અમેરિકામાં વધુ એક ભારતીય સાથે વંશીય દુર્વ્યવહારનો કિસ્સો
નવી દિલ્હી, તા.1 સપ્ટેમ્બર 2022, ગુરુવાર
ભારતીય નાગરિકો સામે અમેરિકામાં વંશીય ભેદભાવ અને નફરતના બનાવો વધી રહ્યાં છે. ટેક્સાસમાં ચાર ભારતીય-અમેરિકન મહિલાઓ સામે હેટ ક્રાઈમની ઘટનાના થોડા દિવસો બાદ આ ઘટના સામે આવી છે.
કેલિફોર્નિયામાં એક ભારતીય-અમેરિકનને તેના જ દેશવાસીઓ તરફથી વંશીય દુર્વ્યવહારનો સામનો કરવો પડ્યો હતો. આરોપીએ તેનાજ દેશબંધુઓને અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો.
શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી પ્રમાણે 21 ઓગસ્ટના રોજ કેલિફોર્નિયાના ફ્રેમોન્ટમાં ગ્રિમર બુલેવાર્ડમાં 37 વર્ષીય સિંહ તેજિંદરે કૃષ્ણન જયરામન સાથે ગેરવર્તણૂક કરીને અપમાનજનક શબ્દો કહ્યાં હતા.
આ ઘટનાને લઇને ફ્રેમોન્ટ પોલીસ વિભાગે જણાવ્યું હતું કે, યુનિયન સિટીના રહેવાસી તેજિન્દર પર સોમવારે નાગરિક અધિકારોના ઉલ્લંઘન, હુમલો અને શાંતિ ભંગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. જયરામને આ ઘટના પોતાના ફોનમાં રેકોર્ડ કરી હતી જે આઠ મિનિટથી વધુ સમયની હતી.
જયરામને કહ્યું કે, તે આ ઘટનાથી ડરી ગયો હતો અને બાદમાં જ્યારે તેણે જાણ્યુ કે તેની સાથે અપશબ્દો અને ખરાબ વર્તન કરનાર બીજુ કોઇ નહી પરંતૂ એક ભારતીય છે ત્યારે તે વધુ અસ્વસ્થ થઈ ગયો હતો. ફ્રેમોન્ટ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
પોલીસ ચીફ સીન વોશિંગ્ટને કહ્યું,"અમે આવી ઘટનાઓ અને અપરાધોને ગંભીરતાથી લઇએ છીએ,અને અમારા સમુદાયને મહત્વપ્રૂર્ણ પ્રભાવને સમજીએ છીએ, આવી ઘટનાઓ ધૃણિત છે, અમે અહીં બધા સભ્યોની રક્ષા માટે જ છીએ,ભલે તેમની જાતિ,ધર્મ,લિંગ અને રાષ્ટ્રીયતા કોઇ પણ હોય"
આ પણ વાંચો: ભારતીય મૂળની ચાર મહિલાઓ સાથે અમેરિકામાં વંશીય ભેદભાવ, ઝપાઝપી