અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીને માનવતા બદલ મળ્યું મોત, હથોડીના ઘા ઝીંકી હત્યા
અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીની ઘાતકી હત્યાનો મામલો સામે આવ્યો
Brutal Murder In America: અમેરિકાના જ્યોર્જિયામાં ભારતીય વિદ્યાર્થીના માથામાં હથોડીના ઘા ઝીંકી ક્રૂરતા પૂર્વક હત્યા ઘટના સામે આવી છે. આ વિદ્યાર્થીનો વાંક એટલો જ હતો કે તેણે માનવતા દાખવીને ફૂડ માર્ટની બહાર બેઠેલી એક અજાણી વ્યક્તિને અંદર આવવા દીધી હતી. તેનું કારણ એ હતું કે, બહાર ખૂબ જ ઠંડી હતી. મૃતક વિદ્યાર્થી ફૂડ માર્ટમાં ક્લાર્ક તરીકે કામ કરતો હતો અને કેટલાક દિવસોથી આરોપીને કોઈને કોઈ રીતે મદદ કરતો હતો. આ માનવતાનું તેને આ ફળ મળ્યું હતું.
અમેરિકન મીડિયાના અહેવાલો પ્રમાણે, આ મૃતક વિદ્યાર્થીનું નામ વિવેક સૈની છે. તે અહીંના લિથોનિયા શહેરમાં સ્નેપફિંગર અને ક્લેવલેન્ડ રોડ પર શેવરોન ફૂડ માર્ટમાં ક્લાર્ક હતો. વિવેકે 53 વર્ષીય જુલિયન ફોકનરને સ્ટોરમાં આશરો આપ્યો હતો. આ દરમિયાન ફોકનરે વિવેકની હથોડીના ઘા મારી હત્યા કરી હતી.
ફૂડ માર્ટના એક કર્મચારીએ પોલીસ નિવેદનમાં જણાવ્યા પ્રમાણે '14મી જાન્યુઆરીની સાંજથી અમે માનવતાની દ્રષ્ટિએ રસ્તા પર સૂઈ રહેલા આરોપી જુલિયન ફોકનરને દરરોજ સ્ટોરની અંદર આવવા દેતા હતા. અમે જુલિયનને પાણી સહિત બધું આપતા હતા. અમે આરોપીની બે દિવસ સુધી મદદ કરી હતી. તે આખો દિવસ અહીં બેસી રહેતો હતો અને અમે તેને ક્યારેય બહાર જવા માટે કહ્યું નથી કારણ કે અમને ખબર હતી કે બહાર ભયાનક ઠંડી છે. આ દરમિયાન 16મી જાન્યુઆરીની રાત્રે વિવેકે ઘરે જવા માટે નીકળ્યો ત્યારે ફોકનરે તેમના પર હથોડી વડે હુમલો કરી દીધો હતો. એ હુમલામાં વિવેકના ચહેરા અને માથામાં ગંભીર ઈજા થઈ હતી.’
નોંધનીય છે કે ઘટના સ્થળે પોલીસ પહોંચી ત્યારે હત્યારો વિવેક પર હથોડી પકડીને ઊભો હતો. પોલીસે આરોપીને હથોડી ફેંકવાનું કહી જુલિયન ફોકનરની ધરપકડ કરી હતી.