Get The App

ભારતીય નૌસેનાનુ વધુ એક પરાક્રમ, એડનની ખાડીમાં એક વેપારી જહાજને બચાવી લીધુ

Updated: Feb 25th, 2024


Google NewsGoogle News
ભારતીય નૌસેનાનુ વધુ એક પરાક્રમ, એડનની ખાડીમાં એક વેપારી જહાજને બચાવી લીધુ 1 - image


Image Source: Twitter

નવી દિલ્હી, તા. 25 ફેબ્રુઆરી 2024

વેપારી જહાજોને હૂતી જૂથના હુમલાથી અને ચાંચિયાઓથી બચાવવા માટે જ્યારથી ભારતીય નૌસેનાને એડનની ખાડીમાં તૈનાત કરવામાં આવી છે ત્યારથી નૌસેનાના પરાક્રમોનો પરચો દુનિયાને મળી રહ્યો છે.

મળતી વિગતો પ્રમાણે એડનની ખાડીમાં શંકાસ્પદ ડ્રોન અથવા મિસાઈલ હુમલાનો શિકાર બનેલા એક વેપારી જહાજમાં એમવી આઈલેન્ડર પર આગ લાગી ગઈ હતી અને ભારતીય યુધ્ધ જહાજ તરત જ તેની મદદ પહોંચ્યુ હતુ અને સહાય પૂરી પાડી હતી.

આ હુમલામાં વેપારી જહાજનો એક ક્રુ મેમ્બર પણ ઘાયલ થયો હતો.જહાજના એક હિસ્સામાં આગ પણ લાગી હતી. આ વાતની જાણકારી મળતા જ ભારતીય યુધ્ધ જહાજ તરત જ એમવી આઈલેન્ડરની મદદે પહોંચ્યુ હતુ. નૌસેનાના જવાનોની એક ટીમે જહાજ પર જઈને આગ બૂઝાવી હતી અને જહાજમાં પર કોઈ વિસ્ફોટકો નથી ને તેની તપાસ કરી હતી અને એ પછી આ વેપારી જહાજને આગળની મુસાફરી માટે લીલી ઝંડી આપી હતી.

ભારતીય નૌસેનાના જહાજ પર તૈનાત ડોકટરોની ટીમ પણ વેપારી જહાજ પર પહોંચી હતી અને ઘાયલ ક્રુ મેમ્બરને સારવાર પૂરી પાડી હતી. નોસૈનાના પ્રવકતા કમાન્ડર વિવેક મઘવાલના કહેવા પ્રમાણે નૌસેનાના જહાજો વેપારી જહાજો અને તેના ક્રુ મેમ્બરોની સુરક્ષા માટે પ્રતિબધ્ધ છે અને વારંવાર નૌસેનાએ પોતાની આ પ્રતિબધ્ધતાનો પરિચય આપ્યો છે.

આ પહેલા જાન્યુઆરી મહિનાના અંતમાં ભારતીય નૌસેનાના જહાજ આઈએનએસ સુમિત્રા પર તૈનાત કમાન્ડોએ એક ઈરાની જહાજને દરિયાઈ ચાંચિયાઓની ચુંગાલમાંથી મુક્ત કરાવ્યુ હતુ. જેમાં 17 ક્રુ મેમ્બર પણ સવાર હતા.


Google NewsGoogle News