વડાપ્રધાન મોદી પોલેન્ડ પહોંચ્યા, 45 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય PM આ દેશની મુલાકાતે

Updated: Aug 21st, 2024


Google NewsGoogle News
વડાપ્રધાન મોદી પોલેન્ડ પહોંચ્યા, 45 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય PM આ દેશની મુલાકાતે 1 - image


PM Modi Poland Visit : વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોલેન્ડ અને યુક્રેનની બે દેશની મુલાકાતના પહેલા તબક્કામાં 21 ઓગસ્ટે સાંજે પોલેન્ડ પહોંચી ગયા છે. છેલ્લા 45 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય વડાપ્રધાન પોલેન્ડની મુલાકાતે છે. આ પહેલા 1979માં તત્કાલીન વડાપ્રધાન મોરારજી દેસાઈએ પોલેન્ડની મુલાકાત લીધી હતી. તેમના પહેલા 1955માં જવાહરલાલ નહેરુ અને 1967માં ઈન્દિરા ગાંધીએ પોલેન્ડની મુલાકાત લીધી હી. બે દિવસમાં પોલેન્ડમાં વીતાવીને વડાપ્રધાન મોદી 23 ઓગસ્ટે યુક્રેન જશે. આ પહેલા જુલાઈ મહિનામાં મોદી રશિયા અને ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો.

વોસો એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્યું સ્વાગત

વોસો એરપોર્ટ પર વડાપ્રધાન મોદીનું ભવ્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમની આ મુલાકાત ત્યારે થઈ રહી છે, જ્યારે બંને દેશો રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. ભારત અને પોલેન્ડના રાજદ્વારી સંબંધો 1954માં સ્થાપિત થયા હતા. બે દિવસની મુલાકાત દરમિયાન વડાપ્રધાન મોદી પોલેન્ડના રાષ્ટ્ર પ્રમુખ એન્ડ્રેજ ડુડા અને વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે દ્વિપક્ષીય મંત્રણા કરશે. મળતી માહિતી પ્રણાણે, વડાપ્રધાન મોદીની મુલાકાતનો મુખ્ય ફોકસ સંરક્ષણ અને વ્યૂહાત્મક ભાગીદારી પર કેન્દ્રીત રહેશે.

આ પણ વાંચો : PM મોદી જે દેશની મુલાકાતે છે, તે દેશના અનેક ઘરમાં થાય છે ગુજરાતના મહારાજાની પૂજા

પોલેન્ડ જતા પહેલા મોદીએ પોસ્ટ શેર કરી

પોલેન્ડ જતા પહેલા નરેન્દ્ર મોદીએ એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, 'હું પોલેન્ડ અને યુક્રેનના સત્તાવાર પ્રવાસ પર જઈ રહ્યો છું. પોલેન્ડની સાથેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂરા થવાના અવસર પર આ પ્રવાસ કરી રહ્યો છું. પોલેન્ડ મધ્ય યુરોપમાં આપણું આર્થિક ભાગીદાર છે.'

જામનગર-કોલ્હાપુરના મહારાજાઓના સ્મારકોની મુલાકાત લેશે મોદી

રિપોર્ટ પ્રમાણે, દ્વિપક્ષીય બેઠક કરવાની સાથે મોદી 1940ના દાયકામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય મદદની યાદ અપાવતા જામનગર અને કોલ્હાપુરના મહારાજાઓના સ્મારકોની પણ મુલાકાત લેશે. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 6000થી વધુ મહિલાઓ અને બાળકોને ભારતના બે રજવાડા જામનગર અને કોલ્હાપુરમાં આશ્રય મળ્યો હતો. આ દરમિયાન વડાપ્રધાન ત્યાં ભારતીય સમુદાયને પણ સંબોધિત કરશે. જેમાં પોલેન્ડમાં આશરે 25000 ભારતીય રહે છે. આ સિવાય તેઓ પોલેન્ડના પસંદગીના બિઝનેસ લીડર્સને પણ સંબોધિત કરશે.

આ પણ વાંચો : હવે અંધશ્રદ્ધા ફેલાવનારાને સાત વર્ષ સુધીની કેદ, જામીન પણ નહીંઃ ગુજરાત વિધાનસભામાં બિલ રજૂ

ભારત અને પોલેન્ડ વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધો 1954માં સ્થાપિત થયા

ભારત અને પોલેન્ડ વચ્ચેના પ્રારંભિક સંપર્કોનો ઇતિહાસ 15મી અને 16મી સદીમાં શોધી શકાય છે, જ્યારે વેપારીઓ અને પ્રવાસીઓ ભારતના વિવિધ ભાગોની મુલાકાત લીઘી હતી. જો કે, ભારત અને પોલેન્ડ વચ્ચે સત્તાવાર રાજદ્વારી સંબંધો 1954માં સ્થાપિત થયા હતા. ત્યારથી બંને દેશો વચ્ચે રાજકીય અને સાંસ્કૃતિક સહયોગ વધ્યો છે.

પોલેન્ડમાં ઘણાં સમયથી સંસ્કૃત ભણાવવામાં આવે છે

પોલેન્ડમાં ઘણાં સમયથી સંસ્કૃત ભણાવવામાં આવે છે. પોલેન્ડના વિદ્વાનોએ 19મી સદીની શરૂઆતમાં સંસ્કૃત ગ્રંથોનો પોલેન્ડની ભાષામાં અનુવાદ કર્યો હતો. જ્યારે વોસો યુનિવર્સિટી અને જેગીલોનિયન યુનિવર્સિટીમાં સંસ્કૃત ભણવાની વ્યવસ્થા છે. મળતી માહિતી પ્રમાણે, આ યુનિવર્સિટીઓમાં 1860-61થી સંસ્કૃત ભણાવવામાં આવે છે. વર્ષ 1893માં ત્યાં એક સંસ્કૃત અધ્યક્ષની પણ સ્થાપના કરવામાં આવી હતી. સંસ્કૃત શિક્ષણ પોલેન્ડના વિદ્યાર્થીઓને ભારતીય સાહિત્ય, ધાર્મિક ગ્રંથો અને ફિલસૂફી સમજવામાં મદદ કરે છે.

વડાપ્રધાન મોદી પોલેન્ડ પહોંચ્યા, 45 વર્ષમાં પહેલીવાર કોઈ ભારતીય PM આ દેશની મુલાકાતે 2 - image


Google NewsGoogle News