Get The App

અમેરિકામાં ૧૨ લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે ઃ ફોર્બ્સ

૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૨૨ લાખ થઇ જશે જેને પૂર્ણ થવામાં ૧૯૫ વર્ષનો સમય લાગી શકે છે

અમેરિકા દર વર્ષે ૧.૪૦ લાખ નાગરિકોને ગ્રીન કાર્ડ જારી કરે છે ઃ અમેરિકા કાયદા મુજબ દરેક દેશનો સાત ટકા કવોટા નક્કી

Updated: Apr 15th, 2024


Google NewsGoogle News


નવી દિલ્હી, તા. ૧૫અમેરિકામાં ૧૨ લાખ ભારતીયો ગ્રીન કાર્ડની રાહ જોઇ રહ્યાં છે ઃ ફોર્બ્સ 1 - image

અમેરિકામાં રહેતા ૧૦ લાખથી વધારે ભારતીયો એવા છે જેમને ગ્રીન કાર્ડ માટે વર્ષો સુધી રાહ જોવી પડશે. યુએસ સિટીઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (યુએસસીઆઇએસ)ના આંકડાઓ પરથી આ માહિતી સામે આવી છે.

ફોર્બ્સના રિપોર્ટ અનુસાર યુએસસીઆઇએસના ડેટા પરથી જાણવા મળ્યું છે કે ડોક્ટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાાનિકો સહિત ભારતના હજારો-લાખો હાઇ સ્કીલ પ્રોફેશનલને અમેરિકામાં ગ્રીન કાર્ડ પ્રાપ્ત કરવામાં લાંબા સમય સુધી રાહ જોવી પડી શકે છે.

ફોેર્બ્સના રિપોર્ટ અનુસાર નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલીસી (એનએફએપી)એ ૨ નવેમ્બર સુધીના યુએસસીઆઇએસ ડેટાનું વિશ્લેષણ કર્યુ તો તેમને જાણવા મળ્યું છે કે ૧૨ લાખથી વધુ ભારતીયો એવા છે જે ગ્રીન કાર્ડ મળવાની રાહ જોઇ રહ્યાં છે.

ભારતીયોની પ્રથમ પ્રાથમિકતા ઇબી-૧ કેટેગરીમાં છે. આ કેટેગરીમાં પ્રોફેસર, રિસર્ચર્સ, મેનેજર જેવી પોસ્ટ પર કામ કરતા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. આ કેટેગરી હેઠળ ગ્રીન કાર્ડ મેળવવા માટે ૧,૪૩,૪૯૭ ભારતીયો રાહ જોઇ રહ્યાં છે.

ત્યારબાદ ઇબી-૨ કેટેગરી આવે છે. જેમાં સાયન્સ, આર્ટસ અને બિઝનેસ જેવા ફિલ્ડ સાથે જોડાયેલા લોકોને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે. જેમાં ૮,૩૮,૭૮૪ ભારતીયો લાઇનમાં છે.

ત્રીજી કેટેગરી ઇબી-૩ છે જેમાં એવા પ્રોફેશનલ્સને ગ્રીન કાર્ડ આપવામાં આવે છે જેમની પાસે બેચલર ડિગ્રી હોય છે. આ કેટેગરીમાં ૧,૩૮,૫૮૧ ભારતીય છે.

એનએફએપીએ જણાવ્યું હતું કે યુએસસીઆઇએસના આંકડાઓ અનુસાર બે નવેમ્બર, ૨૦૨૩ સુધી કુલ ૧૨,૫૯,૪૪૩ ભારતીયોના ગ્રીન કાર્ડ બેકલોગમાં હતાં.

ફોર્બ્સ રિપોર્ટ અનુસાર ૨૦૩૦ સુધીમાં આ સંખ્યા વધીને ૨૨ લાખ થઇ જશે એટલે કે ૨૨ લાખ લોકો ગ્રીન કાર્ડ મેળવવાની રાહ જોઇ રહ્યાં હશે. જેને પૂર્ણ થવામાં ૧૯૫ વર્ષનો સમય લાગી શકે છે.

ભારતીયો માટે વેઇટિંગ પીરિયડ ચીન સહિતના દેશોની સરખામણીમાં ઘણું વધારે છે કારણકે દરેક દેશનો કવોટા નિશ્ચિત હોય છે. અમેરિકા દર વર્ષે ૧.૪૦ લાખ નાગરિકોને ગ્રીન કાર્ડ જારી કરે છે. અમેરિકા કાયદા મુજબ દરેક દેશનો સાત ટકા કવોટા નક્કી કરવામાં આવ્યો છે.

ગ્રીન કાર્ડને અમેરિકામાં સત્તાવાર રીતે કાયમ માટે રહેવા માટેનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજ હેઠળ વીઝાધારકને સ્થાયી રીતે રહેવાનો અધિકાર આપવામાં આવે છે.

 

 


Google NewsGoogle News