કેનેડાથી દુઃખદ સમાચાર, ભારતીય મૂળના યુવાનની ગોળી મારી હત્યા, પોલીસને ટારગેટ કિલિંગની શંકા
Image : Instagram |
Indian Shot Dead in Canada | કેનેડાથી ફરી એકવાર માઠા સમાચાર સામે આવ્યા છે. અહીં સરેમાં ભારતીય મૂળના યુવાનની ગોળી મારી હત્યા કરી દેવાનો ચકચાર મચાવતો મામલો સામે આવ્યો છે. પોલીસના જણાવ્યાનુસાર આ કોઈ ટારગેટ કિલિંગનો મામલો હોવાની આશંકા છે.
પીડિતની ઓળખ જાહેર કરી
કેનેડિયન પોલીસે જણાવ્યું કે યુવરાજ ગોયલ નામનો યુવક 7 જૂનના રોજ તેના ઘરે જ મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેને ગોળી મારી દેવાયાની જાણકારી અમને મળી હતી. યુવરાજ 2019માં પંજાબના લુધિયાણાથી કેનેડા ગયો હતો અને ત્યાં સરેમાં સેલ્સ એક્ઝિક્યૂટિવ તરીકે નોકરી કરતો હતો. સરે બ્રિટિશ કોલંબિયામાં આવેલ શહેર છે.
તાજેતરમાં જ કેનેડાનો પીઆર મળ્યો હતો
પોલીસે એવી પણ માહિતી આપી કે યુવરાજને તાજેતરમાં જ કેનેડામાં કાયમી રહેવાશ (PR) માટેનો અધિકાર મળ્યો હતો. સરે રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસના અહેવાલ પ્રમાણે આ મામલે ચાર શકમંદોની અટકાયત કરાઈ છે. તેમની સામે ફર્સ્ટ ડિગ્રી મર્ડરનો આરોપ મૂકાયો છે. આરોપીઓની ઓળખ મનવીર બસરામ(23), સાહિબ બસરા(20), હરકિરત ઝૂટ્ટી(23) તરીકે થઇ છે. આ તમામ લોકો સરેરના રહેવાશી છે જ્યારે ચોથો આરોપી ઓન્ટારિયોનો રહેવાશી છે જેની ઓળખ કિલિયોન ફ્રાન્સકોઈસ (20) તરીકે થઇ છે.