ટ્રાન્સજેન્ડર સમુદાયની ક્લિનિક બંધ થતા મસ્કનો ભારતને ટોણો - અમેરિકાના પૈસાથી આ બધું થતું હતું...
Elon Musk On India's First Transgender Clinic Closed: ભારતમાં ટ્રાન્સજેન્ડર સમુદાય માટે શરુ કરવામાં આવેલા પ્રથમ ત્રણ ક્લિનિક બંધ થઈ ગયા છે. સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે યુએસ એજન્સી ફોર ઇન્ટરનેશનલ ડૅવલપમેન્ટ (USAID) દ્વારા આપવામાં આવતા ફંડ પર રોક લગાવી દીધા બાદ આ પગલું ભરવામાં આવ્યું છે. આ ફન્ડિંગ બંધ થતાં લગભગ 5,000 લોકોની સ્વાસ્થ્ય સેવાઓને અસર થઈ છે. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરીમાં તમામ વિદેશી સહાય પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ટ્રમ્પનો આ નિર્ણય તેમની 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ લેવામાં આવ્યો હતો, જે અંતર્ગત અમેરિકન કરદાતાઓના પૈસાથી ભંડોળ પૂરું પાડવામાં આવતા તમામ પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવામાં આવી રહી છે.
મસ્કનો ભારતને ટોણો
ટ્રમ્પે અગાઉ પણ USAID દ્વારા ભારતમાં 'મતદાર જાગૃતિ' પર 21 મિલિયન ડૉલર ખર્ચની ટીકા કરી હતી. ગત અઠવાડિયે ભારત સરકારે આ મામલે તપાસ શરુ કરવાની વાત કહી હતી. આ ઘટનાએ ભારત અને અમેરિકા બંનેમાં રાજકીય ચર્ચાને જન્મ આપ્યો છે. ટ્રમ્પના સાથી ઈલોન મસ્ક અને રિપબ્લિકન સેનેટર જોન કેનેડીએ આ પ્રકારના ફન્ડિંગની ટીકા કરી છે. મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ભારતને ટોણો મારતાં પ્રતિક્રિયા પણ આપી છે. તેમણે આ સમાચાર પર ટોણો મારતાં કહ્યું કે, 'આ બધું અમેરિકન કરદાતાઓના પૈસાથી થઈ રહ્યું હતું.'
આ ક્લિનિકોએ લગભગ 5,000 લોકોને સેવા પૂરી પાડી
તમને જણાવી દઈએ કે, આ ક્લિનિકના નામ 'મિત્ર ક્લિનિક' હતું, જે મુખ્યત્વે ટ્રાન્સજેન્ડર સમુદાયના ડૉક્ટરો, કાઉન્સિલર અને અન્ય કર્મચારીઓ દ્વારા ચલાવવામાં આવતા હતા. આ ક્લિનિક્સ હૈદરાબાદ, કલ્યાણ અને પુણે શહેરોમાં સ્થિત છે. રિપોર્ટ પ્રમાણે આ ક્લિનિકોએ લગભગ 5,000 લોકોને સેવા પૂરી પાડી હતી, જેમાં હોર્મોન થેરાપી, માનસિક સ્વાસ્થ્ય કાઉન્સેલિંગ, HIV અને અન્ય જાતીય રોગો સંબંધિત કાઉન્સેલિંગ, કાનૂની સહાય અને સામાન્ય તબીબી સંભાળ સામેલ છે.
આ ક્લિનિકને વાર્ષિક આશરે 30 લાખ રૂપિયાની જરૂર
એક સૂત્રએ જણાવ્યું કે, આ દરેક ક્લિનિકને વાર્ષિક આશરે 30 લાખ રૂપિયા(લગભગ 34,338 અમેરિકન ડૉલર)ની જરૂર હતી અને સરેરાશ આઠ કર્મચારી કાર્યરત હતા. ફન્ડિંગ બંધ થઈ ગયા બાદ આ ક્લિનિક્સ હવે વૈકલ્પિક સ્ત્રોતોમાંથી ભંડોળ એકત્ર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે, USAID એ અમુક જીવનરક્ષક પ્રવૃત્તિઓ માટે છૂટ આપી છે, જેમ કે HIV પીડિત લોકોને એન્ટિરેટ્રોવાયરલ દવાઓ પૂરી પાડવી. પ્રાપ્ત માહિતી પ્રમાણે ક્લિનિકના 10% દર્દીઓ HIVથી સંક્રમિત હતા.