ઈટાલીમાં ભારતીય શ્રમિકના મોત પર હોબાળો, અનેક જગ્યાએ દેખાવ થયા, જાણો શું છે સમગ્ર મામલો
Satnam Singh: ઈટાલી (Italy)માં ખેતરમાં કામ કરતા ભારતીય નાગરિકના મોતનો મામલો ચર્ચામાં છે. ખેતરોમાં કામ કરતી વખતે ભારતીય નાગરિકનો હાથ કપાઈ ગયો હતો. આ દરમિયાન મદદ કરવાને બદલે ખેતરના માલિક દ્વારા તેના ઘરની નજીક રોડ પર છોડી દેવામાં આવ્યો હતો.
ભારતીય શ્રમિકોની સુરક્ષા પર સવાલો ઉભા થયા
ઈટાલીના લેટિનામાં ખેતરોમાં કામ કરતી વખતે ભારતીય નાગરિક સતનામ સિંહ (Satnam Singh)નો ઘાસ કાપતી વખતે હાથ કપાઈ ગયો હતો. સતનામની ઉંમર 30 થી 31 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે. આ દુર્ઘટના બાદ ખેતર માલિકે સતનામની સારવાર કરવાને બદલે તેને પોતાના ઘર પાસે રોડ પર છોડી દીધો હતો. ત્યારે હવે સતનામ સિંહના મોતથી ફરી એકવાર ભારતીય શ્રમિકોની સુરક્ષા પર સવાલો ઉભા થયા છે. નોંધનીય છેકે સતનામ પંજાબના મોગાથી ઈટાલીમાં ગેરકાયદે કામ કરવા ગયો હતો.
ઈટાલીમાં સતનામના મૃત્યુ પર ભારતીયોએ અવાજ ઉઠાવ્યો
ઈટાલીમાં હાજર ભારતીય સમુદાયના લોકોએ સતનામ સિંહ પરના આ અત્યાચાર સામે અવાજ ઉઠાવવાનું શરૂ કર્યું છે. ઇટાલિયન ખેતરોમાં મજૂર તરીકે કામ કરી રહેલા હજારો ભારતીયોએ ગેરકાયદેસર ઇમિગ્રન્ટ્સના શોષણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. લેટિના રોમની દક્ષિણે એક ગ્રામ્ય વિસ્તાર છે જ્યાં હજારો ભારતીય સ્થળાંતર શ્રમિકો રહે છે. સતનામ સિંહના મૃત્યુ પર મંગળવારે ઈટાલીના લેઝિયોમાં પણ દેખાવ કરવામાં આવ્યા હતા. ઇટાલીના વડા પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ ગુરુવારે કેબિનેટની બેઠકમાં સતનામ સિંહના મોત પર શોક વ્યક્ત કરીને સખત નિંદા કરી હતી.
સતનામ સિંહના પરિવારને ટ્રેડ યુનિયનનો મળ્યો ટેકો
આ ઉપરાંત ઇટાલીમાં ભારતીય દૂતાવાસે સતનામ સિંહના મૃત્યુ પર શોક વ્યક્ત કરતા ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી. દૂતાવાસે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું કે 'અમે ઇટાલીના લેટિનામાં એક ભારતીય નાગરિકના મૃત્યુના સમાચારથી વાકેફ છે. અને સ્થાનિક વહીવટીતંત્રના સંપર્કમાં છીએ. પરિવારનો સંપર્ક કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.' નોંધનીય છેકે કે ઈટાલીના ઘણા ટ્રેડ યુનિયનોએ આ ઘટનાને ક્રૂર ગણાવી છે. આ ઉપરાંત ઘણા ટ્રેડ યુનિયનો પણ સતનામ સિંહના પરિવારને રાહત સહાય આપવા માટે આગળ આવ્યા છે.