પરમાણુ મુદ્દાઓના નિષ્ણાત ભારતીય મૂળના પોલ કપૂરને ટ્રમ્પે સોંપી મોટી જવાબદારી!
Paul Kapur: ભારતીય મૂળના પોલ કપૂરને ટ્રમ્પે મોટી જવાબદારી સોંપી છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રે ભારત-પાકિસ્તાન સુરક્ષા અને પરમાણુ મુદ્દાઓના નિષ્ણાત પોલ કપૂરને દક્ષિણ અને મધ્ય એશિયા માટે સહાયક વિદેશ મંત્રી તરીકે નોમિનેટ કર્યા છે. જો આવું થશે તો કપૂર દક્ષિણ એશિયા બ્યુરોનું નિરીક્ષણ કરનારા ભારતીય મૂળના બીજા અમેરિકન રાજદ્વારી બની જશે.
પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, 'કેલિફોર્નિયાના પોલ કપૂર દક્ષિણ એશિયાઈ બાબતો માટે સહાયક વિદેશ મંત્રી રહેશે. તેઓ ડોનાલ્ડ લુનું સ્થાન લેશે, જેમણે જો બાઈડેન શાસન દરમિયાન દક્ષિણ એશિયા બ્યુરોનું સંચાલન કર્યું હતું.'
કોણ છે પોલ કપૂર?
અમેરિકા-ભારત સંબંધોના સમર્થક અને પાકિસ્તાનના ટીકાકાર પોલ કપૂર ટ્રમ્પના પ્રથમ કાર્યકાળ દરમિયાન દક્ષિણ એશિયા પર અમેરિકન વિદેશ વિભાગની નીતિ આયોજન ટીમનો હિસ્સો હતા.
દક્ષિણ એશિયાઈ રાજકારણ પર વિશેષતા ધરાવતા અનેક પુસ્તકો લખનારા પોલ હાલમાં યુએસ નેવલ પોસ્ટગ્રેજ્યુએટ સ્કૂલમાં પ્રોફેસર તરીકે કામ કરી રહ્યા છે. તેઓ સ્ટેનફોર્ડ યુનિવર્સિટી ખાતે હૂવર ઇન્સ્ટિટ્યુશનમાં વિઝિટિંગ ફેલો પણ છે. કપૂર દ્વારા લખવામાં આવેલા પુસ્તકોમાં 'Jihad as Grand Strategy: Islamist Militancy, National Security and the Pakistani State' અને 'Dangerous Deterrent: Nuclear Weapons Proliferation and Conflict in South Asia' સામેલ છે.
આ પણ વાંચો: VIDEO : બ્રિટનમાં ભારતીય મૂળની મહિલા સાથે ગેરવર્તણૂક, અંગ્રેજ યુવકે જાતીવાદી ટિપ્પણી કરી
ભારતીય-અમેરિકન પોલ યુએસ સંરક્ષણ વિભાગ માટે કન્સલ્ટન્સી અને એન્ગેજમેન્ટ પ્રોજેક્ટ્સ પણ મેનેજ કરે છે. તેઓ સંરક્ષણ સહયોગ પર યુએસ-ભારત ટ્રેક 1.5 વાટાઘાટોનો પણ હિસ્સો છે.
અમેરિકન પ્રમુખે પોતાના વહીવટમાં ઘણા ભારતીય-અમેરિકનોને મહત્તવપૂર્ણ હોદ્દાઓ પર નિયુક્ત કર્યા છે, જેમાં એફબીઆઈ ડિરેક્ટર તરીકે કાશ પટેલ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (એઆઈ) પર વ્હાઈટ હાઉસ પોલિસી એડવાઈઝર તરીકે તરીકે શ્રીરામ કૃષ્ણનનો સામેલ છે.