કેનેડા વિઝા સસ્પેન્ડ માત્ર અફવા? BLSએ નોટિસ હટાવી, સૌની નજર વિદેશ મંત્રાલય તરફ

Updated: Sep 21st, 2023


Google NewsGoogle News
કેનેડા વિઝા સસ્પેન્ડ માત્ર અફવા? BLSએ નોટિસ હટાવી, સૌની નજર વિદેશ મંત્રાલય તરફ 1 - image


Image: freepik

નવી દિલ્હી, તા. 21 સપ્ટેમ્બર 2023, ગુરુવાર 

ભારત-કેનેડા વચ્ચે ઉભા થયેલો ગજગ્રાહ નવી ચરમસીમાએ પહોંચ્યો છે. ખાલિસ્તાની નેતાની હત્યાનો આરોપ ભારત સરકાર પર લગાવ્યા બાદ કેનેડા સાથેના ભારતના સંબંધો વણસી રહ્યાં છે. બંને દેશોએ એક બીજાના રાજદ્રારીની હકાલપટ્ટી કર્યા બાદ હવે આજે સવારના અહેવાલ અનુસાર ભારતે કેનેડાવાસીઓને આપવામાં આવતા વિઝા સ્થગિત રાખવાનો નિર્ણય કર્યો છે.

કેનેડિયનોને આપવામાં આવતા ભારતના વિઝા પર સસ્પેન્શનની જાહેરાત બાદ સ્થિતિ વધુ વણસી રહી હોવાના સંકેત મળી રહ્યાં છે. જોકે હવે 1 વાગ્યાના સુમારે આ વિઝા સસ્પેન્ડ કરવાની જાહેરાત કરનાર કેનેડા વિઝા સર્વિસ સંભાવતી કંપની BLS Internationalએ એકાએક સવારે બહાર પાડેલ નોટિસ હટાવી દીધી છે. કંપનીની વેબસાઈટ પરથી કેનેડિયન નાગરિકો માટે વિઝા સેવાઓ સસ્પેન્ડ કરવા અંગેની નોટિસ પાછી ખેંચી લીધી હતી. 

BLS ઇન્ટરનેશનલ, વિઝા સુવિધાઓ ઓફર કરતી ભારતીય કંપનીએ અગાઉ કહ્યું હતું કે કેનેડામાં ભારતીય મિશનની નોટિસમાં "આગામી સૂચના સુધી" વિઝા સેવાઓ સ્થગિત કરવા માટે "ઓપરેશનલ કારણો" ટાંકવામાં આવ્યા છે.

જોકે હવે આ અસમંજસની સ્થિતિમાં સૌની નજર ભારત સરકાર એટલેકે વિદેશ મંત્રાલય તરફ છે. ન્યૂઝ એજન્સી રોઈટર્સ દ્વારા ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તાને પૂછવામાં આવેલા પ્રશ્નોનો જવાબ નહોતો આપ્યો.

આ પણ વાંચો: હિન્દુઓ કેનેડા ખાલી કરીને ભારત જતા રહો : એસએફજે

શું છે સમગ્ર મામલો ?

મંગળવારે કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં જણાવ્યું હતું કે, કેનેડાની સુરક્ષા એજન્સીઓ કેનેડિયન નાગરિક હરદીપસિંહ નિજ્જરની હત્યા અને ભારત સરકારની સંભવિત સંડોવણીના વિશ્વસનીય આરોપોની સક્રિય તપાસ કરી રહી છે. હરદીપસિંહ નિજ્જરની હત્યાના દોષિતોને ન્યાયના કઠેડામાં ઊભા કરવા માટે સુરક્ષા એજન્સીઓ દ્વારા જરૂરી પગલાં લેવાશે.  

જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે કેનેડાએ ભારત સરકારના ટોચના અધિકારીઓ અને સુરક્ષા અધિકારીઓ સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો છે. ગયા સપ્તાહે મેં જી-૨૦માં વ્યક્તિગતરૂપે સીધા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમક્ષ પણ આ મુદ્દો ઉઠાવ્યો હતો. કોઈપણ કેનેડિયન નાગરિકની અમારી જ ધરતી પર હત્યામાં કોઈ વિદેશી સરકારની સંડોવણી અમારી સંપ્રભુતાનો ભંગ છે. 

કેનેડાના વડાપ્રધાન ટ્રુડો આટલેથી જ રોકાયા નહોતા. તેમના આ નિવેદન પછી કેનેડાએ ભારતના ટોચના રાજદૂત પવન કુમાર રાયને દેશમાંથી નીકળી જવાનો આદેશ આપ્યો હતો. ટ્રુડોએ પવન કુમાર રાયને ભારતની ગુપ્તચર સંસ્થા રૉના એજન્ટ ગણાવ્યા હતા. 

વિદેશ મંત્રી મેલાની જોલીએ કહ્યું કે, ટ્રુડોની વાત સાચી સાબિત થાય તો તે અમારી સંપ્રભુતા અને એકબીજા સાથેના સંબંધોના પાયાના નિયમોનો ભંગ ગણાશે તેથી અમે ભારતના ટોચના ડિપ્લોમેટને કાઢી મૂક્યા છે. પીએમ ટ્રુડો આ બાબત અમેરિકન પ્રમુખ બાઈડેન સમક્ષ પણ ઉઠાવી ચૂક્યા છે. હરદીપ નિજ્જરની ૧૮ જૂને ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.

કેનેડા-ભારતના સંબંધો :

કેનેડા ભારતનું 17મું સૌથી મોટું વિદેશી રોકાણકાર છે. કેનેડાએ વર્ષ 2000થી 3.6 બિલિયન ડોલરથી વધુનું રોકાણ કર્યું છે. ભારતીય શેરબજાર અને ડેટ માર્કેટમાં કેનેડિયન પોર્ટફોલિયો રોકાણકારોનું અબજો ડોલરનું રોકાણ છે.

આ સિવાય 2018થી કેનેડામાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ માટે ભારત સૌથી મોટો સ્ત્રોત દેશ છે. કેનેડિયન બ્યુરો ઓફ ઈન્ટરનેશનલ એજ્યુકેશનના ડેટા અનુસાર 2022માં ભારતીય વિદ્યાર્થીઓની સંખ્યા 47% વધીને લગભગ 320,000 થઈ ગઈ છે અને કુલ વિદેશી વિદ્યાર્થીઓના લગભગ 40% હિસ્સો ભારતીય ધરાવે છે.

આ પણ વાંચો: કેનેડા-ભારત વચ્ચે સબંધો વણસતાં ગુજરાતી વિદ્યાર્થી-વાલીઓ ચિંતાતુર, એડમિશન પછીય કેનેડિયન કોલેજોએ હાથ ઊંચા કર્યાં


Google NewsGoogle News