બ્રિટનમાં ભારતીય યુવતીની છરી મારી હત્યા, આરોપીની ધરપકડ

Updated: Oct 31st, 2023


Google NewsGoogle News
બ્રિટનમાં ભારતીય યુવતીની છરી મારી હત્યા, આરોપીની ધરપકડ 1 - image

Image Source: Freepik

- ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કર્યા બાદ તપાસ કરી રહી છે

લંડન, તા. 31 ઓક્ટોબર 2023, મંગળવાર

London: બ્રિટનમાં રવિવારે એક 19 વર્ષીય ભારતીય યુવતીની તેના ઘરમાં છરી મારી હત્યા કરી નાખવામાં આવી છે. તેની હત્યાની શંકામાં એક 23 વર્ષીય યુવકની ઘટના સ્થળેથી ધરપકડ કરી લેવામાં આવી છે. મૃતક ભારતીય મહિલાની ઓળખ મહેક શર્મા તરીકે થઈ છે. જે તાજેતરમાં જ બ્રિટન પહોંચી હતી. 

રવિવારે સાંજે પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના દક્ષિણ લંડનના ક્રોયડન સ્થિત એક ભાડાના મકાનમાં બની હતી. જ્યાં એક 19 વર્ષીય ભારતીય યુવતીની છરીના ઘા ઝીંકીને હત્યા કરી નાખવામાં આવી હતી. ઘટના બાદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી શૈલ શર્માને કસ્ટડીમાં લીધો હતો. મહેક ક્રોયડનના એક ઘરમાં ઘાયલ હાલતમાં મળી આવી હતી. જેને માથામાં ઈજા થતાં હોસ્પિટલ લઈ જવામાં આવી હતી. પોલીસે જણાવ્યું કે યુવક અને યુવતી એકબીજાને ઓળખતા હતા અને અધિકારીઓ તપાસના સંબંધમાં અન્ય કોઈની તલાશ નથી કરી રહ્યા.પોલીસ એ જાણવાનો પ્રયત્ન કરી રહી છે કે પીડિતાનું આરોપી સાથે શું કનેક્શન હતું.  

ઘટના સ્થળેથી આરોપીની ધરપકડ

પોલીસે આરોપી શૈલ શર્માને રવિવારે ક્રોયડનમાં એશ ટ્રી વેમાં ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી. આરોપીને આજે વિમ્બલડન મજિસ્ટ્રેટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. મેટ્રોપોલિટન પોલીસે જણાવ્યું કે, મહેકના પરિવારને આ અંગે જાણકારી આપી દેવામાં આવી છે. આજે મહેકના મૃતદેહનું વિશેષ પોસ્ટમોર્ટમ કરવામાં આવશે.

પોલીસે તપાસ હાથ ધરી

આ મામલે પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે, હત્યાની તપાસના સબંધમાં અન્ય કોઈની તલાશ કરવામાં નથી આવી રહી. ફોરેન્સિક ટીમ પુરાવા એકત્ર કર્યા બાદ તપાસ કરી રહી છે. પોલીસ ટૂંક સમયમાં હત્યા પાછળનું કારણ શોધી કાઢશે. 


Google NewsGoogle News