19 કરોડ રોકડ, 4 કરોડના સોના સાથે ભારતીય તસ્કરની જાંબિયામાં ધરપકડ, દુબઈ જઈ રહ્યો હતો
Indian Man Arrested On Zambia Airport : આફ્રિકી દેશ જાંબિયામાં ભારતીય તસ્કરની ધરપકડ કરવામાં આવી છે. તેની પાસેથી 19 કરોડ રોકડ અને ચાર કરોડથી વધુ સોનું જપ્ત કરવામાં આવ્યું છે. આરોપી વ્યક્તિ આ બધો જ સામાન સુટકેસમાં ભરીને દુબઈ જવાની તૈયારી કરી રહ્યો હતો, જોકે તે દુબઈ પહોંચે તે પહેલા જ જાંબિયા પોલીસે તેને એરપોર્ટ પરથી ઝડપી લીધો છે.
ભારતીય યુવક દુબઈની ફ્લાઈટ પકડવા માટે જાંબિયાના એરપોર્ટે ગયો
મળતા અહેવાલો મુજબ 27 વર્ષિય ભારતીય યુવક દુબઈની ફ્લાઈટ માટે જાંબિયાના લુસાકા સ્થિત કૈનેથ કોંડા આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં પોલીસને ચેકિંગ દરમિયાન તેના પર શક થયો, ત્યારબાદ જાંબિયાના ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશને તપાસ કરી હતી. ટીમે સૂટકેસ ખોલતા જ તમામના હોંશ ઉડી ગયા હતા.
બેગમાં શું મળ્યું ?
આરોપી વ્યક્તિએ તેની બેગમાં નોટોના બંડલો અને સોનાની ઈંટો છુપાવીને રાખી હતી. આ દરમિયાન પોલીસને 2.32 મિલિયન ડૉલર (19 કરોડ રૂપિયા) રોકડા અને પાંચ લાખ ડૉલર (4 કરોડ રૂપિયા)ની સોનાની 7 ઈંટો મળી હતી. આરોપીએ રબ્બડ બાંધી નોટોના બંડલો બેગમાં મુક્યા હતા, જ્યારે સોનાની ઈંટો પણ તેવી જ રીતે બેગમાં પડી હતી.
તસ્કરીમાં અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ હોવાની શંકા
ડ્રગ એન્ફોર્સમેન્ટ કમિશે કહ્યું કે, આ ગુનામાં અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સામેલ હોઈ શકે છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. ટૂંક સમયમાં જ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, ઝામ્બિયામાં સોનું અને તાંબુ મોટી માત્રામાં છે. આમ છતાં, દેશની 60 ટકા વસ્તી ગરીબી છે. આ જ કારણ છે કે, અહીં સોનાની દાણચોરી વારંવાર થાય છે. ઝામ્બિયામાંથી આવો જ કેસ પહેલીવાર નોંધાયો નથી. અગાઉ 2023માં પાંચ ઇજિપ્તીયન નાગરિકો 127 કિલો સોના અને કરોડો રૂપિયા સાથે પકડાયા હતા.