યુએન સલામતી સમિતિમાં વિસ્તરણ માટે ભારતનો અનુરોધ, કહ્યું : 'માત્ર થીગડા દેવા હવે ચાલી નહીં શકે'
- 79 વર્ષ પહેલાની વ્યવસ્થા હવે ટકી ન શકે : ભારત
- એશિયા, આફ્રિકા અને લેટિન અમેરિકા કાયમી પ્રતિનિધિત્વ વગર રહ્યા છે, ગ્લોબલ- સાઉથના પ્રવકતા તરીકે ભારતની કેટલીક જવાબદારીઓ પણ છે
સંયુક્ત રાષ્ટ્રો : સંયુક્ત રાષ્ટ્રોની મહાસભામાં ગ્લોબલ સાઉથનો અવાજ ઉઠાવતાં ભારતે કહ્યું હતું કે, હવે સમિતિમાં કાયમી સભ્યપદ અંગે સ્મોક-સ્ક્રીન છવાવવો ચાલશે નહીં, તેમજ અહીં તહીં થીગડાં દેવા પણ ચાલશે નહીં.
આ પ્રમાણે કહેતા ભારતના રાજદૂત પી. હરીશે, મહાસભાના અધિવેશનમાં સોમવારે બોલતાં કહ્યું હતું કે, સંયુક્ત રાષ્ટ્રોની સલામતી સમિતિમાં હવે સુધારા કરવાનો સમય આવી ગયો છે. સર્વેને સમાન પ્રતિનિધિત્વ પણ તેમાં મળવું અનિવાર્ય છે. આ સાથે તેઓએ આડકતરી રીતે વીટોનો પાંચ કાયમી સભ્યો દેશો દ્વારા કરાતા ઉપયોગ પ્રત્યે પણ ઉપસ્થિત સભ્ય દેશોનું ધ્યાન દોર્યું હતું.
તેઓએ કહ્યું ગ્લોબલ સાઉથના નેતા તરીકે ભારતની ફરજ બને છે કે તે પૂર્ણ પ્રતિનિધિત્વથી બહાર રચાયેલા (સલામતિ સમિતિમાં કાયમી સભ્યપદથી દૂર રખાયેલા) એશિયન, આફ્રિકન અને લેટિન અમેરિકન તથા કેરેબિયન દેશો માટે અવાજ ઉઠાવવો.
૧૯૬૫માં સલામતી સમિતિનું વિસ્તરણ થયું હતું પરંતુ તે માત્ર 'નોન- પર્મેનન્ટ મેમ્બર્સ' પુરતું જ હતું. ત્યારે ચૂંટાયેલા નોન પર્મેનન્ટ મેમ્બર્સની સંખ્યા ૬ હતી તે વધારીને ૧૦ કરવામાં આવી. તેથી વધુ કશું જ ન થયું.
આ સાથે ભારતના પીઢ રાજદ્વારીઓ પી. હરીશે ઇન્ટર ગવર્નમેન્ટ - નેગોશિયેશન્સ (આઈજીએન)નો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે તે કાર્યક્રમ નીચે માત્ર નિવેદનો જ પ્રસિદ્ધ કરાય છે, એકબીજા સાથે વાતચીત તો કરવામાં આવતી જ નથી. કોઈ સાર્થક જોડાણ થતા નથી. થાય પણ ક્યાંથી. જયાં મંત્રણા માટે કોઈ નક્કર ભૂમિકા જ રચાતી નથી. માટે કોઈ સમય રેખાનો પણ ઉલ્લેખ થતો નથી. કોઈ નિશ્ચિત કાર્યક્રમ કે ધ્યેય પણ નિશ્ચિત થતાં નથી.
આ સાથે હરીશે સલામતી સમિતિમાં ખાસ અર્થમાં સુધારા કરવા માટે પણ તેઓના વક્તવ્યમાં જણાવ્યું હતું.