ઇન્ડોનેશિયામાં ફરી જ્વાળામુખી ફાટયો, સુનામીની ભીતિ : હજ્જારો સ્થળાંતરિત

Updated: May 1st, 2024


Google NewsGoogle News
ઇન્ડોનેશિયામાં ફરી જ્વાળામુખી ફાટયો, સુનામીની ભીતિ : હજ્જારો સ્થળાંતરિત 1 - image


- એક મહિનામાં આ જ્વાળામુખી છથી વધુ વખત ફાટયો છે

- માઉન્ટરૂઆંગ સોમ-મંગળની રાતે 1:15 કલાકે ફાટતાં હડકંપ, પાંચ કિ.મી. ઊંચે રાખ ઊડી : ધગધગતો લાવા વહેવા લાગ્યો

જાકાર્તા : ઇન્ડોનેશિયામાં માઉન્ટ-રૂઆંગ મંગળવારે વારંવાર ભભૂકી ઉઠયો હતો. તેથી સુનામીની ભીતિ ફેલાઈ હતી. જ્યારે સત્તાવાળાઓએ હજ્જારો લોકોને સલામત સ્થળે ખસેડયાં હતાં. જ્વાળામુખીમાંથી ધગધગતો લાવા પણ ફેલાયો હતો.

દેશના વોલ્કેનોલોજિસ્ટે આ સાથે એવી પણ ચેતવણી ઉચ્ચારી છે કે આ જ્વાળામુખી આ મહિનાની શરૂઆતથી જ સક્રિય થયો છે અને હજી તે શાંત પડયો જ નથી. એક મહિનામાં આ રૂઆંગ-જ્વાળામુખી છથી વધુ વખત ફાટયો છે.

ઇન્ડોનેશિયાના ઉ.સુલાવેચી ટાપુ ઉપર આવેલો આ જ્વાળામુખી સોમ-મંગળની રાત્રિએ ૧:૧૫ કલાકે પહેલીવાર ફાટયો. તે પછી મંગળવારે સવારે બે વખત ફાટયો તેથી સત્તાવાળાઓએ તેની તળેટીમાં રહેતા આશરે ૬૦૦૦થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા, તેમ વોલ્કેનોલોજી એજન્સીએ જણાવ્યું હતું.

આ જ્વાળામુખી ફાટયો તે પહેલાં પાંચ કિ.મી. (આશરે ૩.૧) માઈલ ઊંચી રાખ ઊડી હતી તે પછી આગ ઓકી રહ્યો તે પછી ધગધગતો લાવારસ વહેવા લાગ્યો.

આ અંગે નેશનલ ડીઝાસ્ટર-એજન્સીના પ્રવક્તા અબ્દુલ મુહાટીએ પ્રેસ કોન્ફરન્સમાં મંગળવારે જણાવ્યું હતું કે વાસ્તવમાં ૧૧થી ૧૨ હજાર લોકોને પછીથી સલામત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા હતા. અત્યારે પણ લોકલ ડીઝાસ્ટર મિટિનેશન એજન્સી, પોલીસ અને મિલિટરી તે ટાપુ પરના રહેવાસીઓને સલામત સ્થળે ફેરવી રહ્યા છે.

આ અંગેની છબીઓમાં લાવારસ પણ થોડે સુધી ઊંચે ઊડતો દેખાયો છે. ઉપર રાખનું વાદળ ઊડતું દેખાય છે અને જ્વાળામુખીમાંથી ઊડતાં અગ્નિકણો સ્થાનિક ઘરો ઉપર પડતાં જોઈ શકાય છે. આ વિસ્ફોટ પાસેના સીગરો ટાપુ પરનાં તણુબાંદાંગ ઉપરથી પણ જોઈ શકાતો હતો. આ વિસ્ફોટ અને તેમાંથી વહેતો લાવારસ સમુદ્રમાં પડતાં સુનામી ઊભાં થયાં હતાં. તેમ કહેતાં અબ્દુલ મુહાટીએ પત્રકારોને જણાવ્યું હતું કે એક રેસ્ક્યુશિપ અને એક વોરશિપ પણ આસપાસના ટાપુઓમાંથી લોકોને સલામત સ્થળે લઈ જવા મોકલી દેવાયાં છે. કારણ કે સુનામીની બહુ મોટી ભીતિ છે.


Google NewsGoogle News