OIC સામે ભારતના વિદેશ મંત્રાલયે કરી લાલ આંખ, કહ્યું "ભારતની આંતરિક બાબતોમાં દખલ ન કરવી"
અમે OICના મહાસચિવની PoKની મુલાકાત અને મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીર પરની ટિપ્પણીની સખત નિંદા કરીએ છીએ: વિદેશ મંત્રાલય
ભારતે ફરી એકવાર ઈસ્લામિક દેશોના સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન (OIC)ને ઠપકો આપ્યો છે. કાશ્મીર અંગે સતત નિવેદનો કર્યા બાદ હવે આ સંગઠનના મહાસચિવે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ની મુલાકાત લીધી હતી. પીઓકે અંગે પણ ટિપ્પણીઓ કરી હતી. ભારતે આ અંગે નારાજગી વ્યક્ત કરી છે. OICના આ કૃત્યની ભારતના વિદેશ મંત્રાલયે નિંદા કરી છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચી દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું કે, "અમે OICના મહાસચિવની PoKની મુલાકાત અને મુલાકાત દરમિયાન જમ્મુ અને કાશ્મીર પરની ટિપ્પણીની સખત નિંદા કરીએ છીએ. અમે ફરી વખત કહ્યે છીએ કે OICને જમ્મુ અને કાશ્મીર સાથે કોઈ લેવાદેવા નથી." તે ભારતનો અભિન્ન અંગ છે. ભારતની આંતરિક બાબતોમાં દખલ કરવી જોઈએ નહિ." વિદેશ મંત્રાલયે કહ્યું, "ઓઆઈસી પહેલાથી જ તેની તમામ વિશ્વસનીયતા ગુમાવી ચૂક્યું છે. તે ઘણા મુદ્દાઓ પર સતત સાંપ્રદાયિક, એકતરફી અને હકીકતમાં ખોટા પક્ષો લઈ રહ્યું છે. તેના મહાસચિવ કમનસીબે પાકિસ્તાનના પ્રવક્તા બની ગયા છે".
કાશ્મીર પરનું શું હતું નિવેદન?
ઇસ્લામિક દેશોના સંગઠનના મહાસચિવ, હિસેન બ્રાહિમ તાહાએ સોમવારે પીઓકેની મુલાકાત લીધા પછી કહ્યું કે, કાશ્મીર વિવાદ OICના એજન્ડામાં ટોચની પ્રાથમિકતા પર છે. બ્રાહિમ તાહા PoK પર પહોંચ્યા હતા જ્યાં તેમણે કહ્યું કે, ઇસ્લામિક દેશોનું સંગઠન ભારત અને પાકિસ્તાન વચ્ચે વાતચીતનો રસ્તો શોધી રહ્યું છે જેથી કાશ્મીર વિવાદનો ઉકેલ લાવી શકાય. તેમણે કહ્યું હતું કે, તેઓ અન્ય દેશોને કાશ્મીર વિવાદ અંગે એકસાથે આવવા માટે કહી રહ્યા છે, જેથી આ મુદ્દાને જલ્દીથી ઉકેલી શકાય. અમે પાકિસ્તાન સહિત અન્ય દેશો સાથે આ વિષય પર બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી રહ્યા છીએ. બ્રાહિમ તાહાએ રાષ્ટ્રપતિ આવાસ પરથી ખાસ વાતચીતમાં કહ્યું કે, કાશ્મીરની વર્તમાન સ્થિતિ પર એક વ્યાપક મૂલ્યાંકન રિપોર્ટ પણ સંગઠનને સોંપવામાં આવશે.