કતારમાં ભારતીય નૌસેનાના પૂર્વ અધિકારીઓને ફાંસીના વિવાદમાં કુદયુ પાકિસ્તાન, ભારત સામે કતારને ઉશ્કેર્યુ
image : Twitter
નવી દિલ્હી,તા.3 નવેમ્બર 2023,નવેમ્બર
ભારતીય નૌસેનાના નવ પૂર્વ અધિકારીઓને જાસૂસીના આરોપમાં કતારે ફાંસીની સજા ફટકાર્યા બાદ આ વિવાદમાં હવે પાકિસ્તાને ભારત સામે ઝેર ઓકવાનો મોકો શોધી લીધો છે.
પાકિસ્તાની વિદેશ મંત્રાયલના પ્રવક્તાએ કહ્યુ હતુ કે, કતારની ઘટના દર્શાવી રહી છે કે, ભારત બીજા દેશોમાં જાસૂસી કરતુ હોય છે. પાકિસ્તાન લાંબા સમયથી ભારતના જાસૂસી નેટવર્કનો મુદ્દો ઉઠાવી રહ્યુ છે.
વિદેશ મંત્રાલયના પ્રવક્તા મુમતાઝ બલોચે આ નિવેદન આપીને કતાર સહિતના ખાડી દેશોને ભડકાવવાનો પ્રયાસ કર્યો છે. આમ પાકિસ્તાન હવે કતારની કાન ભંભેરણી કરી રહ્યુ હોવાનુ સ્પષ્ટપણે દેખાઈ રહ્યુ છે.
પાકિસ્તાને કુલભુષણ જાદવનો મુદ્દો ઉઠાવીને કહ્યુ હતુ કે, 2016માં ભારતીય નૌસેનાના અધિકારી કુલભૂષણ જાધવની પાકિસ્તાનમાં જાસૂસી બદલ ધરપકડ કરવામાં આવી હતી. જોકે ભારતે તો પહેલા જ કહી દીધુ છે કે, કુલભૂષણ જાધવનો પાકિસ્તાનમાં જાસૂસી સાથે કોઈ સબંધ નથી. તેમને ઈરાનની સીમા પાસેથી પાકિસ્તાને ઉઠાવી લીધા હતા.
પાકિસ્તાની પ્રવક્તાએ ભારત સામે કાશ્મીર મુદ્દે પણ ઝેર ઓક્યુ હતુ અને પાકિસ્તાનમાંથી લાખો અફઘાનીઓને હાંકી કાઢવાના નિર્ણયનો લૂલો બચાવ કરતા કહ્યુ હતુ કે, પાકિસ્તાનમાંથી એ જ અફઘાન લોકોને કાઢવામાં આવી રહ્યા છે જેમની પાસે કાયદેસરના દસ્તાવેજો નથી.