Get The App

સાઉદી અરબના ડિફેન્સ એક્સપોમાં પણ ભારતના 'બ્રહ્મોસ'નો દબદબો, કુલ ઓર્ડર સાત અબજ ડોલરને પાર

Updated: Feb 8th, 2024


Google NewsGoogle News
સાઉદી અરબના ડિફેન્સ એક્સપોમાં પણ ભારતના 'બ્રહ્મોસ'નો દબદબો, કુલ ઓર્ડર સાત અબજ ડોલરને પાર 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 8 ફેબ્રુઆરી 2024

સાઉદી અરબમાં યોજાઈ રહેલા ડિફેન્સ એક્સપોમાં ભારતે રશિયાના સહયોગથી બનાવેલી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનો દબદબો જોવા મળ્યો છે.

ભારત પાસેથી બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ખરીદવા માંગતા દેશોનુ લિસ્ટ હવે લાંબુ થઈ ગયુ છે અને હવે આ મિસાઈલ માટેનો કુલ ઓર્ડર સાત અબજ ડોલરને પાર કરી ગયો છે. જાણકારોના મતે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ ઘણા દેશોની ફેવરિટ બની રહી છે અને તેનુ કારણ તેની ઝડપ છે. આ મિસાઈલ અવાજ કરતા ત્રણ ઘણી ઝડપથી ઉડીને પ્રહાર કરી શકે છે. તેની ઝડપના કારણે તેને આંતરવી બહુ મુશ્કેલ છે.

સાઉદી અરબમાં ચાલી રહેલા ડિફન્સ એક્સપોમાં બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ પ્રોજેકટના અધિકારી પ્રવીણ પાઠકે કહ્યુ હતુ કે, આ મિસાઈલ  માટે હવે સાત અબજ ડોલર કરતા વધારે ઓર્ડર મળી ચુકયા છે. જેમાં ભારતના પોતાના અને વિદેશોના ઓર્ડર સામેલ છે.

નિષ્ણાતોના કહેવા પ્રમાણે રશિયાના સહયોગથી આ મિસાઈલ બનાવ્યા બાદ તેમાં સમયાંતરે ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે તે વધારે ઘાતક બની ચુકી છે. ભારતે હવે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનુ સબમરિન, ફાઈટર જેટ , યુધ્ધ જહાજમાંથી લોન્ચ કરી શકાય તેવુ વર્ઝન પણ વિકસાવી લીધુ છે.

ભારતે તાજેતરમાં 900 કિલોમીટર સુધી પ્રહાર કરી શકે તેવા વર્ઝનનુ પણ સફળ પરિક્ષણ કર્યુ હતુ. બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલના શરુઆતના વર્ઝનની રેન્જ તો 295 કિલોમીટર સુધીની જ હતી. અત્યાર સુધીમાં આ મિસાઈલના 100 જેટલા સફળ ટેસ્ટ થઈ ચુકયા છે. ભારત પાસે સેનાની ત્રણે પાંખમાં કુલ મળીને 12000 બ્રહ્મોસ મિસાઈલ સામેલ છે.

હવે બીજા દેશોને પણ ભારત બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલ નિકાસ કરી રહ્યુ છે. સચોટ નિશાન સાધવાની ક્ષમતા અને અસાધારણ ઝડપના કારણે દુનિયામાં તેનો જોટો જડે તેમ નથી. આ જ કારણસર ઘણા દેશો હવે તેને ખરીદવા માંગે છે. ભારતમાં બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનુ નિર્માણ દુનિયાના બીજા દેશોના ક્રુઝ મિસાઈલના મુકાબલે ઘણુ સસ્તુ પડી રહ્યુ હોવાથી આ મિસાઈલ બીજા દેશો માટે સસ્તી પણ પૂરવાર થઈ રહી છે.


Google NewsGoogle News