આ જાતિમાં પ્રતિબંધિત છે ભણતર, વાહનો અને જૂતા; નદીઓમાં નાહી શકાય પણ સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ ના વપરાય

Updated: Aug 24th, 2024


Google NewsGoogle News
Baduy Tribe


Indonesia Baduy Tribe: દુનિયાના પ્રત્યેક ખૂણામાં વસતા આદિવાસીઓના આગવા રીતરિવાજ અને રહેણીકહેણી હોય છે. એવો જ એક આદિવાસી સમાજ ઇન્ડોનેશિયામાં છે, જેના નિયમો હેરત પમાડે એવા છે. ચાલો, ઉપડીએ એ વિશિષ્ટ આદિવાસી સમુદાયની મુલાકાતે.

બહારની દુનિયાથી અલિપ્ત રહેતો સમુદાય

વાત છે બદુય આદિવાસીઓની જે ઇન્ડોનેશિયાના બૅન્ટેન વિસ્તારના પહાડી જંગલોમાં વસે છે. ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તાથી 120 કિમી દૂર માત્ર 50 ચોરસ કિલોમીટર વિસ્તારમાં બદુય આદિવાસીઓના છૂટાછવાયા ગામડાં વસેલા છે, જેમાં પ્રવેશ કરવો મારા-તમારા સૌના માટે મુશ્કેલ છે. 2010ની વસ્તીગણતરી પ્રમાણે બદુય લોકોની સંખ્યા ફક્ત 11,620 જેટલી છે.

આવા હેરતઅંગેજ નિયમો પાળે છે ગામ લોકો

- મોટાભાગના બદુય અભણ છે, કેમ કે અહીં બાળકોને શિક્ષણ આપવું પ્રતિબંધિત છે. 

- એમના ગામડામાં કોઈપણ પ્રકારના વાહનો ચલાવી શકાતા નથી.

- ગામમાં કોઈપણ વ્યક્તિ જૂતાં/શૂઝ પહેરતી નથી.

- કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ઉપકરણોનો ઉપયોગ પ્રતિબંધિત છે. 

- આધુનિક વસ્ત્રોને મંજૂરી નથી. ફક્ત હાથથી વણાયેલા કાળા અથવા સફેદ રંગનું કાપડ જ શરીર પર ઓઢી/પહેરી શકાય છે.

- વાળ કાપવાની મનાઈ છે.

- ફૂલોનો શણગાર કરવાની અને અત્તર લગાવવાની મનાઈ છે.

- સોનું અને ચાંદીનો ઉપયોગ કરી શકાતો નથી. 

- પૈસાને સ્પર્શ પણ કરવો નહીં. 

આ પણ વાંચો: આ તે કેવી બીમારી? જેમાં દર્દી પોતાને ગાય સમજે છે, લીલું ઘાસ ખાવા લાગે છે

આ જાતિમાં પ્રતિબંધિત છે ભણતર, વાહનો અને જૂતા; નદીઓમાં નાહી શકાય પણ સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ ના વપરાય 2 - image

આવા નૈતિક નિયમો પણ પાળે છે આ આદિજાતિ

- હત્યા કરવી નહીં

- ચોરી કરવી નહીં 

- જૂઠું બોલવું નહીં

- વ્યભિચાર કરવો નહીં

- દારૂ પીવો નહી

- રાત્રે ખોરાક ખાવો નહીં

શા માટે છે આવા અઘરા નિયમો? 

બદુય આદિવાસીઓ પ્રકૃતિ-પૂજક છે. જળ, જમીન, વૃક્ષ, વાયુ, અગ્નિ, પશુ-પક્ષી જેવા પ્રકૃતિના પ્રત્યેક તત્ત્વની તેઓ ઉપાસના કરે છે. પર્વતો, ખીણો, જંગલો, ઝરણાં, નદીઓ અને તેમની અંદરની તમામ ઇકોસિસ્ટમ્સનું રક્ષણ કરીને બ્રહ્માંડનું સંતુલન જાળવવાની પવિત્ર ફરજ આ આદિજાતિના લોકોનો જીવનમંત્ર છે. 

કુદરત પાસેથી ખપ પૂરતું જ લઈને તેઓ બહુ મર્યાદિત સંસાધનો વડે જીવનનિર્વાહ ચલાવે છે. મકાન બનાવવાથી લઈને ખેતી કરવા સુધીના તમામ મોરચે તેઓ કુદરતને ઓછામાં ઓછું નુકસાન થાય એ રીતે કામ કરે છે. માટે જ એમણે એમની જીવનશૈલી નિયમોમાં બાંધીને આટલી મર્યાદિત કરી રાખી છે.

મકાન બનાવવાના નિયમો

બદુય લોકો કુદરતમાં 'કોઈપણ ફેરફાર નહીં' અથવા 'શક્ય તેટલો ઓછો ફેરફાર'એ ખ્યાલ સાથે જીવે છે. લાકડું લાબું હોય તો એને કાપ્યા વિના, યોગ્ય સ્થાન શોધીને, એના કદ મુજબ એને વાપરવું, એવું તેઓ માને છે. માટે જ એમના મકાનની બાંધણીમાં પણ સામસામેના બે લાકડાં એકસરખા હોવાને બદલે લાંબા-ટૂંકા હોવાનું જોવા મળે છે. અહીં મકાન પણ ઉબડખાબડ જમીનને સમથળ કર્યા વિના જ બનાવાય છે. 

આ જાતિમાં પ્રતિબંધિત છે ભણતર, વાહનો અને જૂતા; નદીઓમાં નાહી શકાય પણ સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ ના વપરાય 3 - image

ખેતી-પશુપાલનના નિયમો

કુદરતને ઓછામાં ઓછી તકલીફ થાય એ માટે ખેતી દરમિયાન હળ કે અન્ય ઓજારો વડે જમીન ખોદી શકાતી નથી. જમીન ખોદવા વાંસનું લાકડું જ વાપરવું પડે છે. જમીન ખોદીને સમથળ કરવાની પણ છૂટ નથી હોતી. જમીન ઉબડખાબડ હોય તો એવી જમીનમાં જ જે જેવું જેટલું રોપાય એટલું રોપવાનું. ખેતીમાં ખાતરના ઉપયોગ પર પણ સદંતર પ્રતિબંધ છે. મોટા કદના પ્રાણીઓને પાળી શકાતા નથી.

આ પણ વાંચો: કમલાને હિન્દુઓનું સમર્થન : 'હિન્દુઝ ફોર કમલા' નામક સમૂહ રચાયો : ડોનાલ્ડ ટ્રમ્પને આફત સમાન ગણાવ્યા

પૃથ્વી પરના અવતરેલા પહેલા મનુષ્યો

આ આદિવાસીઓ એવું માને છે કે પૃથ્વી પર મનુષ્યરૂપે અવતરનાર તેઓ પ્રથમ પ્રજાતિ હોવાથી એમના આદિમ મૂળિયાં અને કુદરત સાથેની સંવાદિતા જાળવી રાખવા, એ એમની નૈતિક ફરજ છે. 

બે ભાગમાં વહેંચાયા છે બદુય આદિવાસીઓ

બદુય લોકોના ગામડાંમાં બે હિસ્સા હોય છે. એક આંતરિક ભાગ અને બીજો બાહ્ય ભાગ. ઉપર જે કંઈ નિયમો લખ્યા છે એ તમામ નિયમોનું આંતરિક ભાગમાં વસતા બદુય લોકો ચુસ્તપણે પાલન કરે છે, પણ બાહ્ય ભાગના બદુય સહેજ છૂટછાટવાળું જીવન જીવે છે. જેમ કે, તેમને ટી-શર્ટ અને જીન્સ જેવા આધુનિક વસ્ત્રો પહેરવાની છૂટ હોય છે અને તેઓ હથોડી, ખીલી, કરવત જેવા સાધનો વાપરી શકે છે. તેઓ સૂવા માટે ગાદલાં અને પ્લાસ્ટિક તથા કાચના વાસણો વાપરી શકે છે. પર્વતોની બહાર જઈને શહેરોમાં ફરવાની પણ એમને છૂટ હોય છે. 

બાર્ટર સિસ્ટમમાં પ્રવેશ્યો પૈસો

અગાઉ સમગ્ર બદુય સમાજ બાર્ટર સિસ્ટમ પર નભતો હતો, એક-બીજા વચ્ચે ખેતપેદાશોની આપ-લે કરીને જીવનનિર્વાહ ચલાવાતો. છેલ્લા થોડા સમયથી બાહ્ય ભાગમાં વસતા બદુય લોકો શહેરોમાં જઈને એમની ખેતપેદાશો વેચીને બદલામાં નાણાં લેતા થયા છે. આંતરિક બદુય દ્વારા મેળવાયેલી ચોખા, ફળ અને મધ જેવી ઉપજ વેચવાનું કામ પણ બાહ્ય બદુય લોકો જ કરે છે. એ રીતે જોઈએ તો તેઓ આધુનિક જગત અને આંતરિક બદુય લોકો વચ્ચે બફર ઝોનનું કામ કરે છે.

આ જાતિમાં પ્રતિબંધિત છે ભણતર, વાહનો અને જૂતા; નદીઓમાં નાહી શકાય પણ સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ ના વપરાય 4 - image

વિદેશીઓ માટે સદંતર પ્રતિબંધ

આધુનિક જમાનાની આછીપાતળી હવા હવે બદુય સમુદાયને પણ લાગવા લાગી છે. પ્રવાસીઓ કુતૂહલવશ બદુય લોકોની જીવનશૈલીને નજીકથી જોવા માટે આ વિસ્તારની મુલાકાત લેતા થયા છે. બહારની કોઈપણ વ્યક્તિ બદુય ગામના આંતરિક ભાગમાં જઈ શકતી નથી, પણ મુલાકાતીઓને બદુયના બાહ્ય ભાગમાં નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની શરતે ફરવાની છૂટ હોય છે. પ્રવાસીઓને મોબાઇલ ફોન વાપરવાની છૂટ હોતી નથી. જેટલું ફરવું હોય એટલું પગપાળાં જ ફરવાનું. નદીઓમાં નહાઈ શકાય, પણ સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટનો ઉપયોગ કરવા પર પ્રતિબંધ છે. 

આ પણ વાંચો: જેલમાં ભીષણ અથડામણથી રશિયા હચમચ્યું, 8 કેદીઓનાં મોત, ISISના સમર્થકોએ હિંસા કરી

શિક્ષણ સહિતની આધુનિક સવલતોનો નકાર

ઇન્ડોનેશિયાની સરકારે ભૂતકાળમાં એકથી વધુ વાર બદુય આદિવાસીઓને શિક્ષિત કરવાના પ્રયાસ કરી જોયા હતા, પણ શિક્ષણને એમના પરંપરાગત રિવાજોના ઉલ્લંઘન તરીકે જોતા બદુય લોકોએ એનો હંમેશ વિરોધ જ કર્યો છે. જોકે, બહારની દુનિયા સાથેનો સંપર્ક વધવાથી બાહ્ય બદુય લોકો થોડુંઘણું વાંચતા શીખ્યા છે ખરા, પણ એમને પણ શાળામાં અપાય એવું વિધિવત શિક્ષણ લેવાની છૂટ નથી. 

આ ધર્મથી પ્રભાવિત છે બદુય લોકો

ઇન્ડોનેશિયાનો મુખ્ય ધર્મ ઈસ્લામ છે. દેશના 87 ટકા નાગરિકો મુસ્લિમ છે. કુદરતને ધર્મ માનનાર બદુય આદિવાસીઓના જીવનમાં પણ છેલ્લા થોડા દાયકાથી ઈસ્લામે પ્રવેશ કર્યો છે. નોંધપાત્ર સંખ્યામાં બદુય લોકોએ ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે. એમના અમુક રિવાજોમાં હિન્દુ ધર્મની છાંટ પણ વર્તાય છે.

આ જાતિમાં પ્રતિબંધિત છે ભણતર, વાહનો અને જૂતા; નદીઓમાં નાહી શકાય પણ સાબુ, શેમ્પૂ અને ટૂથપેસ્ટ ના વપરાય 5 - image


Google NewsGoogle News