USમાં વધુ એક ભારતીય વિદ્યાર્થીની અઠવાડિયાથી ગુમ, કેલિફોર્નિયા પોલીસે લોકોની મદદ માગવી પડી
Indian Student Missing In US : છેલ્લા એક અઠવાડિયાથી અમેરિકાના કેલિફોર્નિયામાં એક 23 વર્ષીય ભારતીય વિદ્યાર્થિની ગુમ થઇ ગઇ હોવાના ચોંકાવનારા અહેવાલ સામે આવ્યા છે. તેને શોધી કાઢવા માટે હવે પોલીસે લોકોની મદદ માગી છે. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં છેલ્લા ઘણાં સમયથી ભારતીયો પર હુમલા, ભારતીયોના મૃત્યુ કે મિસિંગ હોવાના કેસ સામે આવી રહ્યા છે. જોકે આ કેસ નવો છે.
પોલીસે ઓળખ જાહેર કરી
પોલીસના જણાવ્યાનુસાર આ વિદ્યાર્થિનીનું નામ નિથિશા કંડુલા છે અને તે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં ભણે છે. આ યુનિવર્સિટી સેન બર્નાડીનોમાં આવેલી છે. છેલ્લે તે 28 મેના રોજ જોવા મળી હતી અને ત્યારબાદથી તેની કોઈ ભાળ મળી નથી.
ક્યારથી ગુમ હોવાની ચર્ચા?
છેલ્લે તે લોસ એન્જેલસમાં દેખાઈ હતી અને 30 મેથી તે ગુમ હોવાની ચર્ચા છે. આ માહિતી ખુદ સીએસયુએસબીના પોલીસ પ્રમુખ જ્હોન ગ્યુટરેસે આપી હતી. આ મામલે સોશિયલ મીડિયા પર એક ટ્વિટ પણ કરવામાં આવી હતી. કંડુલાની ઊંચાઈ 5 ફૂટ 6 ઈંચ જણાવાઈ હતી અને તેનું વજન 72 કિલો જેટલું હોવાનું અનુમાન છે. અગાઉ એક 25 વર્ષીય ભારતીય સ્ટુડન્ટ્સ પણ આ રીતે ગુમ થયો હતો જેનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો હતો. તેની ઓળખ મોહમ્મદ અબ્દુલ અરફાત તરીકે થઇ હતી.