કેનેડામાં અકસ્માતમાં 3 ભારતીયોનાં મોત, જેમાં 2 તો સગાભાઈ, બર્થ ડે પાર્ટીમાંથી પરત આવી રહ્યા હતા
અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા
Car Accident In Canada: કેનેડામાં કાર અકસ્માતમાં ત્રણ ભારતીય યુવાનોના મોત નિપજ્યા છે. મૃતકોમાંથી એક યુવાનનો બર્થ ડે ઉજવવા માટે બહાર ગયા હતા અને પરત ફરતી વખતે ગોઝારો અકસ્માત નડ્યો હતો, જેને કારણે ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.
ત્રણેય યુવકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા
અહેવાલ અનુસાર, કેનેડાના ગ્રેટર ટોરોન્ટો વિસ્તારના બ્રેમ્પટનમાં ગુરુવારે રાત્રે બર્થ ડે પાર્ટી મનાવી પરત ફરી રહેલા ત્રણ ભારતીય યુવાનોના કાર અન્ય વાહન સાથે અથડાતા માર્ગ અકસ્માત સર્જાયો હતો. જેમાં 23 વર્ષીય રિતિક છાબરા અને તેનો ભાઈ 22 વર્ષીય રોહન છાબરા તેમનો 24 વર્ષીય મિત્ર ગૌરવ ફાસગેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માત એટલો ભયાનક હતો કે કારમાં સવાર ત્રણેય યુવાનોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. રિતિક અને રોહન ચંદીગઢ અને ગૌરવ પુણેનો રહેવાસી હતા.
કેનેડા પોલીસના જણાવ્યા અનુસાર,આ અકસ્માતમાં અન્ય કોઈ વાહનની સંડોવણી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે વાહનને પણ કબજે લેવામાં આવ્યું છે અને આરોપીઓ વિરુદ્ધ સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.