અમેરિકામાં ભારતીયોનો ટાર્ગેટ ડોલર! સૌથી વધુ આવક ધરાવવામાં પહેલા નંબરે, જાણો તેનું કારણ
Indian Americans News : દુનિયાનો ભાગ્યે જ એવો કોઈ દેશ હશે જ્યાં ભારતીયો ન રહેતા હોય. યુરોપ, અમેરિકા અને ઓસ્ટ્રેલિયા જેવા સમૃદ્ધ દેશોથી લઈને આફ્રિકા અને દક્ષિણ અમેરિકા ખંડના ગરીબ દેશોમાં પણ ભારતીયો જઈ વસ્યા છે. અને જ્યાં પણ ગયા છે ત્યાં આર્થિક રીતે સદ્ધર થયા છે. બીજા દેશો તો છોડો, આર્થિક મહાસત્તા એવા અમેરિકામાં પણ ડોલર રળવામાં સૌથી આગળ ભારતીયો જ છે.
સરેરાશ આટલું કમાય છે અમેરિકન ભારતીયો
'ધ રેબિટ હોલ' નામની સોશિયલ મીડિયા કમ્યુનિટી દ્વારા તેના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પરના એકાઉન્ટમાં 'મેડિયન યુએસ હાઉસહોલ્ડ ઈન્કમ બાય સિલેક્ટેડ એથનિક ગ્રૂપ્સ' શીર્ષક હેઠળ લગભગ દર વર્ષે એક પોસ્ટ મૂકવામાં આવે છે, જેમાં કયું વંશીય જૂથ અમેરિકામાં સૌથી વધુ આવક ધરાવે છે એની વિગતો હોય છે. છેલ્લા થોડા વર્ષોનો આધાર લઈએ તો અમેરિકન-ભારતીયો આ લિસ્ટમાં ટૉપ પોઝિશન પર અડ્ડો જમાવીને બેઠા છે. વર્ષ 2018થી 2022 સુધીના પાંચ વર્ષના આંકડા જોઈએ તો ભારતીયોની સરેરાશ ઘરગથ્થુ આવક 119,000 ડોલરથી લઈને 126,000 ડોલર રહી છે, જે અન્ય કોઈપણ દેશના નાગરિકો કરતાં વધારે છે. મૂળ અમેરિકાની ધોળી પ્રજા કરતાંય વધારે!
આ પણ વાંચો : દુનિયાના સૌથી ધનિક વ્યક્તિએ કહ્યું - અમેરિકા નાદારીની અણીએ, દેવાના બોજ તળે દટાયું
ભારતીયો પછીના ક્રમે છે આ દેશના લોકો
ભારત પછી બીજે નંબરે તાઈવાન અને એ પછી ફિલિપિન્સના લોકોનો નંબર આવે છે. તાઈવાનના લોકોની આવક 95,000 થી લઈને 102,000 ડોલર છે, તો ફિલિપિન્સના લોકોની આવક 75,000 થી લઈને 100,000 ડોલર સુધીની નોંધાઈ છે. એ પછીના ક્રમે ચીન, જાપાન, ઈન્ડોનેશિયા, મલેશિયા અને પાકિસ્તાન જેવા દેશોના લોકો આવે છે.
લિસ્ટમાં અમેરિકનો તળિયે છે
અમેરિકાની શ્વેત પ્રજાની આવક એશિયનો કરતાં ક્યાંય ઓછી છે. અમેરિકનોની સરેરાશ ઘરગથ્થુ આવક 65,000 થી 69,000 ડોલર જેટલી નોંધાઈ છે. લેટિનો-અમેરિકન એટલે કે દક્ષિણ અમેરિકન દેશોમાંથી આવેલા લોકોની સરેરાશ ઘરગથ્થુ આવક 43000 ડોલર છે. લિસ્ટમાં સૌથી તળિયે છે આફ્રિકન-અમેરિકન, જેમની સરેરાશ ઘરગથ્થુ આવક છે 35000 ડોલર! ભારતીયો કમાય છે એના ત્રીજા ભાગ કરતાંય ઓછી.
આ પણ વાંચો : EVMને વખોડનારા ઈલોન મસ્કે ભારતની ચૂંટણી સિસ્ટમના કર્યા વખાણ, કહ્યું- 'એક જ દિવસમાં...'
ઈલોન મસ્કે પણ આપ્યું સમર્થન
'ધ રેબિટ હોલ'ની પોસ્ટને વિશ્વના સૌથી ધનિક બિઝનેસમેન ઈલોન મસ્કે પણ સમર્થન આપ્યું છે. મસ્કે 'ધ રેબિટ હોલ'ની પોસ્ટને શૅર કરીને ‘ટ્રુ’ એટલે કે ‘સાચું’ લખીને મૂળ પોસ્ટના શબ્દો ‘અમેરિકા સારી તક આપતી ધરતી છે’ ને સમર્થન આપ્યું હતું.
ઉચ્ચસ્થાને પહોંચ્યા છે ભારતીયો
મહેનતુ એવી ભારતીય પ્રજા પોતાના ખંત અને લગનથી અમેરિકામાં ઉચ્ચ હોદ્દાઓ પર પહોંચી છે. અમેરિકાના વાઈસ પ્રેસિડેન્ટ કમલા હેરિસથી લઈને ગૂગલના સીઈઓ સુંદર પિચાઈ, માઈક્રોસોફ્ટના વડા સત્ય નડેલા તથા ટ્રમ્પ સરકારમાં સામેલ વિવેક રામાસ્વામી જેવા અનેક નામ આપી શકાય એમ છે.
આ કારણોસર ભારતીયો અમેરિકામાં સૌથી વધુ કમાતું વંશીય જૂથ :
1) સૌથી વધુ ભણેશ્રી ભારતીયો જ છે
- અમેરિકામાં વસતા ભારતીય-અમેરિકનોની વસ્તીના 70 % લોકો સ્નાતકની ડિગ્રી ધરાવે છે, જ્યારે કે અમેરિકાની રાષ્ટ્રીય સરેરાશ માત્ર 28 % છે. એટલે કે ઉચ્ચ શિક્ષણ લેનાર અમેરિકાનું સૌથી મોટું વંશીય જૂથ ભારતનું છે.
2) વધુ પગાર આપતા ક્ષેત્રોમાં કાર્યરત છે
- વધુ ભણેશ્રી હોય એને વધુ સારી નોકરી મળે, અને સારી નોકરી એટલે તગડી આવક. મોટાભાગના ભારતીયો IT, એન્જિનિયરિંગ અને મેડિસિન જેવા વધુ પગાર આપતા ક્ષેત્રોમાં કાર્યરત હોવાથી પણ એમની આવક અન્ય વંશીય જૂથો કરતાં વધારે છે.
3) બચત અને કરકસર કરી જાણે છે
- ભવિષ્ય માટે બચત કરવી અને કરકસર કરીને જીવી જાણવું એ ભારતીયોને ગળથૂથીમાં મળેલો ગુણ છે. અમેરિકામાં વસતો ભારતીય પણ આ ગુણ અનુસરે છે અને પોતાનું બેન્ક બેલેન્સ તગડું કરતો રહે છે. અમેરિકનોની જેમ રોજનું કમાઈને રોજ ફૂંકી મારવાનું ભારતીયો નથી શીખ્યા.
4) બચતનું યોગ્ય રોકાણ કરે છે
- ભારતીયો એમણે બચાવેલા નાણાંનું રોકાણ યોગ્ય સ્થળે કરતા હોવાથી તેમની નાણાકીય સ્થિતિ વર્ષોત્તર સુધરતી જાય છે. રોકાણનું વ્યાજ પણ આવકનો સારો સ્ત્રોત સાબિત થાય છે.