બ્રાઝિલમાં ભારતીય બ્રીડની ગાય રૂ. 40 કરોડમાં વેચાઈ
- ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન
બ્રાઝિલિયા : બ્રાઝિલના મિનાસ ગેરેસમાં ચાલી રહેલા પશુ મેળામાં રેકોર્ડ બન્યો છે. આ મેળામાં ભારતીય બ્રીડની ગાય રૂ. ૪૦ કરોડમાં વેચાઈ છે. નેલ્લોર બ્રીડની વિઆટીના-૧૯ નામની ગાય માટે આ બોલી લગાવવામાં આવી હતી.
ભારતના આંધ્ર પ્રદેશ અને તેલંગાણામાં મળનારી નેલ્લોર બ્રીડની ગાય ચર્ચામાં આવી છે. વિઆટીના-૧૯ નામની ગાયનું વજન ૧,૧૦૧ કિલોગ્રામ છે. જે સામાન્ય ગાય કરતા બમણું છે. અસાધારણ જનીનો અને શારિરીક સુંદરતાના આધારે તે જાણીતી છે. આ પહેલા તેણે મિસ સાઉથ અમેરિકાનું ટાઈટલ પણ જીત્યું હતું.
શ્રેષ્ઠ લક્ષણો સાથેની દુર્લભ નેલ્લોર જાતિને ભારતમાં ઓન્ગોલ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ બ્રીડની ગાયો કોઈપણ પ્રકારના હવામાનનો સામનો કરી શકે છે. કોઈપણ પરિસ્થિતિમાં તેની દૂધ આપવાની ક્ષમતાને અસર પડતી નથી. વિયાટીના-૧૯નું વેચાણ નેલ્લોર બ્રીડની વધતી માંગને દર્શાવે છે. તેમની રોગપ્રતિકારક ક્ષમતા પણ વધુ હોય છે. આ બ્રીડની ગાયને બ્રાઝિલમાં ૧૮૦૦ની સાલથી પાળવામાં આવી રહી છે.