Get The App

બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા છતાં ભારતનો વેપાર યથાવત્

Updated: Dec 23rd, 2024


Google NewsGoogle News
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલા છતાં ભારતનો વેપાર યથાવત્ 1 - image


- કટ્ટરવાદીઓએ બે દિવસમાં ચાર મંદિરોને બાનમાં લીધા : આઠ મૂર્તિઓ ખંડિત, પૂજારીની હત્યાનો દાવો

- મંદિરમાં તોડફોડ બાદ પૂજારીના હાથ-પગ બાંધીને યાતના આપી ઘાતકી હત્યા કરાઇ : કોલકાતા ઇસ્કોનના પ્રવક્તાનો ચોંકાવનારો ઘટસ્ફોટ

ઢાકા : બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘરો, મંદિરો અને દુકાનો પર હુમલા વધી રહ્યા છે. છેલ્લા બે દિવસમાં કટ્ટરવાદીઓએ ચાર મંદિરોને બાનમાં લીધા હતા અને ભારે તોડફોડ કરી હતી. અહેવાલો મુજબ હુમલાખોરોએ આઠ જેટલી મૂર્તિઓને તોડીને ખંડિત કરી નાખી હતી. આ વર્ષે જ બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની ૨૨૦૦ ઘટનાઓ સામે આવી ચુકી છે.  જ્યારે છેલ્લા બે મહિનામાં હિન્દુઓ પર અત્યાચારના ૮૮ જેટલા બનાવ સામે આવ્યા હોવા છતા ભારતનો બાંગ્લાદેશ સાથે વેપાર રાબેતા મુજબ જ ચાલી રહ્યો છે. હાલ એ સવાલ ચર્ચાઇ રહ્યો છે કે કેન્દ્રની મોદી સરકાર બાંગ્લાદેશનું નાક દબાવવા માટે આર્થિક પ્રતિબંધો કેમ નથી લાદી રહી?

બાંગ્લાદેશના મૈમનસિંહ વિસ્તારમાં બે મંદિરોને ઘેરીને કટ્ટરવાદીઓએ ભારે તોડફોડ કરી હતી. અહીંના બોંડેરપારા મંદિરમાં બે મૂર્તિઓ તોડવામાં આવી હતી. બાદમાં કાલી માતાના મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં માતાજીની મૂર્તિ ખંડિત થઇ ગઇ હતી. બાંગ્લાદેશના ત્રણ જિલ્લા મૈમનસિંહ, દિનાજપુર, નાટોરેમાં ૪૮ કલાકમાં કુલ ચાર મંદિરો પર હુમલા થયા હતા, આ હુમલામાં આઠ જેટલી મૂર્તિઓને ખંડિત કરવામાં આવી છે. જ્યારે મંદિરોમાં મોટા પાયે લૂટ ચલાવાઇ હતી. આ હુમલામાં પૂજારી તરુણ ચંદ્ર દાસની હત્યા કરી દેવામાં આવી હતી. મંદિરો પર હુમલા અને પૂજારીની હત્યાની માહિતી બાંગ્લાદેશના લેખિકા તસલીમા નસરીને ટ્વીટર પર જાહેર કરી હતી. તેમણે કહ્યું હતું કે બાંગ્લાદેશ એક સમયે હિન્દુઓનો હતો હવે તેના પર ઘાતક જેહાદીઓએ કબજો કરી લીધો છે. 

તાજેતરમાં જ ભારતની સંસદમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાના આંકડા જાહેર થયા હતા, આ વર્ષે આવા ૨૨૦૦ હુમલા થયા છે. શેખ હસીનાને સત્તામાંથી ઉખેડી ફેક્યા બાદ કટ્ટરવાદીઓ હિન્દુઓ પર બેફામ હુમલા કરી રહ્યા છે. હુમલાનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે છતા પણ ભારતનો બાંગ્લાદેશ સાથેનો વેપાર યથાવત છે. બાંગ્લાદેશ પોતાની મોટાભાગની દૈનિક જરૂરિયાતો માટે ભારત જ નિર્ભર છે. ભારતનો કપાસ, અનાજ, ખાંડ, ઇલેક્ટ્રિક વસ્તુઓ, સ્ટીલ અને અન્ય વસ્તુઓ બાંગ્લાદેશ આયાત કરે છે. બાંગ્લાદેશની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી દેશના જીડીપીનો ૧૧ ટકા હિસ્સો ધરાવે છે. આ ઇન્ડસ્ટ્રી ભારતીય કપાસ પર નિર્ભર છે. હિન્દુઓ પર આટલા હુમલા વચ્ચે પણ બન્ને દેશો વચ્ચેનો વેપાર યથાવત છે. ભારત તરફથી વેપાર અટકાવવા મુદ્દે હજુસુધી કોઇ જ પગલુ લેવાની જાહેરાત કરવામાં નથી આવી. અગાઉ જ્યારે પાકિસ્તાન સાથે વિવાદો થતા હતા ત્યારે ભારતે વેપારને અનેક વખત અટકાવ્યો છે. જોકે બાંગ્લાદેશના મામલામાં હજુસુધી આવો કોઇ નિર્ણય લેવામાં નથી આવ્યો.   

બીજી તરફ કોલકાતા ઇસ્કોનના પ્રવક્તા રાધારમણ દાસે ટ્વીટર પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો અને દાવો કર્યો હતો કે નાટોરેમાં હિન્દુ મંદિર પર હુમલો કરીને ખુલ્લેઆમ લૂટ ચલાવાઇ હતી, મંદિરના પુજારી તરુણ ચંદ્ર દાસની ઘાતકી રીતે હત્યા કરી દેવામાં આવી હતી. તેના હાથપગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. જે પરથી સાબિત થાય છે કે પુજારીની હત્યા કરવામાં આવી તે પહેલા તેને ખૂબ યાતના આપવામાં આવી હશે. અન્ય એક પુજારીએ રોષ ઠાલવતા કહ્યું હતું કે હિન્દુઓ સામેની હિંસાનું પ્રમાણ એટલી હદે વધી ગયું છે કે હવે માત્ર વાતચીત કરવાથી તેનો ઉકેલ નહીં આવે. હુમલા વચ્ચે બાંગ્લાદેશની વચગાળાની સરકારના કમિશને એક ભારત વિરોધી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં દાવો કરવામાં આવ્યો છે કે શેખ હસીનાના એવા અનેક વિરોધીઓ છે કે જેઓને ભારતીય જેલોમાં કેદ કરવાની શંકા છે. બાંગ્લાદેશના અનેક નાગરિકો હજુ પણ ભારતીય જેલોમાં કેદ હોઇ શકે છે. શેખ હસીના જ્યારે સત્તામાં હતા ત્યારે તેમના વિરોધીઓને બાંગ્લાદેશમાંથી ઉઠાવીને ભારત લઇ જવાતા હતા જ્યાં જેલોમાં કેદ કરી લેવાતા હતા. આવા કેટલાક બાંગ્લાદેશીઓ હજુ પણ ભારતની જેલોમાં કેદ હોઇ શકે છે.

બાંગ્લાદેશ સામે આર્થિક પ્રતિબંધો લાદવામાં વિલંબ કેમ  : હિન્દુ સંગઠનો

બાંગ્લાદેશમાં હિંદુઓ પરના અત્યાચારોથી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સહિતનાં હિંદુવાદી સંગઠનો પહેલેથી નારાજ છે. બાંગ્લાદેશમાં હિંદુઓની હત્યાઓ અને અત્યાચારો સામે નક્કર પગલાં ભરવામાં મોદી સરકારની નિષ્ફળતાથી નારાજ હિંદુવાદી સંગઠનો આક્રમક બનીને દેખાવો કરી રહ્યાં છે. સંઘ સહિતના સંગઠનોના નેતાઓ મોદી સરકારને સવાલ કરી રહ્યા છે કે, બાંગ્લાદેશ સામે આર્થિક પ્રતિબંધો લાદવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે ? હવે આ ઘટનાના કારણે આ નારાજગી વધી છે.  બાંગ્લાદેશમાં જીવન જરૂરીયાતની  ચીજો જ મળતી નથી તેથી ભારત બાંગ્લાદેશનું નાક દબાવી શકે તેમ છે તાજેતરમાં નોબેલ પુરસ્કાર વિજેતા મુહમ્મદ યુનુસની આગેવાની હેઠળની વચગાળાની સરકારે મદદ માટે ભારત સામે હાથ લંબાવ્યો હતો. ભારતે યુનુસ સરકાર પાસે મદદના બદલામાં હિંદુઓની સુરક્ષાની ખાતરી માગવાની જરૂર હતી.


Google NewsGoogle News