ઈન્ડોનેશિયામાં મૂશળધાર વરસાદ બાદ પૂર-ભૂસ્ખલન, 19 લોકોનાં મોત, 80000 વિસ્થાપિત, અસંખ્ય ગુમ
image : Twitter |
Indonesia Flood landslide news | ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મૂશળધાર વરસાદ બાદ અચાનક પૂર અને ભૂસ્ખલનને કારણે ભારે તારાજી સર્જાઈ છે. ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા છે, જ્યારે સાત અન્ય લોકો ગુમ છે. ગુમ થયેલા લોકોની સંખ્યા હજુ વધી શકે છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીઓએ ઘટના સ્થળે ઝડપથી રાહત અને બચાવ કાર્ય શરૂ કરી હતી. ઘણા લોકોને સુરક્ષિત બચાવી લેવાયા છે. જ્યારે ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
સ્થાનિક અધિકારીએ આપી માહિતી...
સ્થાનિક ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના વડા ડોની યુસરિઝાલે જણાવ્યું હતું કે મોડી રાતે અનેક ટન માટી, ખડકો અને ઉખડી ગયેલા વૃક્ષો પર્વત પરથી ઢસડતાં ઢસડતાં એક નદી સુધી પહોંચી ગયા હતા. જેના લીધે અનેક કિનારા તૂટી ગયા અને પશ્ચિમ સુમાત્રા પ્રાંતના પેસિસિર સેલાતન જિલ્લાના પર્વતીય વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ. જેના લીધે હાહાકાર મચી જવા પામ્યો હતો. અત્યાર સુધી કુલ 19 લોકોના મોતના અહેવાલ છે.
80 હજારથી વધુ લોકો વિસ્થાપિત થયા
ઓથોરિટીએ જણાવ્યું કે અત્યાર સુધી ઓછામાં ઓછા બે ગ્રામવાસીઓ અચાનક આવેલા પૂરમાં ઘવાયા હતા જ્યારે બચાવકર્મીઓ એવા સાત લોકોને શોધી રહ્યા છે જે હજુ ગુમ છે. પૂર અને ભૂસ્ખલનની લપેટમાં આવતા 14 ઘરના નામોનિશાન મટી ગયા હતા. જ્યારે 80000થી વધુ લોકો વિસ્થાપિત થઈ ગયાની માહિતી છે. તેમને રાહત કેમ્પોમાં આશ્રય લેવાની ફરજ પડી રહી છે. 9 જિલ્લા અને શહેરોમાં લગભગ 20000 ઘરોની છત પર પાણી ભરાઈ ગયા છે.