'એક વાત કહું- ખોટું તો નહીં લાગે... ' ન્યૂયોર્કમાં ભારતીયોને વડાપ્રધાન મોદી કેમ આવું કહ્યું?
PM Modi Addressed Indian Diaspora In New York: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં અમેરિકાના પ્રવાસે છે. રવિવારે (22મી સપ્ટેમ્બર) તેમણે ન્યૂયોર્કના નાસાઉ કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કર્યા હતા. લોંગ આઈલેન્ડના કોલિઝિયમમાં એનઆરઆઈને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન મોદીએ ભારતના વિકાસ વિશે માહિતી આપી હતી.
પ્રવાસી ભારતીયોને રાષ્ટ્રદૂત કહ્યાં
આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધનની શરૂઆત "નમસ્તે યુએસ!" કહીને કરતાં બધા ઉત્સાહિત થઈ ગયા હતા. પીએમ મોદીએ કહ્યું કે 'હવે આપણું નમસ્તે પણ ગ્લોબલ બની ગયું છે. મારા માટે તમે બધા ભારતના મજબૂત બ્રાન્ડ એમ્બેસેડર છો. તેથી જ હું તમને 'રાષ્ટ્રદૂત' કહું છું.
અમેરિકા કરતાં ભારતનું 5G માર્કેટ મોટું
ભારતમાં વિકાસની વાત કરતાં પીએમ મોદીએ કહ્યું કે ભારત આજે અવસરોની ધરતી છે, હવે ભારત અવસરોની રાહ નથી જોતું. હવે ભારત અવસરનું નિર્માણ કરે છે. ભારત આજે જેટલું કનેક્ટેડ છે પહેલા નહોતું. પછી પીએ મોદીએ 5G માર્કેટ વિશે વાત કરતાં કહ્યું કે ... એક વાત કહું... ખોટું તો નહીં લાગે? આજે ભારતનું 5G માર્કેટ અમેરિકા કરતાં મોટું થઇ ગયું છે અને આ બધું બે વર્ષમાં જ થયું છે. હવે ભારત મેડ ઈન ઈન્ડિયા 6G પર કામ કરી રહ્યું છે.