યમનમાં કેરળની નર્સને ફાંસીએ લટકાવવા રાષ્ટ્રપતિની મંજૂરી, હત્યાનો છે આરોપ, ભારત સરકાર એક્શનમાં
Kerala Nurse was Sentenced to Death in Yemen: યમનમાં વર્ષોથી ફસાયેલી કેરળની નર્સ નિમિષા પ્રિયાને અપાયેલી ફાંસીની સજાના અમલને યમનના રાષ્ટ્રપતિ રાશદ અલ અલિમિ દ્વારા મંજૂરી આપી દેવાઇ છે. જેને પગલે એક મહિનામાં નિમિષાને ફાંસીએ લટકાવવામાં આવી શકે છે. આ મંજૂરી બાદ કેરળમાં રહેતો તેનો પરિવાર ચિંતામાં મુકાયો છે. જ્યારે ભારત સરકારે ખાતરી આપી છે કે નિમિષાને બચાવવાના પુરા પ્રયાસો થઇ રહ્યા છે.
કોણ છે નિમિષા?
નિમિષા પ્રિયાનો જન્મ કેરળના પલક્કડ જિલ્લામાં શ્રમિક પરિવારમાં થયો હતો. નર્સિંગનો અભ્યાસ કર્યા બાદ તે વર્ષ 2008માં યમન ગઈ હતી. અહીં તે અલગ-અલગ હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.
વર્ષ 2011 માં, તે ભારત પાછી ફરી અને કેરળના ઇડુક્કી શહેરના રહેવાસી ટોમી થોમસ નામના વ્યક્તિ સાથે લગ્ન કર્યા. થોડા સમય પછી બંને પતિ-પત્ની પાછા યમન ગયા અને યમનની રાજધાની સનામાં રહેવા લાગ્યા. ત્યાં તેણે એક દીકરીને જન્મ આપ્યો.
વર્ષ 2015 માં, તેમની ઓછી આવકથી કંટાળીને, નિમિષા અને ટોમીએ પોતાનું ક્લિનિક ખોલવાનું નક્કી કર્યું. યમનમાં વિદેશીઓને બિઝનેસ કરવાની મંજૂરી ન હોવાથી નિમિષાએ યમનના તેના સાથીદાર તલાલ અબ્દો મહેદી સાથે બિઝનેસ શરૂ કર્યો હતો. સ્થાનિક લોકો ક્લિનિકમાં આવવા લાગ્યા. આ રીતે તેમનું ક્લિનિક શરૂ થયું.
In response to media queries regarding the case of Nimisha Priya, MEA Official Spokesperson, Randhir Jaiswal says "We are aware of the sentencing of Nimisha Priya in Yemen. We understand that the family of Priya is exploring relevant options. The government is extending all… pic.twitter.com/Iw35K83AA9
— ANI (@ANI) December 31, 2024
નિમિષા પર શું છે આરોપ ?
વર્ષ 2017માં નિમિષા પ્રિયાને તેના બિઝનેસ પાર્ટનર તલાલ અબ્દો મહેદીની હત્યા કરીને ભાગી જવા બદલ ધરપકડ કરવામાં આવી હતી. આ પછી યમનની કોર્ટમાં તેની સામે હત્યાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આખરે કોર્ટે તેને દોષિત ઠેરવી અને તેને મૃત્યુદંડની સજા સંભળાવી, જેને 30 ડિસેમ્બરે યમનના રાષ્ટ્રપતિએ પણ મંજૂરી આપી.
જાણો શું છે આખો મામલો
તલાલે નિમિષા સાથે વિશ્વાસઘાત કર્યો અને ક્લિનિકની માલિકી હડપવા તેનો પાસપોર્ટ પણ લઇ લીધો, સાથે જ નિમિષાનું શોષણ કરવા લાગ્યો. નિમિષાએ યમનના આ નાગરિક તલાલથી પીછો છોડાવવા પોલીસની મદદ લીધી પરંતુ પોલીસે નિમિષાની ધરપકડ કરી છ દિવસ જેલમાં રાખી, નિમિષા પર પ્રશાસન અને તલાલનો અત્યાચાર વધતો ગયો. તેનાથી છૂટકારો મેળવવા અને પાસપોર્ટ પરત લેવા માટે નિમિષાએ તલાલને કાબુમાં કરવા કેટલાક ઈન્જેક્શન આપ્યા હતા, પ્રથમ વખત તલાલને કઈ ના થયું જોકે બીજા વખતના ઈન્જેક્શનમાં તેનું મોત નિપજ્યું હોવાનો નિમિષા પર આરોપ હતો.
નિમિષાના પતિ અને પુત્રી ભારતમાં જ છે
નિમિષા વર્ષ 2015માં પતિ અને પુત્રી સાથે કેરળ આવી હતી. આ સમયે તેનો બિઝનેસ પાર્ટનર તલાલ પણ ભારત આવ્યો હતો. જોકે, નિમિષા તેના મિત્ર તલાલ સાથે યમન પરત આવી હતી, જ્યારે તેનો પતિ અને પુત્રી ભારતમાં જ રહી ગયા હતા. થોડા સમય પછી, નિમિષાના પતિ ટોમી થોમસ તેની પુત્રી સાથે યમન જવાના હતા, પરંતુ ત્યાં ગૃહયુદ્ધ ફાટી નીકળવાના કારણે તેઓ ભારત જ રહી ગયા હતા.
નિમિષાને બચાવવા ભારત કરી રહ્યું છે આ પ્રયત્ન
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસવાલે કહ્યું હતું કે ભારત સરકાર આ મામલામાં નિમિષા અને તેના પરિવારને તમામ પ્રકારની મદદનો પ્રયાસ કરી રહી છે. નિમિષાનો પરિવાર યમનના નિયમો મુજબ બ્લડ મની દ્વારા તેને છોડાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. જેમાં પીડિતના પરિવારને રૂપિયા અપાય તો તેઓ સજાને માફ કરી શકે છે.