ઇન્ડોનેશિયામાં ભૂકંપનો મૃત્યુઆંક વધીને 268 : 151 હજુ પણ લાપતા
ઇમારતોના કાટમાળમાંથી વધુ મૃતદેહો મળ્યા : 1083 ઘાયલ
ઇન્ડોનેશિયાના પ્રમુખે સિયાંજુર શહેરની મુલાકાત લીધી : મકાન ગુમાવનારાઓને 3180 ડોલરની સહાયની જાહેરાત
સિયાંજુર (ઇન્ડોનેશિયા), તા. ૨૨
ઇન્ડોનેશિયાના જાવા દ્વીપમાં આવેલા ભૂકંપથી મરનારાઓની
સંખ્યા મંગળવારે વધીને ૨૬૮ થઇ ગઇ છે કારણકે ધરાશયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી વધુ
મૃતદેહો મળી આવ્યા હતાં. હજુ પણ ૧૫૧ લોકો લાપતા છે. આ માહિતી નેશનલ ડિઝાસ્ટર
મિટિગેશન એજન્સીએ આપી હતી.
એજન્સીના પ્રમુખ સુહરયાંતોએ પત્રકારોને જણાવ્યું હતું કે
સિયાંજુર શહેરની પાસે સોમવાર બપોરે આવેલા ૫.૬ તીવર્તાના ભૂકંપમાં અન્ય ૧૦૮૩ લોકો
ઘાયલ થયા હતાં. ભૂકંપથી ભયભીત લોકો સડકો પર આવી ગયા હતાં જેમાંથી કેટલાક લોકો
લોેહીથી લથપથ હતાં. ભૂકંપને કારણે ગ્રામીણ ક્ષેત્રની આસપાસની ઇમારતો ધરાશયી થઇ ગઇ
હતી.
પર્તિનેમ નામની મહિલાએ જણાવ્યું હતું કે જ્યારે ભૂકૅપનો
આંચકો અનુભવાયો તો તે પોતાના પરિવારની સાથે પોતાના ઘરની બહાર આવી ગઇ હતી અને તેના
થોડાક જ સમય પછી તેનું મકાન ધરાશયી થયું હતું.મહિલાએ જણાવ્યું હતું કે જો હું બહાર
ન આવી હોત તો મારા પરિવારના સભ્યો પણ માર્યા ગયા હોત.
અધિકારીઓએ જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકો ઉપરાંત ૩૦૦થી
વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે અને ઓછામાં ઓછા ૬૦૦થી વધુ લોકોને સામાન્ય ઇજા થઇ
છે.
રાષ્ટ્રીય તપાસ અને બચાવ એજન્સીના વડા હેન્રી અલ્ફીઆંડીએ
જણાવ્યું હતું કે સિયાંજુરના ઉત્તર પશ્ચિમ સ્થિત સિજેડિલ ગામમાં ભૂકંપથી ભૂસ્ખલન
થયું હતું. જેના કારણે સડકો બ્લોક થઇ ગઇ હતી અને અનેક મકાનો ધરાશયી થઇ ગયા હતાં.
તેમણે જણાવ્યું હતું કે અમે એવા તમામ પાસાઓને ધ્યાનમાં
રાખીને બચાવ અભિયાન ચલાવી રહ્યાં છીએ. એવા વિસ્તારો પર ખાસ ધ્યાન આપવામાં આવી
રહ્યું છે જ્યાં લોકો દટાયાની શંકા છે. અમારી ટીમ અંતરિયાળ વિસ્તારોમાં પણ
પહોંચવાના પ્રયત્ન કરી રહી છે.
ઇન્ડોનેશિયાના પ્રમુખ જોકો વિડોડોએ મંગળવારે સિયાંજુરની
મુલાકાત લીધી હતી. જરૃરિયાતમંદ લોકો સુધી તમામ જરૃરી સહાયતા પહોંચાડવાની ખાતરી આપી
હતી. તેમણે જે લોકોના મકાન તૂટી ગયા છે તેમને ૩૧૮૦ ડોલરની સહાય આપવાની પણ જાહેરાત
કરી હતી.