ભારતીય મૂળના બાળકોનો દબદબો યથાવત, અમેરિકાની પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધામાં 14 વર્ષનો દેવ શાહ વિજેતા
image : Twitter
વોશિંગ્ટન,તા. 2 મે 2023,શુક્રવાર
અમેરિકામાં પ્રતિષ્ઠિત સ્પેલિંગ બી સ્પર્ધામાં ભારતીય મૂળના બાળકોનો દબદબો યથાવત છે. 2023ના વર્ષની સ્પેલિંગ બી સ્પર્ધા પણ ફ્લોરિડામાં રહેતા ભારતીય મૂળના 14 વર્ષના દેવ શાહે જીતી લીધી છે.
દેવ શાહે સૈમમોફાઈલ શબ્દનો સાચો સ્પેલિંગ જણાવીને પહેલુ સ્થાન મેળવ્યુ હતુ. આ શબ્દ રેતિલી માટીમાં રહેતા કોઈ જાનવર કે પ્લાન્ટ માટે ઉપયોગમાં લેવાય છે. દેવ શાહને ટ્રોફી તેમજ 50000 ડોલરનુ રોકડ ઈનામ પણ મળ્યુ છે.
સ્પેલિંગ બી સ્પર્ધામાં ભાગ લેનારા 231 સ્પર્ધકોમાંથી 11 ફાઈનલમાં પહોંચ્યા હતા અને તેમાં 10 ભારતીય મૂળના હતા. અંતિમ રાઉન્ડમાં દેવ શાહનો મુકાબલો વર્જિનિયાના 14 વર્ષીય શાર્લોટ વોલ્શ સાથે થયો હતો. એ પછી શ્રધ્ધા રચમરેટ્ટી અને સૂર્યા કાપુ 15 હજાર ડોલરના પુરસ્કાર સાથે સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા હતા.
સ્પર્ધા જીતનાર દેવ શાહ આઠમા ધોરણનો વિદ્યાર્થી છે. તેણે સ્પર્ધામાં પૂછાયેલા શિસ્ટોર્રાચિસ, એગૈગ્રસ અને બીજા કેટલાક અટપટા શબ્દોના સાચા સ્પેલિંગ જણાવ્યા હતા.
આ સ્પર્ધામાં ભારતીય બાળકોનુ વર્ચસ્વ જાણીતુ છે. અત્યાર સુધીમાં ભારતીય મૂળના 21 બાળકો આ સ્પર્ધા જીતી ચુકયા છે. 2008 થી 2018 સુધી તો સળંગ ભારતીય મૂળના બાળકો જ વિજેતા જાહેર થયા હતા. ગયા વર્ષે ભારતીય મૂળની હરિની લોગાને આ સ્પર્ધા જીતી હતી.
દેવના માતા પિતાએ ભાવુક થઈને કહ્યુ હતુ કે, છેલ્લા ચાર વર્ષથી દેવ આ સ્પર્ધા માટે મહેનત કરી રહ્યો હતો.
સ્પેલિંગ બી સ્પર્ધામાં પ્રાથમિક અને માધ્યમિક સ્કૂલોના વિદ્યાર્થીઓ ભાગ લેતા હોય છે. અમેરિકામાં આ સ્પર્ધાની શરૂઆત 1925થી થઈ છે.