mobile_app
For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!app_store_icongoogle_play_icon

ઈન્ડોનિશયાના મેરાપી જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ, 8 ગામડાઓ પર રાખની ચાદર પથરાઈ

આ જ્વાળામુખીની ઊંચાઈ 9737 ફૂટ છે

ધૂમાડો અને રાખના ગોટેગોટા સાત કિલોમીટર ઊંચે ઊડ્યા

Updated: Mar 12th, 2023

ઈન્ડોનિશયાના  મેરાપી જ્વાળામુખીમાં પ્રચંડ વિસ્ફોટ,  8 ગામડાઓ પર રાખની ચાદર પથરાઈ 1 - image

image : Twitter


ઈન્ડોનેશિયાનો માઉન્ટ મેરાપી જ્વાળામુખી ફરી ફાટ્યો હતો. તેના લીધે આસપાસના ગામડાઓ પર રાખી ચાદર ફરી વળી હતી. ભયંકર વિસ્ફોટ બાદ ધૂમાડો અને રાખના ગોટેગોટા સાત કિલોમીટર ઊંચે ઊડ્યા હતા. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. પરંતુ આસપાસના ગામોના લોકો અને પ્રવાસીઓને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

હાલ નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ 

ઈન્ડોનેશિયાની સાંસ્કૃતિક રાજધાની યોગ્યાકાર્તા નજીકના જાવા ટાપુના આ જ્વાળામુખીની ઊંચાઈ 9737 ફૂટ છે. વિસ્ફોટ બાદ તેની રાખ શિખરથી 9600 ફૂટ ઉપર ગઈ હતી. સ્થાનિક તંત્રએ આસપાસના સાત કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવ્યો છે. દેશની ડિઝાસ્ટર મિટિગેશન એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહરીએ કહ્યું કે અત્યારે જ્વાળામુખીથી થયેલા નુકસાનનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. લોકોને તે વિસ્તારથી દૂર જવા માટે કહેવામાં આવ્યું છે.

આ જ્વાળામુખીની નજીક 8 ગામડા આવેલા છે

અબ્દુલ મુહરીએ જણાવ્યું હતું કે રાખના કારણે આસપાસના લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તેની સાથે જ જ્વાળામુખીની ગરમ માટીના ફ્લેશ ફ્લડની પણ સંભાવના છે. વરસાદના કારણે આ સ્થિતિ સર્જાય છે. જ્વાળામુખી ફાટ્યા પછી વારંવાર વરસાદ પડે છે. આ જ્વાળામુખીની ખૂબ નજીક લગભગ આઠ ગામો આવેલા છે. જ્યાં રાખનો વરસાદ થયો છે. આ જ્વાળામુખી બે વર્ષ પહેલા જાન્યુઆરી મહિનામાં સતત ગર્જના કરી રહ્યો હતો. પછી તે 28 દિવસ સુધી લાવા ફેંકતો રહ્યો.

અગાઉ 2010માં વિસ્ફોટ થયો હતો, જેમાં 347 લોકો માર્યા ગયા હતા

2010માં આ જ્વાળામુખી ફાટવાને કારણે 347 લોકોના મોત થયા હતા. માઉન્ટ મેરાપી જ્વાળામુખી 1548 થી સમયાંતરે ફાટી રહ્યો છે. 2006 થી આ જ્વાળામુખી વધુ સક્રિય બન્યો છે. એપ્રિલ 2006માં ફાટી નીકળવાના કારણે આસપાસના વિસ્તારોમાં 156 ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મે 2018 માં પણ માઉન્ટ મેરાપી ફરી ફાટ્યો હતો. 

દંતકથાઓ... જ્યારે આત્માઓ બહાર આવે છે, ત્યારે વિસ્ફોટ થાય છે

સ્થાનિક લોકોમાં એવી દંતકથાઓ પ્રચલિત છે કે પૃથ્વી પર માત્ર માણસો જ રહેતા નથી. આત્માઓ પણ ત્યાં રહે છે. જાવાનીઝ ક્રેટોનનો આત્મા માઉન્ટ મેરાપીની અંદર રહે છે. આ આત્માઓના શાસક એમ્પુ રામા અને એમ્પુ પરમાડી છે. જ્યારે આ આત્માઓ બહાર નીકળીને તેમના રાજ્યની મુલાકાત લે છે ત્યારે મેરાપી પર્વતમાં વિસ્ફોટ થાય છે.

Gujarat