45000 કરોડની 6 અત્યાધુનિક સબમરિનો ખરીદવા ભારતની કવાયત, સ્પેન અને જર્મનીએ આપી ઓફર
image : Socialmedia
નવી દિલ્હી,તા.30 જાન્યુઆરી 2024,મંગળવાર
ભારતને તો પોતાના બંને પાડોશી દેશો ચીન અને પાકિસ્તાનથી ખતરો છે અને તેના કારણે ભારતે પોતાની સૈન્ય ક્ષમતામાં સતત વધારો કરવો પડી રહ્યો છે.
ચીને દરિયાઈ મોરચે પોતાની તાકાતમાં છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણો વધારો કર્યો છે અને તેને ધ્યાનમાં રાખીને ભારતે પણ હવે જર્મની પાસેથી 6 અત્યાધુનિક સબમરિનો ખરીદવા માટે વિચારણા શરૂ કરી છે.
આ ડીલના કારણે દરિયાઈ મોરચે ભારતની તાકાતમાં ભારે વધારો થશે. ચીન અને પાકિસ્તાનને ભારતના આ નિર્ણયથી પેટમાં ફાળ પડી હશે તે પણ નક્કી છે.
આ સબમરિન કિલર નામથી ઓળખાય છે અને 6 સબમરિન માટે ભારત સરકાર જર્મનીને 45000 કરોડ રૂપિયા ચૂકવશે. જર્મનીની સાથે સાથે સ્પેન પણ ભારતને સબમરિને વેચવાની રેસમાં ઉતર્યુ છે. સ્પેન પણ પોતાની સૌથી અત્યાધુનિક સબમરિન ભારતને ઓફર કરી રહ્યુ છે.
ભારત દ્વારા લાંબા સમયથી સબમરિન ડીલ માટે કવાયત થઈ રહી હતી. કારણકે ભારતીય નૌસેનાને હવે અત્યાધુનિક સબમરિનોની ભારે જરૂર છે.
આ પહેલા જૂન 2023માં જર્મનીના સંરક્ષણ મંત્રી બોરિસ પિસ્તોરિયસ જૂન 2023માં ભારત આવ્યા હતા અને તે વખતે બંને દેશો વચ્ચે જર્મની કંપની ટીકેએમએસની કિલર સબમરિનો ખરીદવા માટે વાટાઘાટો થઈ હતી. જર્મની ભારતની એમડીએલ સાથે મળીને સબમરિન નિર્માણ કરવા માટે તૈયાર છે. જ્યારે સ્પેનની નેવંતિયા કંપની ભારતની એલ એન્ડ ટી સાથે મળીને એસ 80 પ્રકારની સબમરિન બનાવીને ભારતને આપવા માટે તૈયાર છે. આ સબમરિનને 2023માં જ સ્પેનની નૌસેનામાં સામેલ કરવામાં આવી છે.
ભારતીય નૌસેનાની જે જરૂરિયાત છે તેમાં જર્મની અને સ્પેન એમ બે દેશોની સબમરિન શોર્ટ લિસ્ટ થઈ છે. ભારતે આ સબમરિન નિર્માણ પ્રોજેકટને પી 75 નામ આપ્યુ છે. આ બંને દેશોની ઓફર પર ભારત હાલમાં તો વિચારણા કરી રહ્યુ છે.
ભારત આ પ્રોજેકટ હેઠળ એર ઈન્ડિપેન્ડન્ટ પ્રપલ્શન ટેકનિકથી સજ્જ સબમરિન ખરીદવા માંગે છે. આ પ્રકારની ટેકનોલોજીથી બનેલી સબમરિનો લાંબા સમય સુધી પાણીમાં રહી શકે છે. ચીન અને પાકિસ્તાન પાસે આ પ્રકારની સબમરિનો છે ત્યારે ભારત પણ તેનો મુકાબલો કરવા માટે આ જ ટેકનોલોજીથી સજ્જ સબમરિનો ઈચ્છી રહ્યુ છે.