એશિયામાં સૌથી વધુ મોંઘવારી પાકિસ્તાનમાં, 9.80 કરોડ ગરીબીમાં ધકેલાયા, ADBનો ઘટસ્ફોટ
ઈસ્લામાબાદ : એશિયામાં સૌથી વધુ મોંઘવારી પાકિસ્તાનમાં છે ત્યાં ફુગાવાનો દર ૨૫ ટકા પહોંચી ગયો છે, અને તેનું અર્થતંત્ર માત્ર ૧.૯ ટકાના વિકાસદર સાથે દુનિયામાં ચોથા ક્રમનો સૌથી નીચો વિકાસ દર ધરાવે છે. તેમાં મનીલા સ્થિત એશિયન ડેવલપમેન્ટ બેન્કનો (એડીબી) અહેવાલ જણાવે છે.
ગુરૂવારે પ્રસિદ્ધ થયેલો આ અહેવાલ આગામી વર્ષ માટે પણ શોકજનક વર્તાવો આપતાં કહે છે કે, આગામી નાણાંકીય વર્ષ દરમિયાન પણ ત્યાં ફુગાવાનો દર ૧૫ ટકા રહેવા સંભવ છે. આ અહેવાલ વધુમાં કહે છે કે પાકિસ્તાનનો ફુગાવાનો દર એશિયામાં સૌથી વધુ છે. તેથી તે એશિયાનો સૌથી મોંઘો દેશ બની રહ્યો છે. આ પૂર્વે પાકિસ્તાન દક્ષિણ એશિયાનો સૌથી મોંઘો દેશ હતો.
સ્ટેટ બેન્ક ઓફ પાકિસ્તાન (એસ.બી.પી.) અને દેશની સમવાયતંત્રી સરકારે ફુગાવાનો દર ૨૧ ટકા તો અંદાજ્યો જ હતો, પરંતુ તેથી પણ તે ૪ ટકા વધુ થયો છે. તેનો ઈન્ટરેસ્ટ રેટ ૨૨ ટકા પહોંચી ગયો છે.
એડીબી કહે છે કે મ્યાનમાર, આઝરબૈજાન અને ઓટોનિયા દ્વિપ સમુહમાં આવેલાં નૌરૂ પછીનો તે ચોથા ક્રમનો સૌથી ઓછો વિકાસ દર છે.
પાકિસ્તાનમાં અત્યારે ૯ કરોડ ૮૦ લાખ લોકો ગરીબીમાં જીવી રહ્યાં છે. તેમાં આ નાણાંકીય વર્ષે ૧ કરોડનો વધારો થવા સંભવ છે. જે પાકિસ્તાનની વસ્તીના એક તૃતીયાંશ જેટલો થવા સંભવ છે.
એડીબીનો અહેવાલ વધુમાં જણાવે છે કે, પાકિસ્તાનના નાણામંત્રી મોહમ્મદ ઔરંગઝેબ, આગામી સપ્તાહે આઈએમએફનાં મેનેજિંગ ડીરેક્ટર ક્રીસ્ટેલીના જ્યોર્જીવાને નવા બેઈલા-આઉટ પેકેજ માટે મળવાના છે તે સિદ્ધ કેટલે અંશે થશે તે પણ પ્રશ્ન છે. દરમિયાન અત્યારે તો પાકિસ્તાન સ્ટેગ ફલેશન સ્ટેગનેશન + ઈન્ફલેશનની સ્થિતિમાં મુકાઈ ગયું છે. એટલે કે અર્થતંત્રમાં વિકાસ તો થતો નથી. પરંતુ ફુગાવો વધતો જાય છે. સાદા શબ્દોમાં કહીએ તો માલ ઉપર વ્યાજ-વટાવનો દર વધતો જાય છે. તેમજ ખરી જાત (માલ રાખવાનું ભાડું તેને સાચવનારના પગાર, કંપની કે પેઢીના નોકરોના પગાર તથા આનુષંગિક ખર્ચાઓ) ચાલુ રહેતાં ભાવ પડયા પડયા પણ વધતા જાય છે. તે સ્થિતિ 'સ્ટેગફલેશન' કહેવાય છે.
આઈ.એમ.એફ.ના એમ.ડી.એ પોતાનું મંતવ્ય જણાવતાં કહ્યું હતું કે, 'પાકિસ્તાને કેટલાક મહત્વના પ્રશ્નો ઉકેલવા જ જોઈએ. જેવા કે તેનો ટેક્ષ-બેઝ, દેશના સમૃદ્ધ વર્ગે સમાજ માટે વધુ આપવું જોઈએ. (સમૃદ્ધ વર્ગ ઉપર ટેક્ષ વધુ લગાવવો જોઈએ) તેમજ જાહેર ખર્ચાઓ ખૂબ વિચાર પૂર્વક કરવા જોઈએ.' સાથે વધુ પારદર્શક (આર્થિક) પર્યાવરણ ઊભું કરવું જોઈએ. આ સાથે તેઓએ સૂચવ્યું હતું કે, પાકિસ્તાને સૌથી પહેલાં તો ઓછામાં ઓછું ૦.૪ ટકા સરપ્લસનું ધ્યેય સિદ્ધ કરવું પડે અને નાણાંકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન તેની જીડીપીની ખાધ ઘટાડી ૭.૫ ટકા કરવી પડે પરંતુ વર્લ્ડ બેન્ક કહે છે કે પાકિસ્તાન તેના આ બંને 'બજેટ ટાર્ગેટ'ને પહોંચી શકશે નહીં.