ઇન્ડોનેશિયા- સંરક્ષણ ભાગીદારી વધારવા માગે છે, દ. ચીન સમુદ્રમાં વહાણવટાની સલામતી ઇચ્છે છે
- વિદેશ મંત્રી સુગીયોનોની સ્પષ્ટ વાત
- સમગ્ર દ. ચીન સમુદ્ર પરનાં ચીનનાં પ્રભુત્વનો અસ્વીકાર કરતાં ઇન્ડોનેશિયા પોતાના જળ વિસ્તાર પરનું પ્રભુત્વ દોહરાવે છે
નવી દિલ્હી, જાકાર્તા : ચીનની દાદાગીરીએ કેલિફોર્નિયાના તટથી શરૂ કરી સિંગાપુર અને સ્ટ્રેઇટસ ઓફ મલક્કાના દક્ષિણાર્ધ સુધી પ્રસરેલા વિશાળ પેસિફિક મહાસાગરમાં વમળો ઉપર વમળો ઉભા કર્યા છે. ઇન્ડોનેશિયા તેથી ચેતી ગયું છે. તેથી તેણે વર્તમાન સંરક્ષણ ભાગીદારી વધુ મજબૂત કરવા નિર્ણય લીધો છે. દક્ષિણ ચીન સમુદ્રમાં તે વહાણવટાની સલામતી ઇચ્છે છે. તેમજ માછીમારી માટે સલામત જળવિસ્તાર ઇચ્છે છે.
ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રી સુગીયોનો જણાવે છે કે, અમે જળ વિસ્તારમાં કોડ ઓફ કન્ડક્ટ સંપૂર્ણ રીતે જળવાઈ રહે તેમ ઇચ્છીએ છીએ.
તેઓએ વધુમાં કહ્યું અમે જળ વિસ્તાર વિવાદમાં અકારણ પડવા માગતા નથી. પરંતુ ચીનનાં કોસ્ટગાર્ડે અમારા જળ વિસ્તારમાં ઘૂસણખોરી કરી છે. તે અસ્વીકાર્ય છે.
ઉલ્લેખનીય છે કે ફીલિપાઇન્સથી સ્ટ્રેઇટસ ઓફ મલાક્કાના દક્ષિણાર્ધ સુધીના પેસિફિક મહાસાગરના સમગ્ર દ. ચીન સમુદ્ર પર અને પોતાના સાર્વભૌમત્વનો દાવો કર્યો છે. આથી મલાયેશિયા, થાઇલેન્ડ, ઇન્ડોનેશિયા, કમ્બોડીયા, વિયેતનામ, તાઇવાન અને ફીલીપાઇન્સ સર્વે ચાયનાએ જાહેર કરેલ એક્સકલુઝિવ ઇકોનોમિક ઝોન (ઇઇઝેડ)-નો વિરોધ કરે છે. તેનો વિરોધ કરતાં ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રીએ ૨૦૦૨માં રીજીયોનલ કમિટીએ તેનો ડ્રાફટ કોડ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ અંગે લંબાણમાં મંત્રણાઓ ચાલી હતી. તેના દોર ઉપર દોર થયા હતા. છેવટે ૨૦૧૭માં તે ડ્રાફટ કોડ તૈયાર કરાયો હતો. પરંતુ ચીન તેનો ખુલ્લે આમ ભંગ કરી રહ્યું છે. આથી તેના પાડોશી દેશો સચિંત બની રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ૨૬ જાન્યુઆરીના દિને યોજાનારી પરેડ સમયે ઇન્ડોનેશિયાના પ્રમુખ મુખ્ય મહેમાન છે.