અમેરિકા હજારો ભારતીયો સહિત અઢી લાખ યુવાઓને દેશમાંથી કાઢી મૂકવાની તૈયારીમાં, જાણો કારણ
Indian Americans to Deported: ભારતીય યુવાનો અમેરિકામાં ભણવા જવાનું સપનું જોતા હોય છે. ઘણા લોકો બાળકોના શિક્ષણ માટે વર્ક વિઝા લઈને અમેરિકામાં સ્થાયી થતા હોય છે. પરંતુ હવે અમેરિકામાં રહેતા ભારતીય મૂળના બાળકોની મુશ્કેલીઓ વધવાની છે. લગભગ 2.5 લાખ યુવાનોને અમેરિકા છોડવું પડી શકે છે. અહેવાલો અનુસાર અમેરિકા ટૂંક સમયમાં લાખો યુવાનોને ઘરે પરત મોકલવાની તૈયારી કરી રહ્યું છે. આ યાદીમાં ભારતીય-અમેરિકન મૂળના ઘણા યુવાનોના નામ સામેલ છે. જાણીએ શું છે સમગ્ર મામલો.
ડૉક્યુમેન્ટ ડ્રીમર્સ
અમેરિકના નિયમો મુજબ, 21 વર્ષની ઉંમર સુધી જ બાળકો તેમના માતાપિતા પર નિર્ભર રહી શકે છે. અમેરિકામાં રહેતા આવા યુવાનોને ડૉક્યુમેન્ટ ડ્રીમર્સ કહેવામાં આવે છે.
21 વર્ષની ઉંમર બાદ તેમને પોતાના માતાપિતાના વિઝા પર અમેરિકામાં રહેવાની મંજૂરી નથી. જો ડૉક્યુમેન્ટેડ ડ્રીમર્સ 21 વર્ષના થઈ જાય પછી તેઓ પોતાના વિઝા ન ધરાવતા હોય, તો તેમને અમેરિકામાંથી કાઢી મૂકવામાં આવે છે.
એજિંગ આઉટ
નેશનલ ફાઉન્ડેશન ફોર અમેરિકન પોલિસી(NFAP) એ અમેરિકામાં નાગરિકતાનો અભ્યાસ કર્યો છે. જેમાં ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે. આ મુજબ લગભગ 12 લાખ ભારતીયો ગ્રીન કાર્ડ વિઝાની રાહ જોઈ રહ્યા છે.
ઇમિગ્રેશન એન્ડ નેચરલાઇઝેશન ઍક્ટ (INO) અનુસાર, જો કોઈ યુવાન 21 વર્ષની ઉંમર પહેલા કાયદેસર પરમેનેન્ટ રેસિડેન્ટ (LPA) સ્ટેટસ માટે અરજી કરે અને ગ્રીન કાર્ડ મેળવતાં પહેલાં 21 વર્ષનો થઈ જાય છે તો તેની અરજી રદ કરવામાં આવશે. આવા કિસ્સામાં, બાળકે પુખ્તવયે અરજી કરવી પડશે, નહીં તો તેણે દેશ છોડવો પડશે. આ પ્રક્રિયાને એજિંગ આઉટ કહેવામાં આવે છે.
43 સાંસદોએ આ સમસ્યા બાબતે ધ્યાન દોર્યું
યુવાનોની ઉંમર 21 વર્ષ થયા પછી પણ ગ્રીન કાર્ડ માટે તેમને રાહ જોવી પડશે. તેમજ એવી કોઈ ગેરંટી પણ નથી કે ગ્રીન કાર્ડ મળશે જ. તેમની અરજી રદ થઈ જાય એવી શક્યતાઓ પણ છે.
આવી સ્થિતિમાં 2.5 લાખ યુવાનોનું ભવિષ્ય હવે જોખમમાં છે. યુએસના 43 સાંસદોએ આ સમસ્યા બાબતે ધ્યાન દોર્યું હતું. આ યુવાનો અમેરિકામાં મોટા થયા છે. અમેરિકાની જ શિક્ષણ પ્રણાલીમાં સ્નાતક ડિગ્રી પણ મેળવી છે. જો કે કાયમી નિવાસીનો દરજ્જો મેળવવા માટે તેમને દાયકાઓ સુધી રાહ જોવી પડે છે.