તદ્દન નિરાધાર અને બકવાસ...: કેનેડાએ ગૃહમંત્રી શાહ પર લગાવેલા આરોપ પર ભારતનો જડબાતોડ જવાબ
India Canada News : કેનેડાએ ભારતના ગૃહ મંત્રી અમિત શાહ પર કેનેડાએ ગંભીર આરોપ લગાવ્યા હતા. જેના પર આજે ભારતે જડબાતોડ જવાબ આપ્યો છે. ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું છે, કે 'શુક્રવારે કેનેડા હાઇકમિશનના અધિકારીને બોલાવીને નિરાધાર આરોપો પર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.'
ખાલિસ્તાની ગતિવિધિ મુદ્દે કેનેડા અને ભારત વચ્ચે છેલ્લા ઘણા સમયથી વિવાદ ચાલી રહ્યો છે. એવામાં કેનેડાના મંત્રી ડેવિડ મોરિસને ગૃહ મંત્રી અમિત શાહ પર આરોપ લગાવ્યો હતો. ડેવિડનો આરોપ હતો કે ગૃહ મંત્રી અમિત શાહના આદેશ પર ખાલિસ્તાની આતંકવાદીને મારવામાં આવ્યો હતો. એવામાં ભારતે જવાબ આપતા કહ્યું છે કે આ પ્રકારના આરોપ તદ્દન નિરાધાર અને બકવાસ છે.
નોંધનીય છે કે ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરના કારણે ભારત અને કેનેડા વચ્ચે સતત તણાવ વધી રહ્યો છે. 18 જૂન 2023ના રોજ કેનેડામાં હરદીપની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. કેનેડાના વડાપ્રધાન ટ્રુડોનો આરોપ છે કે ભારત સરકાર તથા સરકારના અધિકારીઓ આ હત્યામાં સામેલ હતા. જોકે ભારત સતત આ આરોપોને નકારી રહ્યું છે.
આ મહિને જ કેનેડાએ આરોપ લગાવ્યા કે ભારતના ડિપ્લોમેટ્સ હરદીપની હત્યામાં સામેલ હતા. જે બાદ ભારતે હાઇકમિશનર સંજય કુમાર વર્મા તથા અન્ય છ ડિપ્લોમેટ્સને ભારત પરત બોલાવી લીધા હતા.