અમેરિકાના વધુ એક સાંસદે 'ગીતા'ની સાક્ષીએ શપથ લીધા, ઈસ્ટ કોસ્ટમાંથી પ્રથમ ભારતીય મૂળ કોંગ્રેસમેન
USA Congressman Takes Oath: ભારતીય મૂળના સુહાસ સુબ્રમણ્યમે પવિત્ર હિન્દુ ગ્રંથ 'શ્રીમદ ભગવદ્ ગીતા'ની સાક્ષીમાં વિશ્વના સૌથી શક્તિશાળી દેશના સાંસદ તરીકે શપથ લીધા છે. સુબ્રમણ્યમ અમેરિકાના ઈસ્ટ કોસ્ટથી પ્રથમ ભારતીય અમેરિકન કોંગ્રેસમેન (MP) છે. સુબ્રમણ્યમની માતા પણ આ ખાસ પ્રસંગના સાક્ષી બન્યા હતાં. તમને જણાવી દઈએ કે 43 વર્ષીય તુલસી ગબાર્ડ, જેઓ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ યુએસએમાં ચૂંટાયેલી પ્રથમ હિંદુ અમેરિકન હતાં, જેમણે ગીતાની સાક્ષીમાં સાંસદ તરીકે શપથ લીધા હતા. ગબાર્ડે સૌપ્રથમ 3 જાન્યુઆરી, 2013ના રોજ હવાઈના 2જી કોંગ્રેસનલ ડિસ્ટ્રિક્ટનું પ્રતિનિધિત્વ કરતાં હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સના સભ્ય તરીકે શપથ લીધા હતા.
સુબ્રમણ્યમે શપથવિધિ બાદ જણાવ્યું કે, 'અમે જ્યારે ભારતથી વોશિંગ્ટન એરપોર્ટ પર ઉતર્યા ત્યારે મારી માતાને જાણ પણ ન હતી, કે, તેનો પુત્ર યુએસ કોંગ્રેસમાં વર્જિનિયાનું પ્રતિનિધિત્વ કરશે. મારા માતા-પિતા મને વર્જિનિયાના પ્રથમ ભારતીય અમેરિકન અને દક્ષિણ એશિયન કોંગ્રેસમેન તરીકે શપથ લેતાં જોઈ ગર્વ અનુભવી રહ્યા છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ યુએસએમાં છ ભારતીય મૂળનો સમાવેશ થયો છે.
આ પણ વાંચોઃ અમેરિકા 26 વર્ષ બાદ ભારત પર લગાવેલો પ્રતિબંધ હટાવશે, પાકિસ્તાનને લાગશે મરચાં
બરાક ઓબામાના સલાહકાર રહી ચૂક્યા
સુબ્રમણ્યમ પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાના નીતિ સલાહકાર રહી ચૂક્યા છે. 2019માં પ્રથમ વખત ચૂંટાયા બાદ વર્જિનિયા જનરલ એસેમ્બલીમાં પણ કામ કર્યું છે. અમેરિકાની 119મી કોંગ્રેસમાં ચાર હિન્દુ સાંસદ ચૂંટાયા છે. અમેરિકાના રાજકારણમાં ભારતીય મૂળનો દબદબો સતત વધી રહ્યો છે. હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ યુએસએમાં શપથ લેનારાં છ ભારતીય મૂળ સાંસદ અમી બેરા, પ્રમિલા જયપાલ, રો ખન્ના, રાજા કૃષ્ણમૂર્તિ, શ્રી થાનેદાર અને સુહાસ સુબ્રમણ્યમ છે.