અમેરિકાના શિકાગોમાં ભારતીય વિદ્યાર્થી એક સપ્તાહથી ગુમ, બે મહિના અગાઉ પણ થઈ હતી આવી ઘટના
Indian student missing in Chicago: અમેરિકામાં ભણવું એ ભારતીય વિદ્યાર્થીઓ માટે એક સપનું રહ્યું છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ સપનું દુઃસ્વપ્ન બની રહ્યું છે. અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના ગુમ થવા અથવા હત્યાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. જેમાં ફરી એકવાર અમેરિકાના શિકાગોથી એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો છે. વિદ્યાર્થીની ઓળખ રૂપેશ ચંદ્ર ચિંતકિંડી તરીકે થઈ છે, જે 2 મેથી ગુમ છે.
ભારતના કોન્સ્યુલેટ જનરલે નિવેદન જાહેર કર્યું
શિકાગોમાં ભારતીય કોન્સ્યુલેટ જનરલે કહ્યું છે કે તે પોલીસ અને અમેરિકામાં રહેતા ભારતીયોના સંપર્કમાં છે. કોન્સ્યુલેટ જનરલે સોશિયલ મીડિયા પર શેર કરેલી પોસ્ટમાં લખ્યું છે કે 'કોન્સ્યુલેટ જનરલ ભારતીય વિદ્યાર્થી રૂપેશ ચંદ્રના ગુમ થવાના સમાચાર સાંભળીને ખૂબ જ ચિંતિત છે. એમ્બેસી ભારતીય સમુદાય અને પોલીસ સાથે સતત સંપર્કમાં છે અને આશા છે કે રૂપેશને ટૂંક સમયમાં શોધી કાઢવામાં આવશે.'
આ પહેલા માર્ચમાં એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયા બાદ મૃતદેહ મળ્યો હતો
શિકાગો પોલીસે લોકોને અપીલ કરી છે કે જો તેમને રૂપેશ વિશે કોઈ માહિતી મળે તો પોલીસને જણાવે. શિકાગોના એન શેરિડન રોડના 4300 બ્લોકમાંથી રૂપેશ 2 મેથી ગુમ છે. આ પહેલા માર્ચમાં પણ એક ભારતીય વિદ્યાર્થી ગુમ થયો હતો, જેનો મૃતદેહ એપ્રિલમાં મળી આવ્યો હતો. હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ અબ્દુલ અરાફાતનો મૃતદેહ ક્લીવલેન્ડ, ઓહાયોમાંથી મળી આવ્યો હતો. અરાફાત ક્લેવલેન્ડ યુનિવર્સિટીમાંથી આઈટીમાં માસ્ટર ડિગ્રી મેળવવા માટે અમેરિકા ગયો હતો.
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા વધી રહ્યા છે
અમેરિકામાં હાલના દિવસોમાં ભારતીય વિદ્યાર્થીઓના મોતની ઘટનાઓ વધી છે. એપ્રિલમાં, એક ભારતીય વિદ્યાર્થી ઉમા સત્ય સાંઈ ગડ્ડેનું પણ મૃત્યુ થયું હતું, જેની તપાસ ચાલી રહી છે. આ પહેલા ફેબ્રુઆરીમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયો હતો.
આ વર્ષે અમેરિકામાં વિવિધ કારણોસર 11 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે. આવી સ્થિતિમાં અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને સવાલો ઉભા થઈ રહ્યા છે.