ભારતીય શીખ યુવતી પાકિસ્તાન પહોંચી, ઈસ્લામ ધર્મ સ્વીકારીને લગ્ન કરી લીધા

Updated: Feb 22nd, 2024


Google NewsGoogle News
ભારતીય શીખ યુવતી પાકિસ્તાન પહોંચી, ઈસ્લામ ધર્મ સ્વીકારીને લગ્ન કરી લીધા 1 - image

image : Twitter

ઈસ્લામાબાદ,તા.22 ફેબ્રુઆરી 2024,ગુરૂવાર

થોડા મહિના પહેલા ભારતની અંજૂએ પાકિસ્તાન પહોંચીને પોતાના પ્રેમી નસરુલ્લાહ સાથે લગ્ન કરીને બધાને ચોંકાવી દીધા હતા.

હવે ફરી આ જ પ્રકારની ઘટના બની છે. જેમાં ભારતીય મૂળની એક શીખ યુવતીએ પાકિસ્તાનના સિયાલકોટ ખાતે પહોંચીને પોતાના પ્રેમી સાથે નિકાહ કરી લીધા છે. આ માટે તેણે ઈસ્લામ ધર્મ પણ સ્વીકારી લીધો છે. આ શીખ યુવતીનુ નામ જસપ્રીત કૌર છે અને તે જર્મનીમાં રહે છે. ધર્મ બદલ્યા બાદ તેનુ  નવુ નામ ઝૈનબ રાખવામાં આવ્યુ છે.

જસપ્રીત ઉર્ફે ઝૈનબ અલી અરસલાન નામના પાકિસ્તાની યુવક સાથે પ્રેમમાં પડી હતી. તેના પિતા સંગારા સિંહ ભારતના લુધિયાણા શહેરમાં રહે છે. જસપ્રીત 16 જાન્યુઆરીએ ધાર્મિક યાત્રા માટે પાકિસ્તાન પહોંચી હતી. તેની પાસે ભારતીય પાસપોર્ટ છે. તેને પાકિસ્તાને 15 એપ્રિલ સુધીનો વિઝા આપ્યો હતો.

પોતાના પાકિસ્તાની પ્રેમી સાથે નિકાહ કરતા પહેલા તેણે સિયાલકોટની જામિયા હનાફિયા નામની સંસ્થામાં ઈસ્લામ ધર્મ અપનાવ્યો હતો. સંસ્થાનુ કહેવુ છે કે,  જસપ્રીત ઉર્ફે ઝૈનબ 2000 જેટલા બિન મુસ્લિમો પૈકીની એક છે જેમણે ઈસ્લામ ધર્મ સ્વીકાર્યો છે.

મીડિયા રિપોર્ટ પ્રમાણે જસપ્રીત અને અલી વિદેશમાં એક બીજાને મળ્યા હતા. અલીએ જસપ્રીતને પાકિસ્તાન આવવા માટે આમંત્રણ આપ્યુ હતુ અને હવે બંનેએ લગ્ન કરી લીધા છે.

આવો જ એક કિસ્સો 2018માં પણ બન્યો હતો. જ્યારે 40  વર્ષીય જર્મન મહિલા પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં આવી હતી અને અહીંના એક વ્યક્તિ સાથે તેણે લગ્ન કરી લીધા હતા.

ગત વર્ષે પાકિસ્તાનની રહેવાસી સીમા હૈદર પણ ભારતમાં રહેતા સચિનના પ્રેમમાં પડી હતી અને નેપાળ રસ્તે તે ભારત આવી હતી. સીમા અને સચિને લગ્ન પણ કરી લીધા છે અને સીમા હજી ભારતમાં છે. જ્યારે પાકિસ્તાન જનાર ભારતીય યુવતી અંજુ તાજેતરમાં જ ભારત પાછી આવી ગઈ છે.


Google NewsGoogle News