અપમાનજનક પોસ્ટ કરી હતી. આ ઘટના બાદ અમુક સામાજિક સંગઠનો તેમજ ભારતીયોએ માલદીવનો બહિષ્કાર કર્યો હતો. જો કે બાદમાં આ મંત્રીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. પરતું તેમ છતાં માલદીવમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યામાં સતત ઘટાડો જ થવા લાગ્યો. આ ઉપરાંત માલદીવમાં આવેલું રાજકીય પરિવર્તન પણ માલદીવમાં ભારતીય પ્રવાસીઓના ઘટાડાનું એક કારણ માનવામાં આવે છે.
માલદીવના ચીન સાથેના સંબંધોના કારણે પણ ભારત સાથેના સંબંધમાં ખટાશ આવી
માલદીવના નવા રાષ્ટ્ર્પતિ મોહમ્મદ મુઈજ્જુના ચીન તરફી વલણના કારણે પણ માલદીવ અને ભારતના સંબંધોમાં તિરાડ પડી છે. તેમજ માલદીવના ચીન સાથેના સારા સંબંધ પણ એક કારણ છે જેના લીધે ભારતીય પ્રવાસીઓ હવે માલદીવની મુસાફરી ઓછી કરે છે.
મુઈજ્જુના તમામ પ્રયાસો નિષ્ફળ
માલદીવના પ્રવાસન ઉદ્યોગને ફરી ઉભો કરવા માટે મુઈજ્જુ સરકારે ઘણા પ્રયાસો કર્યા છે. જેના ભાગરૂપે ભારતીય પ્રવાસીઓને ફરીથી આકર્ષવા માટે ત્યાની સરકારે 'સ્વાગત ભારત' અભિયાન પણ શરુ કર્યું છે. માલદીવ સરકાર ઈચ્છે છે કે ભારતીય પ્રવાસીઓ ફરી માલદીવના પ્રવાસે આવે જેથી પ્રવાસન ઉધોગને વેગ મળે.
હાલ માલદીવમાં ભારત કરતા ચીની અને પશ્ચિમી યુરોપીયન પ્રવાસીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, જેને કારણે માલદીવ પ્રવાસન મંત્રાલય થોડી રાહત અનુભવી રહ્યું છે. આ પ્રવાસીઓની વધતી જતી સંખ્યાએ અમુક અંશે ત્યાંના ઉદ્યોગમાં સ્થિરતા લાવી છે.