ભારતીય પુરુષો રેપિસ્ટ હોય છે, તાઈવાનના સોશિયલ મીડિયા રંગભેદી ટિપ્પણીઓનો મારો, તાઈવાને ચીનને જવાબદાર ઠેરવ્યુ
image : Twitter
નવી દિલ્હી,તા.25 નવેમ્બર 2023,શનિવાર
ભારત અને તાઈવાન વચ્ચેના સબંધો મજબૂત બની રહ્યા છે અને હવે તો તાઈવાન ભારતના એક લાખ લોકોને તાઈવાનમાં નોકરી આપવા માંગે છે તેમજ આ માટે બંને દેશો વચ્ચે વાટાઘાટો ચાલી રહી છે તેવો ખુલાસો તાજેતરમાં એક મીડિયા રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો.
આ જોઈને ચીનના પેટમાં બળતરા ઉપડી રહી છે અને ચીનના કરતૂતોનો ભાંડો ખુદ તાઈવાને ફોડ્યો છે.
વાત એવી છે કે, તાઈવાન દ્વારા એક લાખ ભારતીયોને નોકરી આપવા અંગેના અહેવાલો વહેતા થયા બાદ તાઈવાનના સોશિયલ મીડિયા પર ભારતીયો વિરુધ્ધ રંગભેદી ટિપ્પણીઓ થવામાંડી છે. જેમાં કહેવામાં આવી રહ્ય છે કે, ભારતીયો ગંદા અને અશિક્ષિત હોય છે. એટલુ જ નહીં તેમને તાઈવાનમાં નોકરીઓ આપવાના કારણે તાઈવાનની મહિલાઓની સુરક્ષા ખતરામાં આવી જશે.
કેટલીક પોસ્ટોમાં તો ભારતીય પુરુષો બળાત્કારી હોય છે તેવો આરોપ પણ મુકવામાં આવ્યો હતો. સાથે સાથે કેટલાકે કહ્યુ હતુ કે, આ નિર્ણયા વિરોધમાં એક રેલી કાઢવામાં આવશે.
જોકે તાઈવાનના વિદેશ મંત્રાલયે સોશિયલ મીડિયા પર રંગભેદી પોસ્ટોને લઈને જવાબ આપતા કહ્યુ છે કે, આ પ્રકારની ટિપ્પણીઓ સાથેની પોસ્ટ મુકવાનુ કામ ચીનનુ છે. જેથી કરીને ભારતમાં તાઈવાન વિરુધ્ધ અસંતોષ ભડકે અને બંને દેશના સબંધો પણ બગડે. જોકે ચીનની આ મેલી મુરાદ ક્યારે પણ સફળ નહીં થાય. સોશિયલ મીડિયા પર ભારતીયો વિરોધી જે પોસ્ટો મુકાઈ છે તેમાંથી મોટાભાગની પોસ્ટ એક સરખી છે અને ફેક એકાઉન્ટનો ઉપયોગ આ પોસ્ટ મુકવામાં કરવામાં આવ્યો છે. આ પ્રકારના કરતૂતો ચીન દ્વારા સામાન્ય રીતે થતા હોય છે.