માલદીવ જઈ રહેલા ચીનના જાસૂસી જહાજને ઈન્ડોનેશિયાએ અટકાવ્યુ...
image : Twitter
જકાર્તા,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર
ઈન્ડોનેશિયાએ માલદીવ જઈ રહેલા ચીનના જાસૂસી જહાજને મુસાફરી કરતા અટકાવ્યુ હોવાનો ખુલાસો અમેરિકાના નેવલ ઈન્સ્ટિટ્યુટે કર્યો છે.
ચીનનુ જાસૂસી જહાજ જિયાંગ યાંગ હોંગ 03 આગામી મહિને માલદીવ પહોંચવાનુ છે. મળતી વિગતો પ્રમાણે તે ઈન્ડોનેશિયાની જળ સીમામાંથી પસાર થઈ રહ્યુ હતુ ત્યારે તેણે પોતાની ઓટોમેટિક ઈન્ફર્મેશન સિસ્ટમ બંધ કરી રાખી હતી. જેના કારણે ઈન્ડોનેશિયાના કોસ્ટ ગાર્ડે તેને પોતાની સીમામાં અટકાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે, ઈન્ડોનેશિયાને પણ ચીન સાથે દરિયાઈ સીમાને લઈને વિવાદ છે પણ ઈન્ડોનેશિયા મોટાભાગે ચીન સાથે અથડામણમાં ઉતરવાનુ ટાળતુ રહ્યુ છે.
અમેરિકન નેવલ ઈન્સ્ટિટ્યુટના કહેવા અનુસાર 11 જાન્યુઆરીએ ઈન્ડોનેશિયાના કોસ્ટ ગાર્ડે કાર્યવાહી કરી હતી. કારણકે ચીનના જહાજે પોતાની ઓટોમેટિક ઈન્ફર્મેશન સિસ્ટમ બંધ રાખી હતી અને દાવો કર્યો હતો કે તેમાં ખરાબી આવી ગઈ છે. જોકે આ વાત પર ઈન્ડોનેશિયન કોસ્ટ ગાર્ડને ભરોસો બેઠો નહોતો.
કોસ્ટ ગાર્ડમાં તૈનાત જવાનોએ ચીનની જહાજ પર ચઢવાની અને ચકાસણી કરવાનો તો પ્રયાસ નહોતો કર્યો પણ ચીનના જહાજને હવે ઈન્ડોનેશિયાની દરિયાઈ સીમા તરત જ છોડી દેવાનો આદેશ આપ્યો હતો.
આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે દરેક જહાજ પાસે ઓટોમેટિક ઈન્ફર્મેશન સિસ્ટમ હોવી જરુરી છે. જે જહાજની ઓળખ કરવામાં મદદ કરે છે. જ્યારે ચીનના જહાજે આ સિસ્ટમ ચાલુ કરવામાં આડાઈ કરી હતી.
ચીનનુ જહાજ જિયાંગ યાંગ હોંગ આમ તો દરિયાઈ રિસર્ચ માટે હોવાનો દાવો ચીન કરતુ રહ્યુ છે પણ ભારત સહિત દુનિયાના ઘણા દેશો માને છે કે, જહાજ પરની ટેકનોલોજીનો ઉપયોગ ચીન બીજા દેશો પર જાસૂસી માટે કરે છે અને આ જહાજને માલદીવની સરકારે પોતાને ત્યાં રોકાવા માટે છૂટ આપી હોવાથી ભારત સરકારના કાન સરવા થઈ ગયા છે. કારણકે ચીનનુ આ જહાજ માલદીવ ખાતેથી ભારતના દક્ષિણ હિસ્સામાં ભારતીય નેવીના જહાજોની હિલચાલ પર નજર રાખશે તેવી આશંકા છે.