આફ્રિકાના આ દેશમાં યુદ્ધ જેવી પરિસ્થિતિ: ભારતીયોને તાત્કાલિક બુકાવુ શહેર છોડવા ચેતવણી
- ખિલાફતવાદીઓના હુમલાના ભયને લીધે
- આ સાથે તેઓને દવાઓ, તૈયાર ખોરાક, પાણી, કપડાં અને પાસપોર્ટ સહિત અન્ય તમામ ટ્રાવેલ ડોક્યુમેન્ટ સાથે રાખવા તાકીદ કરી
એડગર રાઇસબરોના ટારઝનની ભૂમિ કોંગો જે હવે ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો તરીકે નામ ધરાવે છે ત્યાં વર્ષોથી અશાંતિ પ્રસરી રહી છે. પરંતુ છેલ્લા કેટલાક સમયથી બાજુનાં રૂઆન્ડામાં રહેલા બળવાખોરો સાથે યુગાન્ડા સ્થિત ખિલાફતવાદીઓ દેશના પૂર્વતમ ભાગમાં હુમલા ઉપર હુમલા કરી રહ્યા છે. પરિણામે કોંગોવાદીના મુખત્રિકોણ ઉપર રહેલા પાટનગર કિન્યાસા સ્થિત ભારતીય દૂતાવાસે દેશના પૂર્વ ભાગે રહેલા બુકાવુમાં રહેતા ભારતીઓને તત્કાળ બુકાવુ છોડી દેવા સલાહ આપી છે અને દરેકને આપત્તિકાલીન પરિસ્થિતિ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે.
ભારતીય દૂતાવાસે આપેલી આ એડવાઈઝરીમાં સર્વેને જરૂરી તેવી તમામ દવાઓ, તૈયાર ખોરાક કપડા તથા પાણી પણ સાથે રાખવા જણાવી દીધું છે. આ સાથે તેમ પણ કહ્યું છે કે નદીઓમાંથી પાણી લેવું પડે તો ખૂબ સાવચેતી રાખવી કારણ કે મગરનો ભય ઘણો હોય છે.
વાસ્તવમાં યુગાન્ડા સ્થિત ઇસ્લામિક ત્રાસવાદીઓ ખિલાફતવાદીઓથી પુષ્ટિ પામેલા રૂવાન્ડાના એમ-૨૩ તરીકે ઓળખાતા બળવાખોરોએ પૂર્વના ગોમા શહેરનો તો કબજો લઈ લીધો છે. હવે તેઓ તેમનો વિસ્તાર વધારવા સતત કાર્યરત છે.
ભારતીય દૂતાવાસની એડવાઈઝરી આ સાથે જણાવે છે કે આ બળવાખોરો બુકાવુથી માત્ર ૨૫-૩૦ માઈલ જ દૂર છે. તેથી અમે તમોને તત્કાળ તે વિસ્તાર છોડી દેવા કહીએ છીએ. આ સાથે દૂતાવસે ભારતીઓને તેમના પાસપોર્ટ સહિત અન્ય તમામ દસ્તાવેજો સાથે રાખવા જણાવી દીધું છે. તેમજ તેઓના કોંગો તથા ભારતના એડ્રેસ પણ દૂતાવાસને જણાવવા અનુરોધ કર્યો છે. સાથે ઇમર્જન્સી નંબર +૨૪૩ ૮૯૦૦ ૨૪૩૧૩ અને તે નંબરનું જ ઇ-મેઈલ મોકલી દીધું છે.
અહીંની ખાણોમાં કામ કરવા માટે હજ્જારો ભારતીયો કોંગોમાં વસે છે તે ઉલ્લેખનીય છે.