ભારતના RuPay Card Paymentsની માલદીવમાં થઈ શરૂઆત, PM મોદી અને મુઈજ્જુ બન્યા પ્રથમ ટ્રાન્જેક્શનના સાક્ષી
RuPay Card Payments Now In Maldives: ભારત અને માલદીવ વચ્ચે આ વર્ષની શરૂઆતમાં થયેલો વિવાદ કોઈનાથી છુપાયેલો નથી રહ્યો. જો કે માલદીવના પ્રમુખ મોહમ્મદ મુઈજ્જુ પોતાની ભૂલનો અહેસાસ થઈ ગયો છે અને તેણે ભારતની માફી પણ માગી છે. હાલમાં મુઈજ્જુ પોતાની પત્ની સાજિદા મોહમ્મદ સાથે 4 દિવસના ભારતના પ્રવાસ પર છે. તેઓ ભારત સાથેના સંબંધોને માત્ર સુધારવા જ નથી માગતા પરંતુ તેને મજબૂત બનાવવાનો પણ પ્રયાસ કરી રહ્યા છે. માલદીવના મંત્રી મોહમ્મદ સઈદે મે મહિનામાં બંને દેશો વચ્ચેના સંબંધોને મજબૂત બનાવવા માટે ભારતીય RuPay સર્વિસને માલદીવમાં લોન્ચ કરવાની જાણકારી આપી હતી. જોકે, સઈદે માલદીવમાં આ સર્વિસ ક્યારે શરૂ થશે તે અંગે કોઈ માહિતી નહોતી આપી. પરંતુ હવે તે રાહ નો પણ અંત આવ્યો છે, કારણ કે આજે માલદીવમાં તેની શરૂઆત થઈ ગઈ છે.
RuPay Card Paymentsની માલદીવમાં થઈ શરૂઆત
RuPay Card Payments સર્વિસની આજે 7 ઓક્ટોબરના રોજ માલદીવમાં શરૂઆત થઈ ગઈ છે. ભારતમાં RuPay સર્વિસ પૈસાના ટ્રાન્જેક્શન માટે ખૂબ જ ઉપયોગી સર્વિસ છે. છેલ્લા થોડા સમયમાં આ સર્વિસને અન્ય ઘણા દેશોમાં પણ લોન્ચ કરવામાં આવી છે, કારણ કે તે દેશોએ પણ આ ભારતીય સેવાના મહત્વને ઓળખ્યું છે અને આજે આ સેવા માલદીવમાં પણ લોન્ચ કરી દેવામાં આવી છે. માલદીવની એક સ્ટોરમાંથી એક વ્યક્તિએ અમુક સામાન ખરીદ્યો અને પેમેન્ટ માટે પોતાના RuPay કાર્ડનો ઉપયોગ કર્યો.
#WATCH | Delhi: RuPay card payments introduced in Maldives. Prime Minister Narendra Modi and Maldives President Mohamed Muizzu witness the first such transaction. pic.twitter.com/zuYbuFAsVL
— ANI (@ANI) October 7, 2024
PM મોદી અને મુઈજ્જુ બન્યા પ્રથમ ટ્રાન્જેક્શનના સાક્ષી
માલદીવમાં RuPay કાર્ડ પેમેન્ટની આ પ્રથમ ટ્રાન્જેક્શનના સાક્ષી ભારતના પીએમ નરેન્દ્ર મોદી અને માલદીવના પ્રમુખ મુઈજ્જુ બન્યા છે. બંનેએ ભારતમાંથી જ આ નજારો લાઈવ જોયો અને તાળીઓ પાડી હતી.