ભારતીય વિદ્યાર્થીઓનો UKથી કેમ થયો મોહભંગ, યુનિવર્સિટી એડમિશનમાં 21 ટકાનો ઘટાડો
Indian Student Numbers Drop in UK Universities : આઝાદીના 77 વર્ષ પછી પણ દેશની શિક્ષણ વ્યવસ્થા વસ્તીની જરૂરિયાત પ્રમાણે હજુ પણ અપૂરતી છે. આંકડા મુજબ દેશમાં લગભગ 4.5 કરોડ વિદ્યાર્થીઓ છે, પરંતુ તેમાંથી માત્ર 29% જ યુનિવર્સિટીમાં એડમિશન લે છે. નીતિ આયોગના સીઈઓ BVR સુબ્રમણ્યમે કહ્યું, "ભારતના 50% વિદ્યાર્થીઓની એડમિશન કરાવવા માટે યુનિવર્સિટીઓની સંખ્યા 1200 થી બમણી કરીને 2500 જેટલી કરવાની તાતી જરૂર છે. છેલ્લા 10 વર્ષમાં દર મહિને એક યુનિવર્સિટી અને બે કોલેજો ખોલવામાં આવે છે. છતાં યોગ્ય વયજૂથના માત્ર 29% વિદ્યાર્થીઓ જ સ્નાતકમાં એડમિશન લેતા હોય છે. તમામ પડકારો હોવા છતાં 50 ટકાથી વધુ વિદ્યાર્થીઓ સૌથી ખરાબ સ્થિતિમાં કોલેજોમાં હોવા જોઈએ."
આ પણ વાંચો : હજુ તો મંત્રી બન્યા પણ નથી અને વિવાદોમાં આવ્યા મસ્ક, પુતિન સાથે ગુપચુપ વાત કરવાનો આરોપ
આ જ કારણોને લીધે આર્થિક રીતે સક્ષમ વાલીઓ તેમના બાળકોને વધુ સારુ શિક્ષણ આપવા માટે વિદેશ મોકલવાનું પસંદ કરે છે. ભારતીય વિદ્યાર્થીઓ રશિયાથી મધ્ય પૂર્વ અને અમેરિકા અને કેનેડાથી યુરોપ, ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ ભણવા માટે જાય છે. દરમિયાન એક રિપોર્ટમાં ખુલાસો થયો કે, ભારતીય વિદ્યાર્થીઓની બ્રિટનમાં અભ્યાસ કરવાની રુચિ ઘટી છે. આ ઉપરાંત રિપોર્ટમાં બીજું શું છે તે જાણીએ.
યૂકેની યુનિવર્સિટીમાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી
રિપોર્ટ પ્રમાણે લગભગ 21 ટકાનો ઘટાડો થયો છે. મર્યાદિત નોકરીની સંભાવનાઓ, સુરક્ષાની ચિંતાઓ અને આશ્રિતો પરના નિયંત્રણોને કારણે યુકેની યુનિવર્સિટીઓમાં ભારતીય વિદ્યાર્થીઓની નોંધણી 20.4% ઘટી છે.
આ ઘટાડો નાઇજિરિયન વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડા સાથે, યુકેની યુનિવર્સિટીઓ માટે નાણાકીય જોખમ પણ વધી રહ્યું છે. જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ પર ખૂબ નિર્ભર છે. ઈંગ્લેન્ડમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે સ્થિરતા લાવવા માટે એક નવા રિપોર્ટ પરથી જાણવા મળ્યું કે, ભારતીય વિદ્યાર્થીઓ બ્રિટિશ યુનિવર્સિટીઓમાં અરજી કરવાનું બંધ કરી રહ્યા છે, જેના કારણે ત્યાં નાણાકીય સમસ્યાઓ વધી છે.
ઉલ્લેખનીય છે કે, ત્યાંની શૈક્ષણિક સંસ્થાઓ પહેલાથી જ મર્યાદિત બજેટના પડકારનો સામનો કરી રહી છે. વર્ષ 2022-23 થી 2023-24 દરમિયાન યુકે પ્રદાતાઓ દ્વારા વિદેશી વિદ્યાર્થીઓ માટે સ્વીકૃતિની પુષ્ટિ (CAS) પર યુકે હોમ ઓફિસ ડેટા પર આધારિત વિશ્લેષણ ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં 20.4 ટકાનો ઘટાડો નોંધાયો છે. હવે ત્યાં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 1,39,914 થી ઘટીને 111,329 થઈ ગઈ છે.
અછત થવા પાછળનું કારણ શું ?
આ પ્રશ્નના જવાબમાં બ્રિટનમાં રહેલા ભારતીય વિદ્યાર્થી ગ્રુપોનું કહેવું છે કે, છેલ્લા કેટલાક વર્ષોમાં બ્રિટનની નીતિઓમાં ફેરફાર આવ્યો છે. પરપ્રાંતીયોને અપાતી સુવિધાઓમાં ઘટાડો કરવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓ માટે તકો અને નોકરીની સંભાવનાઓ ઓછી થઈ ગઈ છે. અસુરક્ષા અને હાલમાં કેટલાક શહેરોમાં પ્રવાસી લોકોનો વિરોધ પ્રદર્શનો અને કેટલાક રમખાણો બાદ સુરક્ષાની ચિંતાઓના કારણે ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ઘટાડો થયો હોવાનું માનવામાં આવે છે.
સરકારી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલ સંસ્થાના અહેવાલમાં પ્રમાણે, 'કેટલાક મુખ્ય સ્ત્રોત દેશોમાંથી સ્ટુડેન્ટ વિઝા અરજીઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ભારતીય અને નાઈજિરિયન વિદ્યાર્થીઓને જારી કરાયેલા CASની સંખ્યામાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે. નાઈજીરીયામાંથી અરજીઓની સંખ્યામાં લગભગ 45 ટકાનો ઘટાડો થયાનો અહેવાલ છે.